૭૦૭ - દહીંસરામાં દર્શન અને મહિમાની વાતો
દહીંસરામાં હરિભક્તોને ખબર પડતાં સૌ આવી આવીને દંડવત્ કરવા લાગ્યા અને ખીમજીભાઈ તથા દેવજીભાઈએ બાપાશ્રી માટે પોતાને ઘેર થાળ કરાવી ત્યાં ઠાકોરજીને જમાડવાનું કર્યું. નાનામોટા હરિભક્તોને હેત બહુ, તેમ સૌને કથાવાર્તાનું અંગ સારું, તેથી સંધ્યાઆરતી થયા પછી તો હરિભક્તોથી મંદિર ભરાઈ ગયું. પછી વચનામૃતની કથા વંચાતી હતી, તે પ્રસંગે બાપાશ્રીએ વાત કરી જે, 'આ ગામમાં મુક્તરાજ કેસરાભાઈએ સહુને એકસરખો દિવ્યભાવ રખાવ્યો છે. તેમના પિતા કચરાભાઈ બહુ જબરા હતા, તેમને મહારાજે દિવ્યરૂપે દર્શન આપી અક્ષરધામમાં તેડી જઈ પોતાના ચરણમાં સોળ ચિહ્ન્ દેખાડ્યાં હતાં. એક વાર એ પાછા વડતાલમાં દર્શને ગયા. ત્યારે પણ એવી જ રીતે મહારાજે પોતાના ચરણમાં ચિહ્ન્ દેખાડેલાં, તેનો કેફ તેને દેહપર્યત હતો. જ્યારે એ ધામમાં ગયા ત્યારે પણ મહારાજ રથમાં બેસીને તેમને તેડવા આવ્યા હતા. એવાં મોટાને ઘેર મુક્તરાજ કેસરાભાઈનો જન્મ થયો, પછી તેમાં શું ખામી હોય! કેસરાભાઈની પણ નાનપણથી વૃદ્ધના જેવી પ્રકૃતિ હતી. કોઈને ટુંકારો તો ક્યારેય દેતા જ નહિ. પ્રથમ એ છાનું ભજન કરતા, પણ પછી તો નામસ્મરણ કરે કે કીર્તન બોલે તોય પ્રેમ ઊભરાઈ જાય. પછી દેવજીભાઈ તથા ખીમજીભાઈની પ્રશંસા કરી કહ્યું જે, 'જેમ નારાયણપુરમાં જાદવજીભાઈના પરિવારે સત્સંગ દૃઢ રાખ્યો છે, તેમ મુક્તરાજ કેસરાભાઈનો પરિવાર પણ ખરેખરો છે.'
પછી હરિભક્તોને ભલામણ કરવા લાગ્યા જે, 'તમે સહુ આવા મોટાના જોગવાળા છો, તેથી અમે તમારા પર બહુ રાજી છીએ, તમો પણ મહારાજના વચનમાં દૃઢ રહેજો. આપણને શ્રીજીમહારાજની પ્રાપ્તિ થઈ છે, તેનો કેફ રાખવો. આપણા પર એ મહાપ્રભુની કૃપા બહુ છે, તેથી આવી દિવ્ય સભાનો યોગ મળ્યો છે, માટે બીજે ઠેકાણેથી વૃત્તિ ઉખાડી મૂર્તિમાં જોડાવું, અને જાણવું જે, 'આ લોક, ભોગ, સર્વે સ્વપ્નતુલ્ય છે ને નરકરૂપ છે. ખરું સુખ તો એક શ્રીજીમહારાજની મૂર્તિમાં છે, બીજે તો એ સુખ ઘણું દુર્લભ છે, માટે સર્વે ક્રિયામાં મૂર્તિ સાથે જ રાખવી ને મહારાજના સુખરૂપ અમૃતના સમુદ્રમાં ઝીલવું, પણ બીજે જ્યાંત્યાં વલખાં ન મારવાં. અમૃતના સમુદ્રમાંથી એક ચાંચ ભરી હોય તોય અમર થઈ જવાય, પણ ભરતાં આવડવી જોઈએ! આપણે સર્વે જુદા નથી, એક મૂર્તિમાં જ છીએ, પણ આવો જોગ હોય તો એમ રહે. તમે સહુ આવું ને આવું બળ રાખજો,' -એમ પ્રસન્નતા જણાવતા ચેષ્ટા આદિ નિયમ કર્યા પછી મોડેથી પોતે આસને આવીને સૂતા.
બીજે દિવસ સવારમાં નિત્યવિધિ કર્યા પછી ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી સભામાં પધાર્યા, ત્યારે ઘણી વાર વચનામૃતની કથા થઈ. એ વખતે પોતે ધ્યાને યુક્ત બેઠા હતા તે જાગ્રત થઈને કહેવા લાગ્યા જે, 'સહુ આવો ને આવો દિવ્યભાવ રાખજો. આ લાભ બહુ મોટો મળ્યો છે. અક્ષરધામમાં જઈએ ત્યારે મળાય તે અહીં સહેજે મેળાપ થાય છે. આ બધી મહારાજની દયા છે.' એમ કહી ઊભા થઈ સહુને મળ્યા. પછી દેવજીભાઈ તથા તેમના પુત્ર નારાયણભાઈ સાથે તેમને ઘેર ઠાકોરજીને જમાડી આવી, હરિભક્તોએ ગાડું તૈયાર રાખેલ હતું તેથી વૃષપુર જવા હરિભક્તો સાથે ગામબહાર આવ્યા. ત્યાં સહુએ હાર પહેરાવ્યા ને દંડવત્ કરી રાજી રહેવાનું કહ્યું, ત્યારે પોતે બહુ જ પ્રસન્નતા જણાવી. એ વખતે દેવજીભાઈના પૌત્ર હરજીએ હાર પહેરાવી દંડવત્ કર્યા, ત્યારે પોતે તેમના માથા પર હાથ મૂકી મુક્તરાજ ખીમજીભાઈને કહેવા લાગ્યા જે, 'આ હમણાં નાનો લાગે છે, પણ બળિયો બહુ છે,' -એમ મુક્તરાજ કેસરાભાઈના કુટુંબ પર પ્રસન્નતા જણાવતા બાપાશ્રી વૃષપુર પધાર્યા.