૪૧૯ - પ્રાર્થનાવચન ને દિવ્ય દર્શન
બાપાશ્રીના આ મંદવાડમાં સાયલાના મેરાઈ જગજીવનભાઈ, એમના દીકરાને ઘેર બહુ માંદો મૂકીને ઘણા દિવસ સુધી સેવામાં રહ્યા હતા. એક દિવસ તેમણે એ દીકરાની વતી પ્રાર્થના કરી, ત્યારે બાપાશ્રી કહે, ‘તમે હવે ઘેર જાઓ તો ઠીક. તમારો દીકરો ધામમાં જાય એમ અમને લાગે છે.’ ત્યારે તે કહે, ‘બાપા! તમારે શરીરે ઠીક નથી જણાતું ત્યાં સુધી મને અહીંથી જવું ગમતું નથી. કદાચ એ દીકરાને મહારાજ તેડી જશે તો એનાં મોટાં ભાગ્ય, પણ હું તો તમને ઠીક થઈ રહેશે ત્યારે જઈશ.’ આવાં હેતભરેલાં વચનોથી બાપાશ્રી તેમના પર ઘણા રાજી થયા. પછી થોડા દિવસ થયા ત્યાં તો એ દીકરે દેહ મેલ્યાનો કાગળ આવ્યો, તેમાં એવું લખેલું જે, ‘તેને અંત સમયે મહારાજ તથા બાપાશ્રીનાં દર્શન થયાં હતાં.’ આવી રીતે મંદવાડમાં પણ કેટલેય ઠેકાણે મહારાજ સાથે પોતે દર્શન આપી હરિભક્તોને સુખિયા કરતા હતા.