૩૯૧ - ભૂજમાં મુક્તરાજ ધનબાની પારાયણ

0:000:00

આ રીતે પાંચ-છ મહિના વીત્યા ત્યાં વળી બાપાશ્રીને પૂછીને મુક્તરાજ ધનબાએ ભૂજમાં ‘સત્સંગીભૂષણ’ની કથા કરાવવાની ગોઠવણ કરી તે પ્રસંગે બાપાશ્રી ભૂજ પધાર્યા હતા, એ વખતે પણ પોતાને શરીરે થોડી થોડી કસર જણાવતા હોવાથી ઘણો વખત સભામાં જ બેસી રહેતા. મેડા પર આસને પધારે તો ત્યાં જ ઘણી વાર બેઠા હોય. સંત-હરિભક્તો દર્શન કરે, હાર પહેરાવે, ચંદન ચર્ચે ત્યારે પોતે તેમની સામી પૂજા કરી રાજી કરે. બ્રહ્મચારી ઠાકોરજી જમાડવા વખતે તાણ કરે ત્યારે પોતે કહે જે, ‘બ્રહ્મચારી! તમે મારા શરીર સામું જુઓ છો ને?’ ત્યારે તે કહે, ‘હા બાપા! તમારું શરીર દિવ્ય તેજોમય છે. ભેળા મહારાજ દર્શન દે છે. તમારે તો મુદ્દલ જમવું નહિ, મહારાજને જમાડવા.’ એમ કહે ને હેત જણાવે. સભામાં પારાયણ વંચાતી હોય ત્યારે બાપાશ્રી ધ્યાને યુક્ત બેઠા જણાય, પણ સમાપ્તિ પછી મહારાજના ચરિત્રની પરભાવમાં વાતો કરે તે સાંભળી સહુ આનંદ પામે. બપોરના મંદિરની વાડીએ નાહવા જાય, ક્યારેક હરિભક્તોની સાથે હમીરસર નાહવા પધાર્યા હોય ત્યાં અલૌકિક વાતો કરે, ગામમાં કોઈ માંદા હોય તો ત્યાં દર્શન દઈ આવે, ભોગીલાલભાઈ, ધનજીભાઈ, ન્હાનાલાલભાઈ, ઘેલાભાઈ વગેરે હેતવાળા હરિભક્તો તાણ કરી લઈ જાય તો તેમને ઘેર પણ હરિભક્તોએ સહિત જઈ આવે. રાત્રે છેલ્લી કથા થઈ રહ્યા પછી પણ પોતે બેઠા હોય તેથી સંત-હરિભક્તો કોઈ ઊઠે નહિ, એ ટાણે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી એવું રમૂજી વચન બોલે કે બાપાશ્રી કાંઈ ને કાંઈ વાતો કરે. આસને સૂવા પધારે ત્યાં પણ કેટલાક સંત-હરિભક્તો માળા ફેરવતા કે ધ્યાન કરતા પાસે બેઠા જ હોય. વળી સવારમાં ચાર વાગ્યા પહેલાં તો સંતો ઊઠે, એટલે બાપાશ્રી પણ નિત્યવિધિ કરવા માંડે. આમ પારાયણની સમાપ્તિ સુધી બાપાશ્રીએ ભૂજમાં રહી સંત-હરિભક્તોને રાજી કર્યા હતા.