૪૩૯ - આયુષ્ય આપીને રાખ્યા
બીજે દિવસ વધુ મંદવાડની ખબર પડતાં સગાંવહાલાંઓ તથા ગામડાંના હેતવાળા હરિભક્તો તેમને જોવા આવેલા, તેમાંથી કેટલાક જોઈને ગયા ને કેટલાક તો બાપાશ્રી હમણાં પધારવાના છે, એમ જાણી રોકાઈ રહ્યા. પછી જ્યારે બપોરના સાડા ત્રણ વાગ્યાનો વખત થયો ત્યારે બાપાશ્રી ત્રણ સેવકો સાથે પોતે માંચીમાં બેઠેલા એવા ત્યાં આવ્યા. તે જોઈ ધનજીભાઈ તથા ઘરનાં સહુ માણસોએ હાથ જોડી ‘જય સ્વામિનારાયણ’ કર્યા. પછી બાપાશ્રી ધનજીભાઈના શરીરે તથા મોઢા ઉપર હાથ ફેરવીને બોલ્યા જે, ‘બચ્ચા ધનજી! વેદના કેવી છે?’ ત્યારે તે કહે, ‘બાપા! વેદના તો થાય છે, પણ તમારે પ્રતાપે મહારાજની મૂર્તિમાં વૃત્તિ લાગી ગઈ છે ને છોકરા કથા વાંચે છે તેથી વેદના જણાતી નથી ને શાંતિ રહે છે. હમણાં રામપુરથી મુક્તરાજ ધનબાફઈ તથા દેવરાજભાઈ આવ્યાં ને દહીંસરેથી કેસરાબાપા આવ્યા એટલે એમનાં દર્શનથી નિરાંત ઘણી થઈ, પણ મને તમારા દર્શનની તાણ બહુ હતી,’ –એમ કહી પડખે ખાટલો ઢળાવી ગાદલું નખાવ્યુંને બહુ તાણ કરી એટલે બાપાશ્રી ત્યાં સૂતા. ધનજીભાઈની પાસે તેમનાં પત્ની કેસરબાઈ તથા કુટુંબી બાઈઓ અને સાંખ્યયોગી મોંઘીબા, અમરબા વગેરે હતાં, તેમને બાપાશ્રી કહે, ‘થોડી સાબુદાણાની કાંજી કરી લાવો એટલે આમને પાઈએ.’ આજ્ઞા થતાં બાઈઓ તુરત કાંજી કરી મહારાજને જમાડી વાટકામાં લાવ્યાં. ત્યારે પોતે પાસે બેસીને કહે, ‘ધનજી! આ કાંજી જરા પી જા.’ ત્યારે ધનજીભાઈ કહે, ‘બાપા! આપ જમો તો હું જમું.’ એમ કહ્યું તેથી પોતે ત્રણ ચાર ગ્રાસ માંહીથી જમ્યા ને બીજી ધનજીભાઈને જમાડી. પછી સાંજના બાપાશ્રી વૃષપુર જવા તૈયાર થયા. ત્યારે ઘરમાંથી સહુને રોકવાની તાણ ઘણી હતી, પણ મનમાં એમ જે, ‘બાપાશ્રીને શરીરે હજી ઠીક રહેતું નથી તોય દયા કરીને આવ્યા છે ને આપણે રોકીએ તો વૃષપુરમાં ઘરનાં સહુ વાટ જોઈ રહે ને ઉચાટ કરે.’ એમ જાણી કોઈએ આગ્રહ કર્યો નહિ. બાપાશ્રી તો સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી ચાલ્યા ત્યારે રામપુરવાળા દેવરાજભાઈ ઘણે છેટે સુધી વાતો કરતા કરતા વળાવવા ભેળા ચાલ્યા જતા હતા. આગળ જતાં માર્ગમાં એક ખેતર આવ્યું, ત્યાં સેવકોને કહી બાપાશ્રીએ માંચી હેઠી રખાવી ને કહેવા માંડ્યું જે, ‘દેવરાજભાઈ! ધનજીની આયુષ્ય થઈ રહી છે ને મહારાજ આજ સવારે, બપોરે ને બપોર પછી ત્રણ વાગ્યા ટાણે, એમ ત્રણ વખત તેડવા આવ્યા હતા, પણ મારાથી આવી શકાયું નહોતું ને મેં પ્રાથના કરેલી તેથી તેડી ગયા નથી; હવે સાંજે સાત વાગ્યે તેડવા આવશે, -એમ ઘરમાં સહુને કહેજો.’ ત્યારે દેવરાજભાઈ કહે, ‘બાપા! ધનજીભાઈને હજી રાખો તો સારું. એ સત્સંગની સેવામાં બહુ કામ આવે છે.’ ત્યારે બાપાશ્રી કહે, ’રાખીએ તો ખરા પણ તેની હવે આયુષ્ય નથી,’ –એમ કહી થોડી વાર વિચારી રહ્યા. પછી બોલ્યા જે, ‘એમના મોટા દીકરા રામજીનો છોકરો કાનજી છે તે અઢી વર્ષ પછી દેહ મેલવાનો છે, તે એને હમણાં ધામમાં મૂકી દઈએ ને ધનજીને રાખીએ તો કેમ?’ ત્યારે દેવરાજભાઈ કહે, ‘બાપા! એ તો તમારી મરજી.’ પછી કહ્યું જે, ‘તમે હવે જાઓ ને ધનજીના ત્રણે દીકરાને આ વાત કરીને કહેજો કે, કોઈ મૂંઝાશો મા. હવે ધનજી રહેશે ને એને બદલે રામજીના છોકરાને કાલે ધામમાં મૂકી દેશું, પણ ભેળું ભેળું એટલું કહેજો કે, ધનજી હવે તમારું વ્યવહારનું કામ બગાડીને સત્સંગની ગમે તે સેવા કરે કે પૈસાટકા વાપરે તેમાં તમારે કોઈએ ના પાડવી નહિ, તેમ મૂંઝાવું નહિ.’ –એમ કહી પોતે વૃષપુર ગયા ને દેવરાજભાઈએ નારાયણપુર આવીને તેમના ઘરનાં સૌને બોલાવીને આ વાત કરી. પછી બીજે દિવસ બાપાશ્રીના કહેવા પ્રમાણે રામજીભાઈનો દીકરો કાનજી સાવ સાજોનરવો હતો તેને ઓચિંતાનો તાવ આવ્યો કે થોડી વારમાં મહારાજ ધામમાં તેડી ગયા. ત્યાર પછી બાપાશ્રી ત્રણ-ચાર દિવસે નારાયણપુર આવ્યા, તે વખતે ધનજીભાઈનાં બહેન અમરબાઈએ બાપાશ્રી ને પૂછ્યું કે, ‘તમે ધનજીભાઈને સાટે રામજીભાઈના છોકરાને તેડી ગયા તે એને ક્યાં મૂક્યો?’ ત્યારે બાપાશ્રી કહે, ‘ધનજીને બદલે તેણે દેહ મૂક્યો તેથી જ્યાં ધનજીનું ઠેકાણું હતું ત્યાં તેને મૂક્યો. અત્યારે એ તો મહારાજની મૂર્તિના દિવ્ય સુખમાં કિલ્લોલ કરે છે.’