૭૧૦ - માધાપુરની પારાયણમાં પધાર્યા
ત્યાર પછી જેઠ વદ બીજના દિવસે માધાપુરમાં સાત દિવસની પારાયણ બેઠી હતી, તેથી ત્યાંના હરિભક્તોની પ્રાર્થનાથી પોતે ભૂજમાં ઠાકોરજીનાં દર્શન કરી ત્યાંથી માધાપુર પધાર્યા. આ પારાયણમાં બાપાશ્રી સવાર-સાંજ સભામાં સંત-હરિભક્તોને મહારાજના મહિમાની વાતો કરી રાજી કરતા, માથે હાથ મૂકતા, આશીર્વાદ દેતા, કોઈ હરિભક્તો તાણ કરે તો તેને ઘેર વહેલા-મોડા જઈ દર્શન દઈ આવતા, તેમ જ કોઈ કોઈ પ્રસંગે પોતાને અંતર્ધાન થવાનો સંકલ્પ મર્મવચનોમાં જણાવી દેતા.
એક દિવસ કથા વાંચનારા પુરાણીને કહ્યું જે, 'પુરાણી! મહારાજની મૂર્તિ ધારીને કથા કરજો, અમથા પુરાણી મ થાજો. મહારાજ ને મુક્ત આ સભામાં દિવ્ય તેજોમય દર્શન દે છે, તેથી સંત-હરિભક્તો સર્વેને આનંદ વર્તે છે. આ દિવ્ય સભાનો મહિમા બહુ જબરો છે, જેને મહારાજ તથા મોટાની ઓળખાણ થઈ, તેનું તો ભારે કામ થઈ જાય છે, જેવો છે તેવો મહિમા સમજાય તો ગાંડું થઈ જવાય. આ અમે વાત કરીએ છીએ તેમાં લેશમાત્ર ફેર ન જાણજો. જેનાં બહુ મોટાં ભાગ્ય હોય તેને આ દિવ્ય સભાનાં દર્શન થાય છે. તપ, ત્યાગ, વ્રત, યોગ, યજ્ઞાદિક કોઈ સાધને ન મળે તે આજ સહેજમાં મળે છે. આજ તો રોકડું કલ્યાણ છે, ઉધારાની વાત નથી.'
પછી મંદિરનું સિંહાસન કરવાવાળા કડિયા દર્શન કરવા આવ્યા, તેને વડોદરાના કડિયાનું દૃષ્ટાંત દઈને મૂર્તિમાં વૃત્તિ રાખવાની ભલામણ કરીને કહ્યું જે, 'સર્વે ક્રિયામાં મૂર્તિ મુખ્ય રાખવી, તો સુખિયું થવાય, તે વિના કોટિ સાધને કામ થાય તેવું નથી.'
એક દિવસ સવારે વચનામૃતની કથાપ્રસંગે બાપાશ્રીએ વાતો કરતાં અખંડ સ્મૃતિનો મહિમા બહુ કહ્યો, પછી એમ બોલ્યા જે, 'આ જીવને દેહનું આવરણ મોટું છે, એ દેહ ચાળાચૂંથણો છે ને જીવને બહુ પ્રકારે છેતરી જાય છે, માટે તેને દુખ:રૂપ જાણી દેહરૂપે વર્તવું નહિ. ક્યાં મહારાજ! ને ક્યાં તેમના લાડીલા મુક્ત! ને ક્યાં જીવ! આ તો સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે. જેને મૂર્તિનું સુખ આવે તથા મોટા મુક્તનો મહિમા સમજાય તેને તો આનંદ આનંદ વર્તે.' આ રીતે મહિમાની વાતો કરતા હતા, તે વખતે લાલશંકરભાઈએ પૂછ્યું જે, ‘બાપા! મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કેમ કરવી?' ત્યારે બાપાશ્રી કહે, 'દેહ ને દેહના સગાસંબંધી સાથે છે, તેમ કરવી,' -એમ કહીને કેટલાંક દૃષ્ટાંત આપી વાતો કરી.
