૨૦૫ - ધનજીભાઈને ધન્યવાદ
જાદવજીભાઈનો વ્યવહાર ઘણો સારો ને કુટુંબ મોટું, તેમ તેમણે સત્સંગમાં સેવાઓ ઘણી કરેલી. વળી નાતમાં પણ આગેવાન, જેથી દેહ મૂક્યાને ત્રણ દિવસ થયા ત્યાં તો સગાંવહાલાં, કુટુંબી, હેતુ, મિત્ર અને ગામધણી, જાગીરદાર, વેપારી વગેરે બાઈ-ભાઈ ખરખરે આવવા મંડ્યાં. તે માટે એવી ગોઠવણ કરેલી જે, બાઈઓ જેટલાં આવે તે બધાં તેમને ઘેર ભેળાં થઈ બેસે. ત્યાં સાંખ્યયોગી બાઈઓ કથા કરે ને પડખે મંદિરમાં ગામના હરિભક્તો તથા ખરખરે આવનાર નાતીલાઓ બેસે. અનાદિ મુક્તરાજ બાપાશ્રી પણ રોજ સવારમાં વહેલા જઈને બેસતા ને કોઈ આવે તેને કહે જે, ‘જાદવજીભાઈની બહુ ખામી આવી, જેવી મહારાજની મરજી. પણ એ તો એ જ હતા.’ એમ કહી બહુ હેત જણાવે. સભામાં વચનામૃત વંચાતાં હોય ત્યારે ઘણા મનુષ્યોનો સમૂહ જોઈ જાણે યજ્ઞ થતો હોય એવું સૌને લાગે. એ રીતે બે દિવસ થયા. પછી ત્રીજે દિવસે સવારે કથા થઈ રહી, ત્યારે સગાંવહાલાં તથા મોટા મોટા નાતીલાઓ ભેળા મળી ઉત્તરકાર્ય કરવાની વાત કરવા એમને ઘેર મેડી પર ભેળા થયા, તેમાં એક તો અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા ઝીણા કુંવરજી અને બીજા વેકરીઆના કુટુંબી પાંચ જણ તથા ધનજીભાઈ વગેરે હતા. સૌ બેઠા પછી ધનજીભાઈએ કહ્યું જે, ‘બાપા! તમે મારા બાપને ઠેકાણે છો ને અમે તમારા દીકરા છીએ, તો અમને કહો કે, હવે પરોજણ(ઉત્તરકાર્ય)નું શું કરવું?’ તે વખતે સગાંવહાલાં તથા નાતીલા સામું જોઈને બાપાશ્રી બોલ્યા જે, ‘પરોજણ માટે ધનજીને જવાબ આપો. જાદવજીભાઈ બહુ મોટા હતા, તેને લકાડાશે નહિ. (છાના રખાશે નહિ), તેમની આબરૂ પ્રમાણે કાર્ય કરવું જોશે.’ આવું સાંભળી જેટલા ત્યાં બેઠા હતા તે એમ બોલ્યા જે, ‘બાપા! તમે કહો તેમ આ ધનજીભાઈ કરશે, તેની કોઈ વાતે ના નથી. મહારાજે એમનો વ્યવહાર સારો રાખ્યો છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘લ્યો હું કહું, એક તો ભૂજના મંદિરમાં ઠાકોરજીના થાળ ને સંતોને રસોઈ ને અહીં વેકરીઆનું બધું કુટુંબ, સગાંવહાલાં, હેતુ મિત્ર, સત્સંગી તથા નારાયણપુરની વસ્તી ગામ સમસ્ત ધુવાબંધ. જો મારું માનો તો એટલું કરો.’ ત્યારે ધનજીભાઈએ એ વચન માથે ચડાવ્યું ને કહ્યું, ‘બાપા! તમે જેમ રાજી થાઓ તેમ મારે કરવું છે.’ આવાં વચનથી પાસે બેઠેલા સહુ રાજી થયા. પછી ધનજીભાઈએ બાપાશ્રીને હાર પહેરાવી દંડવત્ કર્યા, તે ટાણે બાપાશ્રીએ ઘણો રાજીપો જણાવી ધનજીભાઈનો વાંસો થાબડી શાબાશી આપી કહ્યું, ‘વાહ ધનજી, બચ્ચા, ધન્ય છે, તને ને તારાં માતપિતાને!’ એમ બોલ્યા. પછી વેળાસર સામાન ભેળો કરવાની ભલામણ કરી પોતે વૃષપુર પધાર્યા.
