૨૬૯ - બાપાશ્રી તથા સંતોને આમંત્રણ

0:000:00

ત્યાર પછી સવંત ૧૯૬૭ની સાલમાં કાર્તિક માસમાં કરાંચીના હરિભક્તોએ તથા એ મંદિરમાં રહેતા બ્રહ્મચારી મુનીશ્વરાનંદજીએ મળી ભૂજના સંત પુરાણી ધર્મજીવનદાસજી આદિ મંડળને કરાંચી તેડાવવાનો વિચાર કરી કાગળ લખ્યો, ત્યારે તેમનો જવાબ આવ્યો જે, ‘તમારો અમને તેડાવવાનો આગ્રહ ઘણો છે, પણ હાલમાં ટાઢ વધુ છે, તમે આ વર્ષમાં અહીંના મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવવા આચાર્ય મહારાજને બોલાવવા વિચાર ચાલે છે, તેથી હમણાં નીકળી શકાય તેમ નથી. જો રામનવમી પછી પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવશે તો વચમાં થોડા દિવસ આવી જશું.’

ત્યાર પછી માગશર માસમાં કરાંચીથી એક સુતાર હરિભક્ત બાપાશ્રીના દર્શન કરવા વૃષપુર ગયેલ હતા, ત્યારે તેમણે બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘હાલમાં ભૂજના પુરાણી ધર્મજીવનદાસજીને બ્રહ્મચારી તથા હરિભક્તોએ તેડાવ્યા છે. તે એમનું આવવાનું નક્કી થાય એટલે આપને તથા રામપુરવાળાં ધનબાને પણ તેડાવવાં એવું સૌનાં મનમાં છે; કેમ કે ગાડીખાતામાં બાઈઓના મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિઓ પધરાવવાની છે, તે નિમિત્તે આપનાં તથા ધનબાનાં સૌને દર્શન થાય ને આપને હાથે મૂર્તિઓ પધરાવાય તો સારું.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે! જો સંતો આવશે તો અમારે પણ આવવું જોશે, કેમ કે મને પણ બેત્રણ કાગળો આવ્યા છે, તે જો નીકળાય તો વસંત પહેલાં નીકળાય, પછી તો ગરમી બહુ પડે, તે મારાથી સહન ન થાય.’ આ વાત તેણે કરાંચી ગયા ત્યારે હરિભક્તોને કરી, તેથી સૌ વિચાર કરતા હતા કે, સંતો આવવાનું મોડું કરશે તો બાપાશ્રી ગરમીના દિવસોમાં નહિ આવી શકે. ત્યાં તો ભૂજથી કરાંચીમાં રહેતા બ્રહ્મચારી મુનીશ્વરાનંદજી ઉપર પુરાણી ધર્મજીવનદાસજીનો કાગળ આવ્યો જે, ‘અહીં મૂર્તિઓની પ્રતિષ્ઠાનું મુહૂર્ત ચૈત્ર માસ પછી આવે છે, તેથી હમણાં અમે આવી જશું, પછી અમારાથી નહિ નીકળાય’ –એમ લખી અનાદિ મુક્તરાજ બાપાશ્રીને માણસ મોકલી કહેવરાવ્યું જે, ‘કરાંચીના હરિભક્તોને તાણ છે, તેથી તમારે અમારા ભેળું આવવું જોશે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે!’ –એમ હા પાડી, તોપણ સંતોએ કાગળમાં લખ્યું હતું જે, ‘તમે એમના પર બારોબાર એક કાગળ લખજો.’ તેથી પ્રાર્થનાભરેલો પત્ર એક બાપાશ્રી પર ને બીજો ધનબા પર આવ્યો. તેમાં લખ્યું હતું જે, ‘ભૂજથી પુરાણી ધર્મજીવનદાસજી કરાંચી પધારવાના છે ને તમે પણ દયા કરી પધારજો. આપ ઢીલ કરશો તો અમારે અહીંથી તેડવા આવવું પડશે.’ આવા આગ્રહથી બાપાશ્રીએ વૃષપુર, નારાયણપુર તથા રામપુરના થોડાક હરિભક્તોને સાબદા કર્યા. ધનબાને પણ તેમના સેવકો લઈને તૈયાર થવાનું કહેવરાવ્યું.

પુરાણી ધર્મજીવનદાસજી અત્યંત ત્યાગ-વૈરાગ્યવાળા હોવાથી તેમણે બાપાશ્રીને એમ કહ્યું જે, ‘આપણે એક આગબોટમાં ન બેસીએ ને કેડામોર જઈએ તો સારું, કેમ કે કાંઠે ઊતરતાં-ચડતાં ઠીક ન લાગે.’ આ વાતથી બાપાશ્રી તેમના પર ઘણા રાજી થયા ને કહ્યું જે, ‘તમે પહેલા જાઓ, બીજી આગબોટમાં અમે આવશું,’ આમ આજ્ઞા થતાં સંતો પહેલાં કરાંચી ગયા, તેથી હરિભક્તોને આનંદ આનંદ થઈ ગયો. બીજી આગબોટમાં અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા ધનબા આવવાના સમાચારથી હરિભક્તોના હર્ષમાં શું કહેવાનું હોય?