૪૮૫ - સંતો આવી પહોંચતાં યજ્ઞની કંકોત્રીઓ લખાવી
આ રીતે બાપાશ્રી યજ્ઞના કામની બધી તૈયારી કરી રહ્યા હતા, ત્યાં તો સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સદ્ગુરુઓ મંડળે સહિત ભૂજથી આવી પહોંચતાં પોતે તેમના પર અત્યંત પ્રસન્ન થઈ હેત જણાવી મળ્યા ને કહ્યું જે, સ્વામી! આ ફેરે તમે બહુ વાટ જોવરાવી. તમારે સત્સંગનાં કામ ઘણા તેથી એમ થાય, તો પણ ટાણે આવી પહોંચ્યા તે સારું થયું. હવે તમે જાણો ને તમારું કામ જાણે.’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘ભલે! આપ જેમ રાજી થાઓ તેમ, અમારે તો આપનો રાજીપો જોઈએ.’ પછી બાપાશ્રી કહે, ‘હવે દેશોદેશ કંકોત્રીઓ લખો ને સંતોને તેડાવો. અહીં હરિભક્તોએ કીધા પ્રમાણે ઘી, ગોળ, ઘઉં, ચોખા, દાળ વગેરે સામાન મંગાવ્યો છે, પણ મહારાજના પ્રતાપે ગમે તેટલા સંત-હરિભક્તો જમશે તોય વાંધો નહિ આવે. કરાંચીમાંથી હજી કેટલોક સામાન આવવાનો છે.’ આમ વાત કરી હનુમાનજીનાં દર્શન કરાવ્યાં. પછી પોતે તો જેમ કોઈ મહેમાન હોય, તેમ પોતાના માથેથી કામ ઉતારી નાખ્યું. એટલે સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોએ ગામોગામ કંકોત્રીઓ લખી નાખી, ત્યાં ભૂજના સંતો પણ આવી પહોંચ્યા.
હરિભક્તોને બાપાશ્રી તથા સદ્ગુરુઓને રાજી કરવાની તાણ, તેથી સહુ હોંશથી કામ કરતા. કેટલાંક ઘરો હરિભક્તને ઉતારા આપવા સારુ ખાલી કરાવ્યાં, શીરો ભરવાનો હોજ કરવા માંડ્યો; તાલપત્રીના કોસ તૈયાર કર્યા, વાડીમાં પંક્તિઓ થવાની ગોઠવણ કરી, મંદિરના ચોકમાં ચંદની બંધાવી એમ કરતાં ચૈત્ર વદ એકાદશી સુધીમાં તો હજારો સંત-હરિભક્તો આવી પહોંચ્યા ને બપોર પછી કથામંડપ તૈયાર કર્યો.