૧૫૯ - ગોવિંદભાઈને મહારાજના દર્શન

0:000:00

આ વખતે ગામ ભારાસરના ગોવિંદ ભક્ત વૃષપુરમાં રહેવા આવ્યા હતા; તે વ્યવહારે સાધારણ હતા, પણ એને એવી ઇચ્છા હતી કે, ‘આ ગામમાં રહેવાથી સવાર-સાંજ મહારાજ તથા ભાઈશ્રીનાં દર્શન થાય, કથાવાર્તા સંભળાય, નાનામોટા સંત-હરિભક્તો ભાઈશ્રી પાસે આવે તેનાં દર્શનનો લાભ મળે, અને જો દેહ મૂકવા ટાણે એ પાસે ઊભા હોય તો કાંઈ કસર ન રહે, ઠેઠ મહારાજ પાસે પહોંચી જવાય.’ આવા વિચારથી પોતે રોજ સવારમાં વહેલા નિત્યનિયમ કરી કથામાં બેસી જતા. બપોરે નવરાશ હોય તો વાડીએ જાય. સાંજે મંદિરમાં આરતી, ઘૂન્ય, કથાવાર્તા વગેરે થાય ત્યારે બેઠા જ હોય. મંદિરની તથા ભાઈશ્રીની સેવા પણ કરે. આમ કરતાં એક વખત કેટલાક હરિભક્ત કરાંચી કમાવા જતા હતા. તેમણે ત્યાંના ધંધા, રોજગાર ને કમાણીની વાત કરી તેથી પોતાને એમ સંકલ્પ થયો જે, ‘હું આમની સાથે છ-બાર મહિના જઈ આવું તો સુખે અહીં રહેવાય.’ આ સંકલ્પ તેમણે ભાઈશ્રીને જણાવ્યો ને પૂછ્યું જે, ‘આ હરિભક્તો ભેળો હું કરાંચી જાઉં?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘અહીં જ ઠીક છે. કરાંચી જવાનું કાંઈ નહિ. પણ જો તમને બહુ તાણ રહેતી હોય તો મહિના પછી જજો’ -આમ કહ્યું, પણ એ વાત તેમના સમજવામાં ન આવી ને જાણ્યું જે, ‘આ ફેરે સંગાથ ઠીક છે તે જઈ આવું તો ઠીક. મહિના પછી આવો સંગાથ ન મળે,’ -એમ જાણી એ તો એ વખતે જ સૌની સાથે ગયા. ત્યાં પહોંચ્યા હજી પાંચ દિવસેય થયા નહોતા, ત્યાં તો તેમને શરીરે મંદવાડ થઈ ગયો. પછી તો ઘણોય વિચાર થયો, પણ શું કરે! પોતાથી એકલા પાછું આવી શકાય તેમ રહ્યું નહિ, એટલે મન વાળી મહારાજ તથા બાપાશ્રીને સંભારવા લાગ્યા. તેમનો દીકરો અરજણ સાથે હતો, તે તેમની ચાકરી કરતો ને પોતે તો મહારાજ તથા આ મુક્તરાજને સંભાર્યા કરતા. પોતે રોજ મનમાં એમ સંકલ્પ કર્યા કરે જે, ‘હવે જો એક વાર સાજો થાઉં તો બીજી વાર ક્યારેય ભાઈશ્રીનું વચન લોપું નહિ.’ આમ કરતા મંદવાડ વધી ગયો ને દેહ રહે તેવું ન રહ્યું. તેથી પોતે કહેવા લાગ્યા. જે, ‘અરજણ! મને ભાઈશ્રીએ કહ્યું હતું જે, હમણાં કરાંચી જવાનું કાંઈ નહિ, જવું હોય તો મહિના પછી વાત. તોય હું સમજ્યો નહિ. હવે શું થાય! મારો દેહ અહીં જ પડશે કે શું? મારા મનની વાત મનમાં રહી ગઈ.’ એમ કહેતા દિલગીર થઈ ગયા. તે જ વખતે આ મુક્તરાજે તેમને દર્શન આપીને કહ્યું જે, ‘કેમ છે? ચાલો ધામમાં.’ ત્યાં તો તેમને આનંદ થઈ ગયો ને બેઠા થઈ પગે લાગવા મંડ્યા; તે વખતે મહારાજ પણ સાથે દેખાવા લાગ્યા, ત્યારે ગોવિંદભાઈ હાથ જોડતા ગદગદ થઈ ગયા ને તેમના દીકરાને કહે, ‘અરજણ! તારો મામો તો મહારાજને લઈને આવ્યા, તું દર્શન કર! મને કહે છે કે ચાલો ધામમાં.’ તે વખતે મંદિરમાં બ્રહ્મચારી હતા તે જોવા આવેલા, તેણે કહેવા માંડ્યું, ડોસા! આ ટાણે મહારાજ વિના કાકા, મામા કોઈને સંભારવા નહિ.’ ત્યાં તો પોતે બેઠા થઈ ગયા ને બોલ્યા જે, ‘બ્રહ્મચારી મહારાજ, આ મામો તો અલૌકિક છે. આ લોકના મામાને આ ટાણે કોણ સંભારે! આ તો અક્ષરધામમાંથી મહારાજને લઈ મને તેડવા આવ્યા છે. જુઓને એમની દયા! હું તેમના ભેગો ધામમાં જાઉં છું. તમે મારી ચિંતા ન રાખજો,’ એમ કહી ‘જય સ્વામિનારાયણ’ કહી દેહ મેલી ગયા, તેથી તે બ્રહ્મચારી તથા પાસે હરિભક્તો હતા તે સહુને આશ્ચર્ય થયું. પછી અરજણભાઈ પાસે એ બ્રહ્મચારીએ આ મુક્તરાજ ભાઈશ્રીના મહિમાની વાત સાંભળી. પછી એ બ્રહ્મચારી જ્યારે કચ્છમાં ગયા, ત્યારે પણ આ વાત કરી ભાઈશ્રીને ઘણા રાજી કર્યા હતા.