૩૫૬ - ફૂલડોળમાં અલૌકિક દર્શન

0:000:00

ત્યાર પછી ફાગણ સુદ પૂનમના દિવસે બાપાશ્રી સંતોએ સહિત ભૂજ ગયા. તેથી સંત-હરિભક્તો ઘણા રાજી થયા ને બીજે દિવસે ફૂલડોળનો સમૈયો હોવાથી શ્રીજીમહારાજનાં રંગ, ગુલાલ, ને ફૂલહારથી ગરકાવ એવાં દર્શન થતાં સૌને આનંદનો પાર રહ્યો નહિ. બપોરે ફૂલના હિંડોળામાં મહારાજને ઝુલાવતાં જ્યારે આરતી થઈ ત્યારે અનાદિ મુક્તરાજ બાપાશ્રી સાથે ઘણા હરિભક્તો ઠાકોરજીનાં દર્શન કરતા હતા, ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ ઉમંગમાં આવી જઈ હસતા હસતા પ્રસાદીના રંગની બે-ત્રણ પિચકારીઓ બાપાશ્રી પર નાખી, તેથી બાપાશ્રીનું કેડિયું, પાઘડી, ધોતિયું ને ખેસ બધાં વસ્ત્રો રંગથી રસબસ થયાં. પછી માથે ગુલાલ નાખ્યો ને બોલ્યા જે, ‘બાપા! જુઓ તો ખરા! આજ મહારાજ સહુને રંગમાં કેવા રસબસ કરે છે?’ એમ કહી હજારી ફૂલના હાર પહેરાવી દંડવત્ કરી મળ્યા. તે વખતે બાપાશ્રીએ પણ તેમના પર થોડો પ્રસાદીનો રંગ નાખ્યો, એટલે એ ચમક્યા ને કહ્યું જે, ‘બાપા! અમારે ત્યાગીને રંગની બંધી છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘એ વાત ખરી! પણ સેવામાં બ્રહ્મચારી હોય તેને એવી સાવ બંધી રહે નહિ,’ -એમ કહીને પછી બોલ્યા જે, ‘આ રંગ કેસૂડાંનો કે લાલ, ગુલાબી રંગનો ન જાણજો, આ તો રંગના ભીના જે શ્રીજીમહારાજ તેમના રાજીપાનો રંગ છે. આ રંગ તો ઉપટવાનો જ નહિ.’ આમ કહ્યાથી સૌ હરિભક્તોએ હાથ જોડી પ્રાર્થના કરી, તેથી તેમના પર પણ થોડો થોડો રંગ હાથેથી છાંટ્યો ને ‘સહજાનંદ સ્વામી મહારાજની જય' બોલાવીને સભામાં આવ્યા. ત્યારે બાપાશ્રીને રંગમાં રસબસ જોઈ સહુ રાજી થયા. રાત્રે પણ બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ ઘણી વાર હેતભર્યા વચનો કહી બાપાશ્રીને રાજી કરી દીધા.

બીજે દિવસે ચાલવાનું હતું, તેથી સંત-હરિભક્તોએ તૈયારી કરવા માંડી ને સ્વામી ઈશ્વરચરણદાસજીએ પાટડી, મૂળી વગેરે ઠેકાણે જવા, બાપાશ્રી અહીંથી નીકળે છે તેવા કાગળો લખાવી ટપાલમાં નખાવ્યા. પછી ઠાકોરજીનાં દર્શન કરી રેલે બેસી તુણા પહોંચ્યા, ત્યાં સુધી ભૂજના મોટા મોટા હરિભક્તો ભોગીલાલભાઈ, ધનજીભાઈ આદિ વળાવવા ગયેલા, તેથી તેમના પર બાપાશ્રી બહુ રાજી થયા ને પોતે નાહી, ટીમણ કરી તેમને તેમાંથી પ્રસાદી આપીને બોલ્યા જે, ‘આ તમને અક્ષરધામનું ટીમણ આપ્યું એમ જાણજો.’