૩૭૪ - રામજીભાઈની મૃત્યુના આપત્કાળથી રક્ષા કરી
બાપાશ્રી છપૈયે જઈ આવ્યાને હજુ થોડા દિવસ થયા હતા ત્યાં વૃષપુરના રામજી પરબતને આફ્રિકા જવું હતું, તેથી એ દર્શને ગયા; પણ બાપાશ્રીએ તેમને કાંઈ પૂછ્યું નહિ તેમ આમણે કાંઈ આફ્રિકા જવા સંબંધી વાતે કરી નહિ. જ્યારે એ ભૂજ ગયા ત્યારે બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ તેમને પૂછ્યું જે, ‘બાપાશ્રીએ તમને શું શું કહ્યું?’ પણ પોતાની સાથે બિલકુલ વાત થયેલ નહિ એટલે તે બોલી ન શક્યા; તેથી તેમણે ફરીવાર ત્યાંથી વૃષપુર જઈ બાપાશ્રીનાં દર્શન કરી આવવા આજ્ઞા કરી. બ્રહ્મચારી નિર્ગુણાનંદજીનું આવું હિતનું વચન માથે ચડાવી, રામજીભાઈ ગાડી ભાડે કરી એ જ રાત્રે પાછા વૃષપુર આવ્યા. એ ટાણે બાપાશ્રી ઓરડીમાં સૂતા હતા તે જાણે સમાધિમાં જતા રહ્યા હોય તેમ ન બોલે, કે હાથપગ હલાવે. આમણે તો ઘણી વાર આવી સ્થિતિ જોઈ અનેક વિચારો કર્યા, પણ કોઈને કાંઈ જણાવ્યું નહિ. પછી ઘેર જઈ તેમના પિતા તથા સગાંસંબંધીને મળી પાછા મંદિરમાં આવ્યા. એ વખતે બાપાશ્રી જાગ્રત થયેલા, તે મળ્યા ને પૂછ્યું કે, ‘રામજી! ફરી વાર કેમ આવવું પડ્યું?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘ભૂજથી બ્રહ્મચારીએ મને તમારાં દર્શન કરવા અહીં મોકલ્યો છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ઠીક’ –એમ કહી આશીર્વાદ આપ્યા ને ભલામણ કરી જે, ‘આપણે જ્યાં જવું ત્યાં મહારાજને સંભારવાનું ભૂલવું નહિ, એટલે કોઈ વાતની હરકત ન આવે. આ વખતે આફ્રિકામાં તમને સુખશાંતિ થશે.’ પછી રામજીભાઈએ પૂછ્યું જે, ‘બાપા! મેં પહેલા અહીં આવી તમને દંડવત્ કરી ‘જય સ્વામિનારાયણ’ કર્યા તોય તમે જાગ્યા નહિ, બોલ્યા નહિ. એ મને નવાઈ જેવું લાગ્યું.’ ત્યારે બાપાશ્રી કહે, ‘રામજી! કુંભારીઆ ગામમાં એક મોટા હરિભક્તે દેહ મેલ્યો હતો ત્યાં હું ને બ્રહ્મચારી ગયા હતા.’ આ વાતથી તેમને ઘણું આશ્ચર્ય થયું. પછી દંડવત્ કરી મળ્યા ને આશીર્વાદ લઈ ભૂજ ગયા ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને આ વાત કરી તેથી એ બહુ રાજી થયા. પછી ત્યાં પણ ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી એક રાત રોકાણા. બીજે દિવસ એ આફ્રિકા જવા નીકળ્યા તે થોડા દિવસે પહોંચ્યા, પછી ત્યાં કામ સારું ચાલતું હોવાથી રોજ સવારમાં વહેલા ઊઠી નિત્યનિયમ તથા કથાવાર્તા કરી, મહારાજને સંભારતા ને કામકાજ કર્યા કરતા.
