૪૬૯ - રસનો થાળ ને સુખડીનું ટીમણ

0:000:00

ત્યાર પછી બે દિવસ થયા ત્યાં નારાયણપુરવાળા ધનજીભાઈ દર્શન કરવા આવ્યા, તેમણે આ સંતમંડળને કથાવાર્તા કરતાં જોઈને પોતાને ત્યાં શેરડીનો વાઢ કરેલો હતો, ત્યાં લઈ જવાનો સંકલ્પ કરી બાપાશ્રીને પ્રાર્થના કરી કે, ‘બાપા! દયા કરીને કાલ બપોરે આપણે વાઢે સંતોને લઈને પધારો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે! સંતો આવે તો મારી ના નથી; હું પણ ભેગો આવીશ.’ આમ કહેવાથી ધનજીભાઈએ સંતો પાસે આવવાનું નક્કી કરાવી બીજે દિવસ બે ગાડાં મોકલાવ્યાં; એટલે બપોરના ઠાકોરજીને જમાડી સહુ નારાયણપુર ગયા. બાપાશ્રી તથા સંતોને જોઈને હરિભક્તોના હર્ષનો પાર રહ્યો નહિ. સહુ થોડી વાર મંદિરમાં બેઠા એટલે ધનજીભાઈના પુત્રોએ ઘી, ગોળ ને લોટ લાવી સંતોને સુખડી કરવાનું કહ્યું ત્યારે બાપાશ્રી કહે, ‘સંતો ઠાકોરજીને જમાડીને આવ્યા છે, તે હવે કેમ જમશે?’ તે સાંભળી ધનજીભાઈ કહે, ‘બાપા! આજ નહિ જમે તો કાલ તો જમશે? અહીં ઠાકોરજીને થાળ જમાડી સંતોને ટીમણ ભેળું બંધાવશું; પછી એમને ફાવે ત્યારે જમેં.’ એમ કહી સુખડી કરાવી ઠાકોરજીને જમાડી ભેળી લીધી. પછી સૌને પોતાને વાઢે તેડી ગયા. ત્યાં સંતો ‘આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ’ એ કીર્તન બોલ્યા. એ વખતે ધનજીભાઈ હાથ ધોઈ રસનો વાટકો ભરીને લાવ્યા ને બાપાશ્રીને કહે, ‘આ મહારાજને જમાડો.’ એમ કહી પોતે મોટા મોટા વાટકા તથા રસનું મોટું તપેલું ભરી લાવ્યા ને બાપાશ્રી પાસે મૂક્યું. તેમાં એ મહારાજનો જમાડેલો રસ નાખી સૌને વાટકા ભરી ભરી બાપાશ્રીને હાથે રસ પીરસાવીને પાયો. પછી સંતોના આગ્રહથી બાપાશ્રીએ પણ થોડો પીધો. પુરાણી કેશવપ્રિયદાસજીનું શરીર માંડ માંડ ઠીક થયું હતું, તેથી તેમના સાધુએ બાપાશ્રીને પ્રાર્થના કરી કે, ‘બાપા! આપે વાટકો ભરીને રસ આપ્યો તે પુરાણીને નડશે નહિ?’ ત્યારે બાપાશ્રી કહે, ‘પુરાણી! નહિ નડે, પીઓ! આ તો ધનજીભાઈનો પ્રેમરસ છે.’ એમ સંતોને રસ પાઈ રાજી કર્યા. પછી ધનજીભાઈએ બાપાશ્રીને હાથે સંતોને સુખડીનું ભાતું બંધાવ્યું. એ વખતે જેટલા હરિભક્તો આવ્યા હતા તેમને પણ રસની પ્રસાદી બાપાશ્રી પાસે અપાવી રાજી કર્યા. ત્યાર પછી તેમની વાડીમાં સંતોએ સહિત ફરી ધનજીભાઈને બહુ જ રાજી કર્યા. પછી બાપાશ્રી સાંજના પાછા ગાડામાં બેસી વૃષપુર પધાર્યા અને સંતોને ત્યાંથી જ ભૂજ જવાની આજ્ઞા કરી, તેથી સૌ પ્રસન્ન થકા ભૂજ ગયા.