૧૭૫ - નિષ્કામશુદ્ધિના ઉપવાસ કરાવ્યા

0:000:00

આ પ્રમાણે બાપાશ્રી હજુ ગુજરાતમાં જ હતા ને કચ્છના નારાયણપુર ગામમાં ધનજીભાઈના પાંચ વર્ષના નાના દીકરા કાનજીને ઓળી નીકળેલા તેમાંથી હળવે હળવે તાવ આવવા માંડ્યો, તે કાંઈ ખવાય નહિ. ઘરમાં જાદવજીભાઈ આદિ સહુને બાપાશ્રીની પૂરી તાણ જે, આ ટાણે બાપાશ્રી કચ્છમાં હોય તો આ છોકરાને દર્શન તો થાય! પણ શું કરે? થોડા દિવસ થયા તોપણ એ કાનજીએ મુદ્દલ ખાધું જ નહિ, તેથી ઘરમાં બધાય મૂંઝાવા મંડ્યા ને વિચાર કરે જે, આ છોકરો રાત કે દિવસમાં કાંઈ ખાય જ નહિ એ કેમ ખમાય? આ કરતાં આયુષ્ય ન હોય ને મહારાજ વહેલા તેડી જાય તો વાંધો નહિ. પણ આ દુઃખ મોટું એમ કહે; ને મહારાજ તથા બાપાશ્રીને પ્રાર્થના કરે; જ્યારે કોઈ પાણી પાવાનું કરે ત્યારે બે ચમચા પીએ. પણ દૂધ કે કાંજી આગળ લાવે તો, મોઢું જ બીડી દે, ઘરમાંથી સહુ ઘડી ઘડી જમાડવા આગ્રહ કરે, પણ આને તો જમવાની વાત જ નહિ. પછી તો જાદવજીભાઈએ થાકીને એક દિવસ કહ્યું, ‘બચ્ચા કાનજી! હવે તો તું કાંઈક ખા તો સારું.’ તોપણ એ તો કાંઈ બોલે જ નહિ. પછી જાદવજીભાઈ અકળાણા ને કહે, ‘બચ્ચા! હવે તો તેં બહુ કરી. તું ભૂખ્યો ને ભૂખ્યો સૂઈ રહે છે ને અમારું પેટ બળે છે. તારો કાંઈ ઉપાય અમને સૂજતો નથી; અમે તને ઘરમાંથી હવે રાજી થઈને કહીએ છીએ કે, કાં તો તું કાંઈક ખા અને કાં તો ધામમાં જા.’ તે વખતે એ કાનજી બોલ્યો જે, ‘તમે ગમે તેમ કરો, પણ મારે ખાવું તો નથી. તેનું કારણ હું પૂર્વે સાધુ હતો, તે વખતે મેં નિષ્કામશુદ્ધિના બાવન ઉપવાસ કર્યા નહોતા, તેથી મહારાજે મને પાછો ઉપવાસ કરાવવા અહીં મોકલ્યો છે, તે પરમ દિવસે પૂરા થઈ રહેશે, એટલે હું દેહ મૂકી દઈશ.’ એમ કહી સૂઈ ગયો, પછી તો બે દિવસ કાંઈ બોલે જ નહિ. વચમાં બાપાશ્રીએ જાદવજીભાઈને દર્શન દઈને કહ્યું જે, ‘તમે બહુ ખોટું લગાડશો નહિ, એ ક્યાં તમારો દીકરો હતો, એ તો પૂર્વે સાધુ હતો ને નિષ્કામશુદ્ધિના ઉપવાસ નહોતા કર્યા તે કરાવવા મહારાજે એને તમારે ઘેર મોકલ્યો છે, માટે તેને ખવરાવવાનો આગ્રહ ન કરશો.’ આથી તેમને વધુ ખાતરી થઈ ગઈ. પછી બાવન દિવસે જ્યારે દેહ મૂક્યો ત્યારે તેને શ્રીજીમહારાજ સાથે બાપાશ્રીનાં દર્શન થયાં કે તુરત દેહ મૂકી દીધો. આથી ગામના હરિભક્તો તથા ઘરના સૌ આશ્ચર્ય પામ્યા.