૭૦૧ - ગુજરાતી હરિભક્તને સંભારણું કર્યું
ત્યાર પછી એક ગુજરાતી વૃદ્ધ હરિભક્તને ભૂજ થઈને દેશમાં જવું હતું તે દંડવત્ કરવા લાગ્યા ને કહ્યું જે, ‘બાપા! મારા પર રાજી રહેજો.’ ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, ‘ડોસા! મહારાજ ભેળા અમને સંભારજો.’ ત્યારે તે કહે, ‘બાપા! તમે તો વગર સંભાર્યે સાંભરો એવાં છો. તેમ કેડિયું પહેરી, પાઘડી બાંધીને ખંભે ખેસ રાખો છો, ત્યારે જાણે ભૂલ્યા ન ભુલાઓ એવા લાગો છો. અને પૂજા કરતા કે અમથા ઉઘાડે શરીરે બેસો છો ત્યારે તો પુષ્ટ શરીર વીસરે એવું જ ક્યાં છે!’ એવું સાંભળી બાપાશ્રીએ તેમને કહ્યું જે, ‘અમે ઘી, ગોળ ખાઈને આવા નથી થયા, અમારે ત્યાં તો બાજરાના રોટલા ને મઠની ખીચડીના રોજ થાળ થાય તે જમીએ ને મહારાજના સુખમાં આનંદ કરીએ. આ વાત ઠેઠ અક્ષરધામની છે તે તમારા પોટલામાં ને ડબામાં ભરીને ભાતાની પેઠે લઈ જજો ને તમારા દેશમાં જાઓ ત્યાં આવી વસ્તુ ખૂબ વાપરજો. આ વાતોમાં મહારાજનું દિવ્ય સુખ છે.’ એમ કહી તેમને ઊભા થઈ મળ્યા ને પ્રસાદીનો હાર પહેરાવી કહ્યું જે, ‘આ બધું સંભારી રાખજો, આગળ બહુ કામ આવશે.’ એમ તેમને રાજી કર્યા.