એક વખત તેમને નૈરોબીથી આફ્રિકાના જંગલમાં લાકડાંની મિલમાંથી લાકડાં લેવા જવું પડ્યું; ત્યાં માર્ગમાં ચાર મસાઈ લોક (ચોરી તથા લૂંટફાટ કરનારા) ઉતાવળા ચાલ્યા આવતા જોઈ તેને બીક લાગવા માંડી, કેમ કે તે ચારેના હાથમાં ભાલા હતા. આણે તો બીકમાં ને બીકમાં જરા ઉતાવળું ચાલવા માંડ્યું, પણ એ તો ઘડીકમાં ભેળા થઈ ગયા ને ધમકી આપતા કહેવા લાગ્યા જે, ‘અમારે ઝુંબે (ઘેર) ચાલ.’ રામજીભાઈ આ વચન સાંભળી બહુ મૂંઝાણા, પણ ત્યાંથી ભાગી છૂટવાનો કોઈ ઉપાય ન રહ્યો, તેમ એ રસ્તે કોઈ આવતુંજતું નીકળે નહિ, તેથી કોઈ આવી જવાની વાટ જોતાં એમણે ધીરે ધીરે ચાલવા માંડ્યું, પણ મસાઈ લોકો તો તેમના બે હાથ ઝાલી ઢસરડી પોતાનો લાકડાનો ઝુંબો મજબૂત હતો તેમાં લઈ ગયા ને માહીં પૂરી બહાર તાળું વાસ્યું. પછી માંહોમાંહી રાજી થતા પોતાને કામે ચાલ્યા ગયા. રામજીભાઈએ જાણ્યું જે, ‘હવે અહીં મારું કોણ? આ મસાઈ લોકો મને કોણ જાણે શું કરશે!’ એવા અનેક વિચારો કરી મૂંઝાતા મહારાજને સંભારવા લાગ્યા. ત્યાં થોડી વારે તેમની સ્ત્રીઓ ત્યાંથી નીકળતી જોઈ, પોતાને આફ્રિકાની ભાષા આવડતી હોવાથી તેઓને તેમણે પૂછ્યું જે, ‘મને અહીં શું કરવા પૂર્યો છે, તે તમે કાંઈ જાણો છો?’ ત્યારે તે કહે, ‘અમારાથી કહેવાય નહિ, જો કહીએ તો અમારા ભૂંડા હાલ થાય.’ આ વચન સાંભળી તેમણે ઘણા કાલાવાલા કર્યા, ત્યારે કહ્યું જે, ‘જો તમે અહીં રાત સુધી રહ્યા તો જીવતા રહેવાના નથી. આગળ પણ એક માણસને અહીં લાવ્યા હતા, તેને મારીને માંસ ખાઈ ગયા ને તેનાં હાડકાં નદીમાં દાટી દીધાં, એવું કરે છે.’ આ વાત સાંભળતાં રામજીભાઈનાં અંગ બધાં ધ્રૂજવા લાગ્યાં ને મહારાજ તથા બાપાશ્રીને સંભારી પ્રાર્થના કરવા માંડી જે, ‘હવે ઉગારો તો ભલે, નહિ તો જીવવાનો કોઈ આરો નથી.’ ત્યાં તો બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે ‘રામજી! આ પડખે ત્રણ લાકડાં સડી ગયેલાં છે, તેને લત માર એટલે એ લાકડાં તૂટી પડશે ને બહાર નીકળાશે, તું બીક ન રાખ, ચોર લોકો હમણાં નહિ આવે,’- એમ કહી અદૃશ્ય થઈ ગયા. રામજીભાઈએ તો તુરત ઊઠતાં જ એ ત્રણે લાકડાંને પાટુ મારી એટલે નોખાં પડી ગયાં. પછી ત્યાંથી નીકળીને ઉતાવળું ભાગવા માંડ્યું. ઘણે છેટે જતાં, જે મસાઈ લોકો તેમને પકડીને પૂરી ગયા હતા તે જ પાછળ આવતા જણાયા. તેણે આ રામજીભાઈને જતા જોઈને પાછળ દોડવા માંડ્યું, એ વખતે બીજા દસ માણસો એ માર્ગે નીકળ્યા. તેમણે રામજીભાઈને ભયભીત બનેલા જોઈને પૂછ્યું, ત્યારે બનેલી બધી વાત કરી ત્યાં વળી એક મોટો પંજાબી માણસ પણ આવ્યો, તે સર્વે મળી તેમને હિંમત આપવા મંડ્યા ને કહ્યું જે, ‘કાંઈ ફિકર રાખીશ નહિ, તારી પાસે અમે છીએ,’-એમ કહે છે, ત્યાં તો એ મસાઈ લોકો પણ ત્યાં આવી પહોંચ્યા ને જેમતેમ બોલવા લાગ્યા, તેથી એ બધા માણસો તે મસાઈ લોકોના સામા થઈ ગયા ને તોફાન વધુ થઈ પડ્યું. પછી તે બધાય માણસોએ ભેળા થઈને તે મસાઈ લોકોને પકડી બહુ માર માર્યો ને રામજીભાઈને રેલે બેસારી નૈરોબી રવાના કરી દીધા. આ રીતે બાપાશ્રીએ તેમની મૃત્યુના આપત્કાળથી રક્ષા કરી, આથી રામજીભાઈએ જાણ્યું જે, ‘ભૂજથી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ મને પાછો મોકલી મારા ઉપર કેવળ ઉપકાર કર્યો હતો.’
આ પ્રકારે બાપાશ્રી વૃષપુરમાં રહ્યા થકા પોતાને વિષે દિવ્યભાવવાળા હરિભક્તોની દેશપરદેશમાં ખબર રાખતા હોવાથી તેમની મહાન સ્થિતિ સહુ કોઈને સહેજે જાણવામાં આવી જતી. પોતે તો જાણે કાંઈ જાણતાય ન હોય તેમ સવાર-સાંજ કથાવાર્તા કરે ને ઘણુંખરું તો મંદિરની ઓસરીમાં બેઠા હોય કે સૂતા હોય. બપોરે વાડીએ જાય તો ત્યાંય ખાટલો ઢાળી સૂતા જણાતા હોય, પણ કોઈ હેતે સહિત સંભારે તો ત્યાં તેને દર્શન આપે, તેથી સહુ એમ જાણે જે, ‘બાપાશ્રીની ક્રિયા કેવળ જીવોના કલ્યાણને અર્થે છે.’