ત્યાર પછી ત્રણચાર દિવસ સુધી જ્યારે જ્યારે બાપાશ્રી વહેલામોડા નારાયણપુર જાય ત્યારે ધનજીભાઈ એમના માટે સાંખ્યયોગી બાઈઓ પાસે થાળ કરાવી મૂકે, તે જમે અને ઘરમાં સૌને પોતે ભલામણ કરે જે, ‘આ ટાણામાં કોઈ જરાય ત્રેવડ ન કરજો.’ પછી કાર્યને બે દિવસ રહ્યા ત્યારે તો પોતે ત્યાં જ રહી ઘી, ગોળ, લોટ વગેરે સામાન તૈયાર કરાવતા અને જ્યારે સગાંવહાલાં, સત્સંગી તથા બીજા મહેમાન આવવા લાગ્યા ત્યારે પણ ઉતારા કરાવવાની ભલામણ વગેરે પોતે કરતા. વળી પંક્તિ થાય ત્યાં પોતે જઈ તાણ કરી જમાડે, પિરસનારાઓને ભલામણ કરે, એમ દરેક ઠેકાણે નજર રાખતા. સાંજ સુધીમાં ગામ બધું જમાડ્યું, એ જોઈ ગામધણી વગેરેને ઘણો ગુણ આવ્યો.
પછી મોટા મોટા સૌએ ભેળા થઈ નાતના રિવાજ પ્રમાણે ધનજીભાઈ અને તેના દીકરા તથા નજીકના ભાયાતો બધાયને પાઘડીઓ બંધાવી, ત્યારે બાપાશ્રી એમ કહેવા લાગ્યા જે, ‘બચ્ચા! પાઘડી સોતા સૌને પગે લાગી ‘જય સ્વામિનારાયણ’ કરી આવો.’ આમ કહ્યા પ્રમાણે બધાયને તેઓ ‘જય સ્વામિનારાયણ’ કરી આવ્યા. તેથી પોતે બહુ રાજી થયા. પછી બાપાશ્રીને સહકુટુંબે મોટી પાઘડી બંધાવી ચંદન ચર્ચી હાર પહેરાવ્યા ને દંડવત્ કર્યા; તે વખતે બાપાશ્રીએ તે સૌના માથે હાથ મૂક્યા ને સૌના સાંભળતાં બોલ્યા જે, ‘આ જાદવજીભાઈની ફૂલવાડી કેવી ફૂલી રહી છે! સૌ ધર્મવાળા છે ને મહાપ્રભુના લાડીલા છે, તેથી એમનું બહુ શોભાડ્યું!’ એમ પ્રશંસા કરી. .
પછી પોતે જાદવજીભાઈના અંગની તથા સત્સંગની દૃઢતાની વાત કરવા લાગ્યા જે, ‘આ ગામમાં મંદિર થયું ત્યારથી પોતે જ સેવા કરતા ને જેટલા સંતો નારાયણપુરમાં આવે તેને પહેલી રસોઈ આપવી એવું તો તેમને નિયમ હતું. જ્યારે સંતો બીજે ગામ જવાનું કરે ત્યારે પોતે ગાડું જોડીને મૂકવા જાય. એક વાર ભૂજમાં ‘સત્સંગિજીવન’ની મોટી પારાયણ કરાવી હતી. તેમ સત્સંગનાં નાનાંમોટાં કામ તો એમણે ઘણાંય કર્યા છે. આવા અંગથી મોટા મોટા સંતો, સદ્ગુરુ સ્વામી નિર્ગુણદાસજી તથા સ્વામી અક્ષરજીવનદાસજી જેવા તેમ મહામુક્તરાજ લક્ષ્મીરામભાઈ, કેસરાભાઈ જેવાને તેમણે બહુ જ રાજી કર્યા હતા અને મારી સેવા કરવામાં તો કાંઈ ખામી જ રાખી નથી.’ એમ પ્રસન્નતા જણાવી. આ રીતે પોતાની સેવા જાદવજીભાઈએ ઘણી કરેલી તેથી તેમના પર બાપાશ્રીનો અત્યંત રાજીપો થતાં તેમને શ્રીજીમહારાજના અપાર દિવ્ય સુખની પ્રાપ્તિ થઈ, તેમ જ આ લોકમાં પણ કીર્તિ વધી. એ જ પ્રકારે તેમના પુત્રપરિવાર અને કુટુંબીજનો પણ કૃપાપાત્ર હોવાથી તેઓ ઘણી વાર આ અનાદિ મુક્તરાજને સહેજે સંભારે ત્યાં પોતે વગર તેડ્યા જઈને તેમને સુખિયા કરતા ને રાજીપો જણાવતા.