૨૫૬ - સંતો રામપુર ગયા
હવે ભૂજમાં અમદાવાદ, મૂળી વગેરેના સંતો સ્વામીનો મંદવાડ જાણી દર્શન કરવા આવ્યા ને ભૂજથી થોડા સંતો રામપુરમાં કથા કરવા નિમિત્તે ત્યાં ગયા. એ વખતે અનાદિ મુક્તરાજ બાપાશ્રી પણ ભૂજમાં આવી પહોંચ્યા. સ્વામીશ્રીના મંદવાડની રીત એવી જે, કોઈને કાંઈ ખબર ન પડે, પોતાની પાસે કથાવાર્તા થયા જ કરે, હરિભક્તો ગામડેથી વારાફરતી દર્શને આવે, તેમને મહારાજનાં વચનમાં દૃઢ રહેવા પોતે ભલામણ કરે; આમ કરતાં મહા વદમાં તો કેટલાક હેતરુચિવાળાને સ્વામીશ્રીએ કાગળ લખી તેડાવ્યા, તેથી એ સૌ આવ્યા, ત્યાં વળી ફાગણ સુદ બીજના દિવસે ચરણારવિંદ-પ્રતિષ્ઠાની કંકોત્રીઓ મોકલવામાં આવી. એક તો સ્વામીશ્રીને જોવા આવવાની સૌને તાણ હતી ત્યાં આ કંકોત્રી આવી, એટલે પડવાને દિવસ નાનામોટા હરિભક્તો ઘણા ભૂજમાં આવી પહોંચતાં, મોટો સમૈયો બની ગયો. સ્વામીશ્રીના જાણવામાં આવી ગયું હતું કે, ‘હવે મારે ધામમાં જવું છે.’ તેથી સંત-હરિભક્તો આવે તેને પોતે હેતે સહિત ‘જય સ્વામિનારાયણ’ કરતા, બોલાવતા, કોઈને પરસ્પર સંપ રાખી મહારાજને સંભારવા ભલામણ કરતા, કોઈને આશીર્વાદ દેતા.’ એમ સૌને રાજી કરતા. ફાગણ સુદ બીજની સવાર થઈ એટલે ચરણારવિંદની પ્રતિષ્ઠા માટે સંત-હરિભક્તો તૈયારી કરવા લાગ્યા.
રામપુરમાં પણ આગલે દિવસ ગોમટી તૈયાર કરી સંતો પારાયણની તૈયારી કરતા હતા, ત્યાં ભૂજથી કંકોત્રીઓ આવતાં ઘણા હરિભક્તો ભૂજ ગયા ને ત્યાંથી સાઈકલથી આવનારા હરિભક્તો સ્વામીશ્રીને મંદવાડ વધુ જણાય છે, એવી ખબર લાવતાં સંતો ત્યાં વિચારમાં પડ્યા કે, આપણે હવે શું કરવું!’