પછી એમ બોલ્યા જે, ‘આ વચનામૃત છે તે શ્રીમુખનાં વચન છે તેમાં બધુંય જ્ઞાન ભર્યું છે, અને એ મનવાર જેવાં છે, પણ જીવને એવો મહિમા નહિ, તેથી પૈસા ભેળા કરવા સારુ દાખડા કરે, પણ આ ન થાય. આપણે ઘેર ભારે સુખ છે. મહારાજ તથા આવા મુક્ત મળ્યા તો ય વ્યવહારમાં ડૂબી પડ્યા હોય તે કેવી સમજણ!' પછી રામજીભાઈ સામું જોઈને કહ્યું કે, 'કેમ રામજીભાઈ! આ અમે વાત કરીએ છીએ તે સાચી હશે કે નહિ?' ત્યારે તે કહે, 'હા બાપા! એમ જ છે.' પછી વળી બોલ્યા જે, જુઓને! આવા સર્વોપરી મહારાજ મળ્યા ને આવા અનાદિ મુક્ત તથા આવા સંત મળ્યા તો ય ઓળખાય નહિ. એવાને શું લાભ!’ પછી દેવરાજભાઈએ પ્રશ્ન પૂછ્યો તેનો ઉત્તર આપતાં કહ્યું જે, 'આ દેહનો ભાવ ટાળી ક્ષરઅક્ષરથી પર શ્રીજીમહારાજના તેજરૂપ થઈ મૂર્તિમાં જોડાઈ જવું.' એ રીતે ઘણી વાર મહિમાની વાતો કરી હરિભક્તોને રાજી કર્યા.
પછી તે દિવસે બાપાશ્રી મંદિરના ચોકમાં માંચીમાં બેઠા હતા તે ઊભા થઈને બોલ્યા જે, 'આવો સંતો, આપણે છેલ્લી વારના મળીએ!' ત્યારે સંતો સૌ આવી આવીને મળ્યા તો ખરા, પણ આ છેલ્લી વારના મળવામાં શું મર્મ છે, તે કોઈ સમજી શક્યા નહિ.
એ વખતે એ ગામના નારાયણભાઈ પાસે ઊભા હતા, તેણે પ્રાર્થના કરી જે, 'બાપા! અમારાથી આપની સેવા બરાબર ન થઈ હોય તોય સહુ પર રાજી રહેજો.' ત્યારે બાપાશ્રી કહે, 'નારાયણભાઈ! અમે સદાય તમારા પર રાજી છીએ, અને તમને મૂર્તિના સુખમાં ભેળા રાખશું, તમે અમારી સેવા ઘણી કરી, પણ હવે અમે તમારા ગામમાં આ રૂપે નહિ આવીએ. દિવ્યરૂપે તો આવશું.' પછી કહ્યું જે, 'આ ફેરે અમે સર્વેની રજા લઈને જશું, તેથી તમો સહુ રાજી રહેજો.' આમ બાપાશ્રી વાતવાતમાં મર્મવચનો બોલવા લાગ્યા, તેથી હરિભક્તો બહુ ઉદાસ થયા. પછી ત્યાંના હરિભક્તો નારાયણભાઈ, જાદવજીભાઈ, રામજીભાઈ, શામજીભાઈ, માવજીભાઈ, વેલજીભાઈ, કલ્યાણભાઈ આદિ સૌએ મળી પ્રાર્થના કરવાથી બાપાશ્રી ગામમાં હરિભક્તોના ઘેર ઘેર દર્શન દેવા ફર્યા. ત્યાં સહુ ચંદન-પુષ્પથી પૂજા કરી પ્રાર્થના કરતા તો તેમના પર પ્રસન્ન થઈ પોતે માથે હાથ મૂકતા, મોક્ષનાં વરદાન દેતા, તેમ મર્મવચનોમાં અંતર્ધાન થવાનું પણ જણાવતા. પછી કલ્યાણ ભક્તને ઘેર પધાર્યા, ત્યાં બાપાશ્રીની છબી હતી, તે જોઈ પોતે બોલ્યા જે, 'એ છબી અહીં લાવો,' -એમ કરી પોતાની પાસે એ છબી મગાવી તેના પર ત્રણ વાર હાથ ફેરવીને બોલ્યા જે, 'હવે આનાં દર્શન કરજો, પણ આ સ્વરૂપનાં દર્શન હવે નહિ થાય.' આવાં વચનોથી સહુને એમ જણાઈ ગયું જે, બાપાશ્રી આ લોકમાંથી બહુ જ ઉદાસીપણું જણાવે છે.
