૩૬૩ - જન્મભૂમિ - છપૈયાધામ
છપૈયાપુર શ્રીજીમહારાજની જન્મભૂમિ એટલે એ સ્થાનની દિવ્યતામાં શું કહેવાનું હોય! શ્રીજીમહારાજે અક્ષરધામમાં સંકલ્પ કર્યો ને પાધરા જ એ દિવ્યભૂમિ ઉપર દર્શન આપ્યાં, એવા સર્વોત્તમ ધામનું માહાત્મ્ય કોણ વર્ણવી શકે! એ સ્થાને પ્રથમ જ્યારે મંદિર કરવાનું હતું ત્યારે શ્રીજીમહારાજ ધર્મધુરંધર આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને ઘણી વાર દર્શન આપી રાજીપો જણાવતા હતા. પણ એ વખતે મંદિર માટે પથ્થર લાવવામાં રાજ્યનું દાણ વધુ હતું, એ અડચણથી આચાર્ય મહારાજને એમ થયું જે, ‘આપણે રાજાને મળી વિનયવચનો કહી અથવા ભેટ આદિથી પ્રસન્ન કરી દાણ માફ કરાવશું. જો દાણ માફ ન થાય તો લાખો રૂપિયાના ખર્ચે પણ કામ સહેલું ન થાય,’ એમ જાણી છ મહિના સુધી રાજાને મળવા પ્રયત્ન કર્યો, પણ દીવાનને આ કાર્યમાં રુચિ ઓછી હોવાથી મેળાપ થવામાં અંતરાય કરાવ્યા કરે. છેવટે આચાર્યશ્રીને એમ થયું જે, આપણે પ્રયત્ન કરીએ છીએ પણ કાંઈ વળતું નથી, તેથી હવે તો જેમ શ્રીજીમહારાજની મરજી હશે તેમ થશે.’ ત્યાં તો એક દિવસ શ્રીજીમહારાજે તે રાજાને દિવ્ય તેજોમય દર્શન આપી કહ્યું કે, ‘અમારા પુત્રે તમને મળવા માટે છ મહિના પ્રયત્ન કર્યો, પણ તમારો મેળાપ થયો નથી, તો હવે એમનું કામ છે તે કરી દેજો.’
‘છપૈયા અમારું જન્મસ્થાન છે, ત્યાં અમારું મંદિર બાંધવાનું છે, તેમાં પથ્થર લાવવામાં તમારા રાજ્યનું દાણ ઘણું છે તે એમને તમારી પાસે બોલાવીને દાણ માફ કરી દેજો,’ એમ આજ્ઞા કરી અદૃશ્ય થઈ ગયા. આવા દર્શનથી રાજાને અત્યંત આનંદ થયો અને સવારમાં જ દીવાન પાસે કાગળ લખાવી ધર્મધુરંધર આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને મહિમાએ સહિત પોતાની પાસે બોલાવ્યા ને બહુ હેત જણાવી, શ્રીજીમહારાજે પોતાને દિવ્ય સ્વરૂપે દર્શન આપી દાણ માફ કરવા આજ્ઞા કરી હતી તે વાત કરી કહ્યું કે, ‘તમારા મંદિર માટે જે જે પથ્થરનાં વહાણો સરજૂ નદીને કાંઠે આવે તે પથ્થરો તમારે છપૈયા સુધી પહોંચાડવાનું ખર્ચ પણ ન કરવું. હું ગામોગામના મુખીઓ ઉપર એવો હુકમ લખાવું છું કે, તમારા જેટલા પથ્થરો કાંઠે ઊતરે તે તેઓ વેઠનાં ગાડાં જોડાવી જોડાવી છપૈયે પહોંચાડી આપશે.’ એમ કહી ગામોગામ હુકમ મોકલાવ્યો. આવી રીતે મહારાજે પોતાની જન્મભૂમિમાં મંદિર બંધાતું હતું ત્યારે ચમત્કાર જણાવ્યો હતો.