૫૨૮ - હરિભક્તોને રાજી કરતા ગામોગામ ફર્યા
આ વખતે બાપાશ્રી સત્સંગી બાઈ-ભાઈ ઉપર રાજી થઈ સત્સંગમાં મતભેદને લીધે ચાલી રહેલા વિક્ષેપના દુઃખને ભુલાવી દેવા, જાણે અપાર કરુણાદૃષ્ટિ કરતા હોય એમ સૌને જણાતું હતું. અમદાવાદમાં આવ્યા પછી પોતાના પૌત્ર જાદવજીની આંખે તથા નારાયણપુરવાળા હરજીભાઈને શરીરે ઠીક થતું આવતું જોઈ તેમને રાજી કરતા પોતે ત્રણ દિવસ રહ્યા; ત્યાં સુધી સવારથી તે સાંજ સુધી મિલમાં હરિભક્તો દર્શને આવ્યા જ કરે. બાપાશ્રી પણ સવારમાં વહેલા ઊઠી નિત્યવિધિ કરી લે, એટલે શેઠ બળદેવભાઈ મોટરમાં બેસાડી મંદિરે દર્શન કરવા લઈ જાય. ત્યાં ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી પોતે સભામાં બેસે. સંત-હરિભક્તોને આ અનાદિ મુક્તરાજની મહાન સ્થિતિની ખબર હોવાથી સૌ આવી આવીને પ્રસન્નતા ઇચ્છે. બાપાશ્રી પણ તેમને રાજી કરવા માથે હાથ મૂકે, બોલાવે, સમાચાર પૂછે, આશીર્વાદવચન કહે, કોઈને મહારાજના મહિમાની વાતો કરે. પોતે જ્યાં બેઠા હોય અથવા સહેજ વાત કરતા હોય ત્યાં થોડી વારમાં સંત-હરિભક્તોનો સમૂહ ભેળો થઈ જાય. મંદિરમાંથી પોતે દર્શન કરી મિલમાં પધારે ત્યારે સંતો પણ ઠાકોરજીને જમાડી મિલમાં જાય. ત્યાં સભા ભરાય ને વચનામૃતની કથા વંચાય. સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી, શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજી, પુરાણી હરિપ્રસાદદાસજી, બાળમુકુંદદાસજી આદિ તથા મૂળીવાળા પુરાણી ધર્મકિશોરદાસજી, શ્વેતવૈકુંઠદાસજી જેવા સંતો પ્રશ્નો પૂછે ત્યારે ચમત્કારી વાતો થતાં સહુને આનંદ આનંદ થઈ જાય. હરિભક્તોમાં પણ શેઠ બળદેવભાઈ, ચતુરભાઈ, ભલાભાઈ, બહેચરભાઈ, ચુનીલાલભાઈ, કોઠારી ઈશ્વરભાઈ, નાગરદાસભાઈ તથા નારાયણપુરવાળા ધનજીભાઈ જેવા મોટા મોટા હરિભક્તો આગળ બેઠા હોય તેથી કેટલીક વાર તો બાપાશ્રી પોતાની મેળાએ જ વાતો કરવા માંડે.
