૬૦૭ - ભૂજમાં ધર્મામૃતની કથાપ્રસંગે પધાર્યા

0:000:00

ત્યાર પછી જેઠ માસમાં ભૂજમાં ધર્મામૃતની કથા વંચાતી હતી, ત્યારે લાલશંકરભાઈએ સંતોને રસોઈ આપેલી અને તેમણે હરિભક્ત ભેળું કહેવરાવેલ હોવાથી એ પ્રસંગે બાપાશ્રી ભૂજમાં દર્શન કરવા ગયા, પણ એ વખતે પાછું પોતાના શરીરમાં કાંઈ ઠીક ન પડતું હોય તેવો ભાવ જણાવવા માંડ્યો. પોતે ઠાકોરજીનાં દર્શન કરી સભામાં બેસે, પણ બહુ બેસાય નહિ એટલે કઠોડા પાસે જઈને સૂવે. ઘડીક મેડા માથે જાય ને પાછા ઊતરે. થોડી વાર ઠાકોરજી પાસે જઈને બેસે, કાં તો અગાસીમાં જાય, ઘડીક બ્રહ્મચારીવાળા ભંડારે બેઠા હોય; એમ ત્રણ દિવસ સુધી શરીરમાં ઠીક જણાતું નહિ; તેમ આંખો પણ દુઃખતી, એટલે સંતો ઔષધ ચોપડવું વગેરે સેવા કરતા. ગરમીને લીધે દિવસમાં ઠીક ન પડે તો સાંજ ટાણે વાડીએ પધારે ને રાત્રે ત્યાં જ સૂવે. એ વખતે પુરાણી કેશવપ્રિયદાસજી આદિ સંતો પાસે રહે એટલે રાત્રે ત્યાં જ કથાવાર્તા થાય. કોઈ વાર બાપાશ્રી પુરાણી કેશવપ્રિયદાસજીને વાતો કરવાનું કહે ત્યારે પુરાણી હરિભક્તોને વાતો કરે. રોજ સવારમાં બાપાશ્રી વહેલા ઊઠી નાહી લે ને પછી છત્રીના ઓટે બેસી પૂજા કરે, પછી મંદિરમાં આવી ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી સભામાં બેસે. એક દિવસ પોતે વહેલા નાહી, પૂજા કરી, મંદિર આવવા નીકળ્યા તે પ્રથમ છત્રીને ઓટે વિસામો ખાધો. ત્યાંથી માર્ગમાં લીંબડાના ઝાડ હેઠે ઓટો હતો ત્યાં બેઠા. ત્યાંથી ચાલ્યા તે શહેરના દરવાજાના ઓટલે થોડી વાર બેસીને માર્ગમાં પાઠશાળાનું મકાન આવે છે તેના પગથિયે બેઠા. ત્યાં દીવાનજીના બગીચાવાળો પાંચો ભક્ત આવ્યો. તેણે બાપાશ્રીને ગુલાબનાં બે ફૂલ આપ્યાં, તે લઈ પોતે સૂંઘી, આંખે અડાડી તેને પાછાં આપ્યાં. પછી ત્યાંથી ધીરે ધીરે ચાલતા પોતે મંદિરમાં આવી ઠાકોરજીનાં દર્શન કર્યા. પછી બહુ થાક જણાવી સભામંડપના કઠોડે સૂઈ ગયા, તે જ્યારે કથાવાર્તા થઈ રહી ને સભા ઊઠી, ત્યારે સંતોના આગ્રહથી મેડા પર જઈને આસને સૂતા. આ રીતે બહુ જ અશક્તિ અને બેચેની જેવું જણાતાં સંત-હરિભક્તોને એ વાતની ચિંતા થવા લાગી. બાપાશ્રી તો જે કોઈ પૂછે તેને એમ કહે જે, ‘એ તો હમણાં મને એમ થઈ આવે છે, મહારાજ બધુંય ઠીક કરી દેશે. સહુ રાજી રહેજો,’ – એમ કહી સાંજના પોતે ગાડામાં બેસી વૃષપુર પધાર્યા.