૬૭ - સંઘનું વડતાલમાં આગમન
છસો હરિભક્તોના સંઘને જોઈ માર્ગમાં મનુષ્ય, પશુ, પક્ષી આદિ જે મળે તે જોઈ જ રહે. ગુજરાતમાં તો એમનો પહેરવેશ જ નવીન લાગે, તેથી વચમાં જે જે ગામ આવે ત્યાં ગામમાંથી સોએ સો માણસો દોડતાં આવે ને ઊભા રહી જોયા કરે. વળી એકબીજામાં વાતો કરે કે, ‘જુઓને, આ બધા સ્વામિનારાયણના ભગત જાય છે.’ સાધુ જેવા લાગે છે, તેમના કેડિયાના ઘેર જોઈને તો કેટલાક હસતા જ હોય! આવા દિવ્ય સંઘના હરિભક્તો હળવે, હળવે, મહારાજને સંભારતા વડતાલ પહોંચ્યા.
માર્ગમાં સૌએ મળી વડતાલમાં ત્રણ દિવસ રોકાવાનો ઠરાવ કરી રાખેલ, તેથી જરાય વૃથા સમય ન જાય એ હેતુથી ગામ નજીક આવતાં જ ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલાવી મંદિરમાં આવ્યા, ત્યાં તો સમૈયાનો દેખાવ થઈ રહ્યો. શ્રીજીમહારાજના લાડીલા ને મૂર્તિમાં રસબસ રહેનારા અનાદિ મુક્તરાજ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ, ‘સાહેબ સરિખા શેઠિયા’ જે શ્રીજીમહારાજ, તેમના પર હૂંડી લખી મંદિર બંધાવેલ હોય તેમાં શેની ખામી હોય? એવા દિવ્ય મંદિરમાં લક્ષ્મીનારાયણ, રણછોડરાય આદિ તથા શ્રીજીમહારાજનાં દર્શન કચ્છી સંઘે કર્યાં. ત્યાંથી હરિમંડપમાં શ્રીઘનશ્યામ મહારાજનાં દર્શન કરી સભામાં આવી સંત-હરિભક્તોને ‘જય સ્વામિનારાયણ’ કર્યા. પછી મંદિર તરફથી વંડામાં ઉતારા કરાવી થાળની ગોઠવણ થઈ. માર્ગમાં સૌએ મળી સંઘની વતી રસોઈ આપવાનો નિર્ણય કર્યો હતો, તે પ્રમાણે કોઠારી તથા મહંતને પણ કહેવાઈ ગયું, ત્યાર પછી સાંજે સભામાં સંત-હરિભક્તોની ભીડ બહુ થઈ ને સમય થયો ત્યારે ચોઘડિયાં વાગ્યાં, આરતી-ધૂન્ય વખતે પણ ઠાકોરજી પાસે નવીન જ દેખાવ લાગતો હતો. સભામાં કથા વખતે, એક જ પહેરવેશવાળા હરિભક્તોના સમૂહને જોઈને ઘણા સંત-હરિભક્તો આનંદ પામતા હતા. તેમ કેટલાકને તો આ સંઘમાં ભાઈશ્રી બહુ મોટા ને સમાધિવાળા છે તેની ખબર પણ પડી ગઈ હતી, કેમ કે અમદાવાદની સભામાં સદ્ગુરુ સ્વામીશ્રી નિર્ગુણદાસજી પાસે તેમના મહિમાની ઘણી વાતો થતી. તે સાંભળી પૂર્ણિમાના સમૈયા ઉપર આવેલા હરિભક્તોએ સંતો પાસે એ વાત કરેલ, તેથી મોટા મોટા સંતો ભાઈશ્રીને જોઈ જોઈને આનંદ પામવા લાગ્યા. મહંત કે પૂજારી હેતે સહિત હાર પહેરાવે, થાળ જમાડતાં હાજર રહે, સંઘની ખબર રાખે એમ સંઘ ત્રણ દિવસ રહ્યો ત્યાં સુધી બહુ જ સેવા કરી ભાઈશ્રીને રાજી કર્યા. સંઘના હરિભક્તો બપોરે કે સાંજના બધે ઠેકાણે પ્રસાદીસ્થાનનાં દર્શન કરવા જતા, ગોમતીજીમાં નાહતા ને પાછા સભા વખતે સૌ હાજર રહેતા. આરતી વખતે પણ મંદિર ઠસાઠસ ભરાઈ જતું, રાત્રે ગરબી ગાય ત્યારે સહુને કચ્છી સંઘ નજરે તરે. અહીં પણ એક દિવસ સંતોના આગ્રહથી અનાદિ મુક્તરાજ ભાઈશ્રીએ સભામાં વાત કરી જે, ‘આ સ્થાનમાં શ્રીજીમહારાજે પધારી અનેક દિવ્ય લીલાઓ કરી છે, તેથી અક્ષરધામ જેવું આ સ્થાન શોભી રહ્યું છે. આ તો મહારાજે જંગલમાં મંગલ કરી દીધું છે; ગોમતી તળાવ ગળાવતાં