૬૧૦ - મંદવાડના ખબર પડતાં સંત-હરિભક્તોની ભીડ

0:000:00

બાપાશ્રીના આ મંદવાડના ખબરથી કેરા, દહીંસરા, રામપુર, નારાયણપુર, ભારાસર, માનકૂવા, સુખપુર, માધાપુર વગેરે ગામોમાંથી હરિભક્તો દર્શને આવતા, તેમ ભૂજથી સંતો પણ આવી આવીને દર્શન કરી જતા, પણ થોડા દિવસ સુધી તો બાપાશ્રીએ પોતાના આ મંદવાડની ખબર અમદાવાદમાં સદ્‍ગુરુઓ આદિ સંતોને આપવાની ના પાડી હતી. આમ થોડા દિવસ વીત્યા પછી પુરાણી કેશવપ્રિયદાસજી તથા મોતીભાઈ વગેરે બાપાશ્રીને બહુ પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે કહે, ‘ભલે લખી જણાવજો, પણ ઉચાટ થાય તેવું લખશો નહિ.’ આટલા વચનથી પુરાણી કેશવપ્રિયદાસજી તથા મોતીભાઈએ મળી સદ્‍ગુરુઓને વિગતવાર પત્ર લખ્યો, તે વાંચી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિને તો એમ થયું જે, ‘જાણે ઊડીને કચ્છમાં જઈએ! આટલા દિવસ આપણને કેમ ખબર આપ્યા નહિ હોય!’ એમ ચિંતા કરતા સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા મૂળીના પુરાણી ધર્મકિશોરદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, દેવજીવનદાસજી આદિ કેટલાક સંતો અને શેઠ બળદેવભાઈ, ડૉક્ટર નાગરદાસભાઈ તથા મણિલાલભાઈ, માસ્તર કેશવલાલ તથા સેવક આશાભાઈ અને શંકરભાઈ, બાલુભાઈ, જેઠાભાઈ, બહેચરભાઈ વગેરે હરિભક્તો તથા પાટડી, સુરત, કરાંચી આદિ દેશદેશાંતરના કેટલાક હરિભક્તો ખબર પડતાં વૃષપુર આવવા માંડ્યા. જે કોઈ આવે તેને બાપાશ્રી સૂતા સૂતા મળે, કોઈને બોલાવે, કોઈને ન બોલાવે, કેટલાક તો બાપાશ્રીને જોતાં જ દંડવત્ કરવા માંડે, પછી ‘જય સ્વામિનારાયણ’ કરે, પણ પોતે કાંઈ બોલે નહિ, જાણે પોતાને કાંઈ સ્મૃતિ જ ન હોય; આથી સંત- હરિભક્તો દર્શન કરે ને વિચાર કરે. કોઈ તો પુરાણી કેશવપ્રિયદાસજી તથા મોતીભાઈ જેવા, આગળથી સેવામાં રહ્યા હતા તેમને પૂછે, ત્યારે તે બધી વાત જણાવે. આવું જોઈ સહુ ઉદાસ થઈ ગયા, તે વખતે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ પાસે બેસી બહુ જ પ્રાર્થના કરી ત્યારે તેમના માથે હાથ મૂકીને એટલું બોલ્યા જે, ‘સ્વામી! તમે હિંમત રાખો, કોઈ મૂંઝાશો નહિ; બધુંય સારું થઈ જશે. આ મંદવાડ તો તમને તેડાવવા તથા હેત-રુચિવાળાને દર્શન દેવા સારુ છે. અમે આ મંદવાડ જણાવ્યો, તેમાં જેમ નદીઓ સમુદ્રમાં હડેડાટ આવે તેમ તમે સહુ ભેગા થઈ ગયા. મંદવાડને લઈને કોઈને એમ પણ ન થાય જે, ‘આ વારે વારે કેમ આવતા હશે!’ આવાં વચનથી સહુને એમ થયું જે, ‘બાપાશ્રી હવે સાજા થઈ જશે.’ પછી અમદાવાદના હરિભક્તો સાથે બહેચરભાઈના પિતા શંકરભાઈ આવ્યા હતા, તેમને આગબોટમાં બીક લાગતાં બાપાશ્રીએ દર્શન આપેલાં કે, ‘ડોસા! બીશો નહિ, આગબોટ બૂડવા નહિ દઈએ.’ પણ અહીં આવ્યા ત્યારે બાપાશ્રીને ચોકમાં આમ સૂતેલા જોઈ, તેમને બહુ દિલગીરી થઈ; તેથી આંખોમાં આંસુ આવી જતાં બાપાશ્રીએ તેનો હાથ ઝાલી કહ્યું જે,’ ડોસા! તમે દિલગીર કેમ થાઓ છો? આ મંદવાડ તો દેખાવા માત્ર છે, અમે તો અનંત જીવોનો મંદવાડ મટાડવા આવ્યા છીએ.’ આ વચનથી તે શંકરભાઈને સંતોષ થયો ને કહ્યું જે, બાપા! મારો હાથ ઝાલ્યો છે તે આમ ને આમ ઝાલી રાખજો, મૂકજો મા.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, સારું ડોસા, નહિ મૂકીએ!’ એ વખતે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી દર્શન કરવા આવ્યા, તેમને પોતે સૂતા સૂતા બાઝી પડ્યા ને બહુ હેત જણાવીને ‘ મારી સંભાળ લીધી, મારી સંભાળ લીધી’ એમ બે વાર કહ્યું. પછી એમ બોલ્યા જે, ‘આ ફેરે મહારાજના સ્વરૂપનું જ્ઞાન બરાબર સમજી લેજો. અમે જીવોને સુખિયા કરવા આવ્યા છીએ, અમારે સૌને મહારાજની મૂર્તિમાં જોડવા એટલું જ કામ છે, તેથી જીવના કલ્યાણને અર્થે ગામોગામ ફરીએ છીએ અને આ મંદવાડ કે એવું બીજું કાંઈ અમને નથી, અમે તો સદાય આનંદઘન ને સુખરૂપ છીએ.’ આવાં વચનથી સૌ રાજી રાજી થઈ ગયા; પછી સંત-હરિભક્તો કથાવાર્તા ને સેવા કરવા લાગ્યા. એમ કરતાં થોડા દિવસ થયા ત્યારે બાપાશ્રીએ જરા જરા ઠીક જણાવવા માંડ્યું.

