૩૬૯ - હરિભક્તોએ ભેટો અર્પણ કરી

0:000:00

આ સમૈયામાં શ્રી ઘનશ્યામ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા જેપુર મહારાજા સાહેબના સેક્રેટરી શ્રીમાન ભગવાનજીભાઈના હસ્તક કરવામાં આવી હતી, તેમણે ઉત્સવણીમાં એક હજાર ને બસો રૂપિયા ભેટ આપી શ્રી ઘનશ્યામ મહારાજને રાજી કરવાનો અમૂલ્ય લા’વ લીધો હતો. એ સિવાય નિઝામ તથા બંગાળ આદિ દેશમાં મોટા મોટા કંટ્રાક્ટ લેનારા કચ્છી મિસ્ત્રીઓએ પણ સારી રકમો આપી શ્રી ઘનશ્યામ મહારાજને રાજી કર્યા તેમ જ ગામોગામથી આવેલા હરિભક્તોએ પણ બનતી સેવાઓ કરી. એ ભેટના રૂપિયા બાર હજાર જેટલા થયા તથા બીજી પણ દાગીના તથા વસ્ત્રાદિકની ઘણી ભેટો થઈ હતી.

આ રીતે ધામધૂમથી પ્રતિષ્ઠાનો સમૈયો પૂર્ણ થયા પછી ધર્મધુરંધર આચાર્યશ્રી તથા સંત-હરિભક્તોએ ઠાકોરજીને જમાડ્યા, પછી હરિભક્તોએ આચાર્ય મહારાજને પણ ભેટ તથા પહેરામણીઓ કરી રાજી કર્યા. રાત્રે પણ આરતી-ધૂન્ય વખતે તથા કથાવાર્તામાં સૌને આનંદ આનંદ થઈ રહ્યો હતો.

બીજે દિવસ સવારમાં નિત્યવિધિ કરી સૌએ ઠાકોરજીને જમાડ્યા પછી મંદ મંદ હસતા મનોહર મૂર્તિ મહાપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજ તથા આચાર્યશ્રીનાં દર્શન કરી અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા સદ્‍ગુરુઓ આદિ સંતમંડળ અને સંઘના ઘણા હરિભક્તો અયોધ્યા જઈ આગ્રા, જેપુર, ખારચી, સિદ્ધપુર થઈ ત્યાંથી દેવપુરા, મણિપુરા વગેરે ગામોના હરિભક્તોને દર્શન આપતા, ગામ જોશીપરે આવી મંદિરમાં સૌએ ઠાકોરજીનાં દર્શન કર્યાં.