શ્રીજીમહારાજ પોતે કામ કરતા, વચમાં બેસતા, કાંઠે સભાઓ કરતા; હજારો ને લાખો પરચા પૂર્યા છે. જોબનપગી તથા તખાપગી જેવા હજારો-લાખો જીવ શરણે આવ્યા. તેને મહારાજે મુક્ત કરી દીધા. પણ એ બધું કળાએ કામ લીધું. જુઓને! સચ્ચિદાનંદ સ્વામીને દ્વારિકા મોકલ્યા, ત્યાં દ્રવ્યના લોભી નિર્દય માણસોએ તેમને લાંઘણચોરે બેસાર્યા, તે જોઈ મહારાજને દયા આવી, કે મારા સંતને આવું દુઃખ! પછી સ્વામીશ્રીને દર્શન દઈ કહ્યું કે, ‘હું વડતાલ આવું છું.’ હવે આપણે વિચારીએ તો ખબર પડે કે, આ દેવ દ્વારિકાનાથ! કે અનંતકોટિ મુક્તના નાથ! વિચારી જુઓ! મહારાજ ક્યાં રહે છે ને દ્વારિકાનાથ ક્યાં રહે છે! આ તો અનંત પ્રકારની મહારાજની લીલાઓ છે, તેમાં પોતે અને પોતાના મુક્ત વિના બીજે ક્યાંય સુખ નથી, એમ દેખાડ્યું છે. આ લક્ષ્મીનારાયણદેવ ને રણછોડજી તે તો શ્રીજીમહારાજ પોતે જ એવા રૂપે દર્શન આપે છે ને મોક્ષનું દ્વાર ઉઘાડું કરે તેવા મુક્તમંડળ મધ્યે બિરાજી અખંડ દર્શન દે છે. માટે અક્ષરધામમાં જે મૂર્તિ છે તે જ પોતે અનંત જીવોના આત્યંતિક મોક્ષ કરે છે અને અનંત મુક્ત દ્વારે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે, એમ સમજાય ત્યારે ખરું સુખ આવે. શ્રીજીમહારાજની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી ક્યાં સુખ છે? સર્વ ઠેકાણે ભૂખ, દુઃખ ને માર છે. માટે આવા અક્ષરધામ જેવા સ્થાનમાં બેસી મૂર્તિના સુખરૂપ અમૃતનો આહાર કરવો.’
એક વખત સાંજના ગોમતીજીને કાંઠે સંઘ સહિત વૃક્ષની ઘાટી છાયામાં બેસી ભાઈશ્રીએ એમ વાત કરી જે, ‘આ સ્થાન બધાં દિવ્ય તેજોમય છે. આવા સ્થાનમાં જે કરીએ તે અનંતગણું થાય. મહારાજની આ સંઘ ઉપર બહુ દયા છે, તેથી જ્યાં જઈએ છીએ ત્યાં અક્ષરધામ જેવું સુખ વર્તે છે. આપણે હવે બીજું તાન ન રાખવું, આ જોગ બહુ ભારે મળ્યો છે, એમ જાણી મૂર્તિના સુખનો જ લોભ રાખવો. અમદાવાદમાં સદગુરૂ સ્વામીશ્રી નિર્ગુણદાસજીએ આ ફેરે બહુ રાજીપો જણાવ્યો. એવા મોટાની દયાથી આપણને જ્યાં જઈએ ત્યાં સુખ-સુખ ને શાંતિ-શાંતિ વર્તે છે, એમ જાણવું.’ આવી રીતે કોઈ કોઈ વખતે વાત કરી અલૌકિક દિવ્યભાવ જણાવતા ને દરેક પ્રસાદીસ્થળનાં ફરી ફરીને દર્શન કરતા. વડતાલમાં ત્રણ દિવસ રહી, ઠાકોરજી તથા સંત-હરિભક્તોનાં દર્શન કરી સંઘ બોચાસણથી બુધેજ જઈ, પછી ધોળેરા આવ્યો. ત્યાં મદનમોહનજી મહારાજ આદિ શ્રીહરિની મૂર્તિઓનાં દર્શન કરી બે દિવસ રોકાઈ સંતોને રાજી કરી, કમીઆળા, કારિયાણી થઈ વળી સૌ ગઢપુર આવ્યા. ત્યાં પાંચ દિવસ રોકાઈ શ્રીજીમહારાજનાં દિવ્ય દર્શન કરતાં તેમ જ અક્ષરભવન, દાદાખાચરનો દરબાર તથા પ્રસાદીસ્થાનોનાં દર્શન કરી ઉન્મત્ત ગંગા તથા નારાયણધરે, સહસ્ત્રધરે સ્નાન કરી, લક્ષ્મીબાગ, ભક્તિબાગ, રાધારાવ આદિ સ્થાનોનાં દર્શન કરતાં, ત્યાંથી ગોંડળધામે એક દિવસ રહી સૌ જૂનાગઢ ગયા. ત્યાં ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરતા ત્રણ દિવસ રહ્યા.