એક દિવસ સાંજે ઘેરથી દહીં ને કાંજી તૈયાર કરીને તેમના દીકરા લાવ્યા તે જમીને પોતે સૂતા હતા અને આગળ સંતો કથા વાંચતા હતા. એ વખતે એક હરિભક્તે આવીને બાપાશ્રીને હજારી ફૂલનો હાર પહેરાવ્યો, તે હાર પોતે કંઠમાંથી ઉતારી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે,; ‘આ હાર ઝીણા પટેલને પહેરાવો ને કહો જે, આજ અમારો મંદવાડ ગયો.’

વળી બીજે દિવસ વઢવાણવાળા મણિલાલભાઈને સંકલ્પ થયો જે, ‘ બાપાશ્રી આજ પ્રશ્ન-ઉત્તર કરીને વાતો કરે તો ઠીક.’ ત્યાં તો પોતે વચનામૃતમાંથી સંતોને પ્રશ્ન પૂછ્યો: ત્યારે સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજીએ પ્રશ્નનો પરભાવમાં ઉત્તર કર્યો, એટલે પોતે પ્રસન્નતા જણાવીને કહ્યું જે, ‘ બરાબર, આમ ન સમજાય તો રખડવું પડે.’ એમ મણિલાલભાઈનો સંકલ્પ સત્ય કર્યો.

ત્યાર પછી થોડા દિવસ પોતે સાજા હોય તેમ વાતો કરવા લાગ્યા, પણ શરીરમાં ઊઠવા-બેસવાની પહોંચ નહિ, તેથી ઓશરીમાં, ચોકમાં કે ઘેર જવું હોય ત્યારે માંચીમાં બેસીને જાય-આવે, એમ કરવા માંડ્યું.