વળી સમાપ્તિ પછી પોતે વૃષપુર જવા તૈયાર થયા, ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીને પોતાની પાસે બોલાવીને કહ્યું જે, 'પુરાણી! હવે મને એક વાર પાણી તો પાઓ!' આવાં વચન સાંભળી તુરત તેમણે ટાઢા પાણીનો લોટો લાવી લોટી વતે પાણી પાયું. ત્યારે તેમના માથે હાથ મૂકીને પોતે બોલ્યા જે, 'પુરાણી! હવે સદાય દિવ્યભાવે ભેળા ને ભેળા રહેજો.' એ વખતે ભારાસરના બે હરિભક્ત ત્યાં ઊભા હતા તેને બાપાશ્રીના આ મર્મવચનથી બહુ દુ:ખ થયું, તેથી પ્રાર્થના કરવા લાગ્યા જે, 'બાપા! તમારે સત્સંગ પર બહુ દયા રાખવી જોઈએ. આપે યજ્ઞમાં કાંડું બાંધતી વખતે 'આ મૂર્તિ ઊડી જાય એવી છે' એમ કહ્યું હતું, તેથી ઘણા સંત-હરિભક્તો વિચારમાં પડી ગયા હતા જે, બાપાશ્રી આમ કેમ બોલ્યા હશે! અમારા ગામમાં હરિભક્તોને હજી એ વચન ભુલાતું નથી.' ત્યારે બાપાશ્રી તેમના માથે હાથ મૂકીને બોલ્યા જે, 'બચ્ચા! તમારે એવું કાંઈ મનમાં લાવવું નહિ. ભારાસરના હરિભક્તો તો મને બહુ જ વહાલા છે, સૌ બળિયા છે, કથાવાર્તા ને સેવા-ભક્તિમાં ખબડદાર, નાનામોટા સહુને એક જ ઠરાવ કે, અમારા પર બાપાનો રાજીપો કેમ થાય? અમને પણ સૌનું હેત જોઈ બહુ રાજીપો થાય છે અને એમ પણ થાય છે જે, હવે આ દેહે તો કદાચ નહિ અવાય પણ દિવ્યરૂપે તો શ્રીજીમહારાજ ભેળા સદાય દર્શન દેશું.' એમ તેમના પર પ્રસન્નતા જણાવીને કહ્યું જે, 'તમે ભારાસર જાઓ ત્યારે સૌને મારા 'જય સ્વામિનારાયણ' કહેજો.' પછી મંદિરને બારણે પોતાને માટે ગાડી ઊભી હતી તેમાં ધીરે ધીરે ચાલીને બેઠા, તે વખતે ગામના ઘણા હરિભક્તો ચંદન-પુષ્પહારથી પૂજા કરી વળાવવા સાથે ચાલ્યા, તે ઘણે છેટે સુધી દર્શન કરતા આવે. તે જોઈ પોતે ગાડી ઊભી રખાવીને કહ્યું કે, હવે દર્શન કરવાં હોય તો કરી લ્યો ને અમને રજા આપો, અમે હવે રોકાશું નહિ, તમે સહુ આ દિવ્ય સભા અને દિવ્ય લીલા સંભારી સુખિયા રહેજો.' એમ કહી ગાડી ચલાવી એટલે સહુ હરિભક્તો દંડવત્ કરી પગે લાગતા પાછા વળ્યા ને પોતે વૃષપુર પધાર્યા.