૯૧ - મૂર્તિના સુખનો પાર આવે નહિ
ત્યારે પછી રાતે એ ત્રણ મુક્તોએ ઠાકોરજીને જમાડીને ઘણી વાર મૂર્તિના સુખની વાતો કરી. એ વખતે કુંવરજીભાઈએ લક્ષ્મીરામભાઈને પૂછયું જે, ‘અક્ષરધામમાં મહારાજ સિંહાસનમાં બિરાજે છે એમ કહ્યું છે તે શું?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘એનો ઉત્તર ભાઈશ્રી કરશે.’ પછી ઘણી વાર વાટ જોઈ પણ ભાઈ તો બોલ્યા નહિ. એમ જાણી ફરી વાર લક્ષ્મીરામભાઈ કહે, ‘ભાઈ! તેજમાં સિંહાસન છે, એ વાત કેમ હશે?’ ત્યારે ભાઈશ્રી બોલ્યા જે, ‘શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજ ફરરર, ફરરર નીકળ્યે જ જાય છે, એ તેજ સિંહાસનરૂપે શોભે છે. માટે એ તેજની જ અલૌકિક અદભુત શોભા છે; અને મૂર્તિમાં પણ અનંત મુક્ત કિલ્લોલ કરે છે. અનાદિ મુક્તરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ સર્વે ત્યાં જ છે, મંદ મંદ હસે છે ને સુખ લીધા જ કરે છે. મહારાજની મૂર્તિમાં સુખ અપરંપાર છે. એ સુખનું વર્ણન કોણ કરી શકે? કલ્પેકલ્પ વીતી જાય, પણ એ મૂર્તિનો ને એ મૂર્તિના સુખનો પાર આવે નહિ.’ એમ વાતો કરી રાત્રે સૂઈ રહ્યા. પછી સવારમાં વહેલા ઊઠી પરસ્પર મળ્યા તે વખતે લક્ષ્મીરામભાઈ કહે, ‘ભાઈ! આ વખતે બહુ દયા કરી. તેમ ને તેમ બે દિવસ ખમી જાઓ.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘આપણે ક્યાં જુદા રહેવાનું છે? જઈએ કે રહીએ, પણ રહેવાનું તો એક જ સ્થાનમાં છે. અમે તો આ વખતે દર્શન કરીને વળી જવાનો વિચાર કર્યો છે, પણ તમે આજ્ઞા કરતા હો તો રોકાઈ જઈએ.’ ત્યારે લક્ષ્મીરામભાઈ કહે, ‘હું આપને આજ્ઞા કરવા સમર્થ નથી. તમે જેમ દયા કરીને દર્શન આપો છો તેમ ને તેમ આપતા રહેજો ને સદાય કૃપાદૃષ્ટિ રાખજો. સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી મને આપના માટે બહુ કહેતા કે એ તો એ જ છે.’ એમ કહીને કહ્યું જે, ‘અહીં નાહીને પૂજા કરી લ્યો. પછી જેમ રાજી થાઓ તેમ કરજો.’ આવાં વચનથી પોતે રાજી થઈને કહ્યું જે, ‘ભલે, તમે ઠાકોરજીને થાળ કરાવો, અમે પૂજા કરી લઈએ.’ એમ કહી નાહી પૂજા કરી ઠાકોરજીને જમાડી અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈને રાજી કરી બન્ને વૃષપુર આવ્યા.