૬૩૮ - રામપુર તથા ભૂજ જઈ આવ્યા

0:000:00

સંતો દેશમાં ગયા પછી રામપુરના હરિભક્તોની પ્રાર્થનાથી બાપાશ્રી ત્યાં પધાર્યા. એ વખતે મુક્તરાજ ધનબાનાં સેવક કાનબાને મંદવાડ બહુ હતો, તેથી પ્રથમ તેમને જોવા ગયા અને ‘જય સ્વામિનારાયણ’ કરીને બોલ્યા જે, ‘બાઈ! મહારાજની મૂર્તિ સામું જોઈ રહેજો, મહારાજ સારું કરશે.’ એમ કહી પાછા મંદિરમાં આવ્યા તે રાત્રે તો એ બાઈ સાવ સાજાં થઈ ગયાં અને પોતે દેવરાજભાઈ આદિ સૌ હેતવાળા હરિભક્તોને દર્શનદાને રાજી કરી ત્યાંથી બીજે દિવસ સવારે ભૂજ પધાર્યા. ત્યાં ઠાકોરજી તથા સંતોનાં દર્શન કર્યાં એટલે ત્યાં પણ હરિભક્તો બાપાશ્રીને જોઈને આનંદ પામવા લાગ્યા. તે દિવસ ન્હાનાલાલભાઈને ઘેર રસોઈ હતી, તેથી તેમણે વિપ્ર વિઠ્ઠલજી તથા શંભુરામ પાસે બાપાશ્રી માટે થાળ કરાવેલ હોવાથી પોતે સંતોની સાથે તેમને ઘેર જઈ ઠાકોરજીને જમાડ્યા. એ વખતે ન્હાનાલાલભાઈએ બાપાશ્રી તથા સંતોની ચંદન-પુષ્પહારથી પૂજા કરી રાજી કર્યા; પછી સહુ મંદિરમાં આવ્યા. ત્યાં પણ કથાવાર્તા થતાં સંત-હરિભક્તો બહુ જ આનંદ પામ્યા.

બીજે દિવસ બાપાશ્રી વૃષપુર જવા તૈયાર થયા ત્યારે સંતોએ પ્રાર્થના કરી જે, ‘બાપા! વેકરા ગામમાં હમણાં કથા બેસવાની છે, ત્યાં તમારે જરૂર આવવું જોઈશે.’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘કહો તો અહીંથી જ ચાલીએ, અમારી ક્યાં ના છે!’ ત્યારે સંતો કહે, ‘એમ નહિ, હમણાં ભલે વૃષપુર જાઓ, પણ ત્યાંથી જરૂર પધારજો.’ એમ સંતોને રાજી કરી પોતે વૃષપુર આવ્યા.