૪૧૩ - સેવકોને ધન્યવાદ તથા મોક્ષનાં વરદાન

0:000:00

એક દિવસ પોતે મંદિરની ઓશરી પર ખાટલામાં સૂતા હતા ને જરા માથું ઓશીકાથી હેઠે નમી પડ્યું, તે જોઈ હીરજીભાઈ જે સેવામાં રહેતા હતા, તેમણે જાળવીને ઓશીકું સરખું કર્યું ત્યાં તો પોતે જાગી ગયા ને બોલ્યા જે, ‘બચ્ચા હીરજી! તું ને જાદવજી બેય જણા મારી મન, કર્મ, વચને સેવા કરો છો, તે બધુંય મારી જાણમાં છે. હું આ ગુણ ભૂલું એવો નથી. આ સેવાનું ફળ તો તમને આગળ મળશે,’ એમ કહી એ બેયને પાસે બોલાવી માથે હાથ મૂક્યા ને કહ્યું જે, ‘ધન્ય છે, તમારાં માતાપિતાને! તમે મારી રાતદિવસ ઊભા પગે સેવા કરી.’ પછી પોતાના મોટા દીકરાને બોલાવીને કહ્યું, ‘બચ્ચા કાનજી! આપણે ઘેરથી થોડી કોરીઓ ને બે પાઘડી, તથા બે આંગડીઓ લઈ આવ્ય. મારે આ બેયને પગાર દેવો છે.’ પછી તે ઘેર જઈ બે પાઘડી, બે આંગડી તથા કોરીઓ લાવ્યા, તેમાંથી એ બેયને પોતે ખોબા ભરીને દેવા માંડી ને કહ્યું જે, ‘તમે મારી રાતદિવસ ઘરનાં કામકાજ મૂકીને સેવા કરી છે, તેથી હું તમને રાજી થઈને આપું છું તે લ્યો!’ ત્યારે તેઓ કહે, ‘બાપા! અમારે તો તમારો રાજીપો જોઈએ છીએ, તેથી કોરીઓ તો અમે એકે નહિ લઈએ.’ પછી ઘણી તાણ કરી, પણ કોરીઓ ન લેતાં બેયને પોતાને હાથે આંગડીઓ પહેરાવી, પાઘડીઓ બંધાવી, ઘણી પ્રસન્નતા જણાવી. થોડી વાર પછી રામપુરથી દેવરાજભાઈ દર્શને આવ્યા, તેમને પોતે હેત જણાવી સૂતા સૂતા મળ્યા ને વાત કરવા લાગ્યા જે, ‘દેવરાજભાઈ! આ હીરજીને જાદવજીએ મારી મંદવાડમાં બહુ સેવા કરી છે તેને મારે પગાર દેવો હતો, પણ લીધો નહિ તેથી બેયને આંગડી પહેરાવી, પાઘડી બંધાવી રાજી કર્યા. મારી સેવાનું ફળતો હજી પાછળથી મળશે’ ત્યારે દેવરાજભાઈ કહે, ‘બાપા! આપની સેવા એને મળી છે, એ જ એમનાં મોટા ભાગ્ય છે. આ સેવા ક્યાંથી મળે!’ તે સાંભળી બાપાશ્રી કહે, ‘દેવરાજભાઈ! છે તો એવું, પણ મહિમા હોય તેને એ વાતની ખબર પડે. મેં તો આ વખતે એવો સંકલ્પ કર્યો છે જે, આ ટાણે જે કોઈ દૃષ્ટિમાં, જોગમાં કે કાંઈ સેવામાં આવ્યા હશે, તેનો આત્યંતિક મોક્ષ કરવો છે. એમ વાત કરતા સૂઈ ગયા.