એક વખત બપોરે પોતાની પાસે સંત-હરિભક્તો ઘણા બેઠા હતા. ત્યારે બાપાશ્રી વાત કરવા લાગ્યા જે, આવી દિવ્ય સભા શ્રીજીમહારાજના ઘર વિના બીજે ક્યાંય નથી. આજ તો મહારાજના સંકલ્પથી સહેજમાં મોક્ષ થઈ જાય છે. આવા અનાદિ મુક્ત પણ એ મૂર્તિનો રસ રેલાવે છે. આવો જોગ મન, કર્મ, વચને કરે તો કાંઈ બાકી રહે નહી, પણ ખરા ભાવે જોગ કરવો જોઈએ. મોટાની દયાનો પાર નથી, એ તો મૂર્તિના સુખમાં તુરત પહોંચાડે, જરાય વાર ન લાગે.’ આવો લાભ આ ટાણે તમને છે. પછી એમ બોલ્યા જે, ‘અમને મૂર્તિને સુખે સુખિયા જાણશો તો તમે જરૂર સુખિયા થશો. મહારાજ કહે કે, આ જીવ અલ્પ છે તેથી ભગવાનનો મહિમા જાણી શકતો નથી, પણ બ્રહ્માંડાભિમાની અને ધામાધિપતિઓને પણ દુર્લભ એવા ભગવાન આ સમે તમને મળ્યા છે, એમ સમજાય તો આઠો પહોર આંનદ વર્તે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે, ’પોતાને જે મૂર્તિ મળી હોય તેનું જ ધ્યાન કરવું,’ તે આપણને કોણ મળ્યા છે? તો સર્વોપરી એવા જે ભક્તિ-ધર્મના પુત્ર સહજાનંદ સ્વામી ભગવાન તે મળ્યા છે; મૂર્તિઓ પણ એ જ છે. એ બેમાં જરાય ફેર નથી. એ મૂર્તિનું વાતે વાતે બીજ લાવવું. મહારાજ વિનાની બધી વાત નિર્બીજ જાણવી. આગળ મોટા મોટા મુક્તો ક્રિયા કરતા જણાતા, પણ મટકું ભરે તેટલી વારે મૂર્તિ ભૂલતા નહિ.’
પછી બાપાશ્રી સંતોને કહે, ‘કથા ચલાવો!’ ત્યારે શેઠ બળદેવભાઈ કહે, ‘બાપા! આપની વાતોમાં બહુ જ શાંતિ થઈ જાય છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘મહારાજ અને મોટા તો એનું એ કહે છે, એમને તો મૂર્તિ આપવાનું જ તાન છે. આપણે પણ એક કારણમૂર્તિને જ બાઝવું. એ મૂર્તિનું સુખ અનાદિ મુક્તના જોગે તત્કાળ આવે, તો પણ જાણવું એમ જે, સુખ તો શ્રીજીમહારાજ આપે છે, કેમ કે ગંગાજીનું પાણી ગૌમુખીમાંથી આવે, તોપણ ગંગાજીનું જ છે. અજાણ્યો હોય તે એમ જાણે જે, ગૌમુખીમાંથી આવે છે.’
વળી બીજું દૃષ્ટાંત આપ્યું, ‘જેમ કોઈકના ઘેર મોટો વરો હોય અને ત્યાં સહુ જમતા હોય ત્યારે જમનાર જાણે જે, આ પીરસનાર જમાડે છે, તો તેને જમાડનાર કોણ છે તેની ખબર ન પડી, કેમ કે જમાડનાર ધણી જુદો છે. અને એ જ સૌને જમાડે છે, તેમ પીરસનાર મુક્ત દેખાય છે, પણ માલના ધણી તો એક શ્રીજીમહારાજ છે અને જે મુક્ત હોય તેને તો મહારાજ વિના બીજું કાંઈ હોય જ નહી.’
‘જેમ શ્રીજીમહારાજ સદાય દિવ્ય તેજોમય થકા મનુષ્યરૂપે દેખાય છે, તેમ એવા મુક્ત પણ દિવ્ય તેજોમય જ છે. એમને દેહરૂપ ન કહેવાય. એમની ક્રિયા નટની માયા જેવી છે, તોપણ દેખનારાની દૃષ્ટિને લઈને દેહ ધરે છે, દેહ મેલે છે, એમ દેખાય. તે જુઓને! મહારાજે પણ દેહ ધર્યો, દેહ મેલ્યો એમ કહેવાણુ, પણ એ દિવ્ય મૂર્તિને શું હોય? એ તો જેમ છે તેમ ને તેમ જ છે. એ મૂર્તિનો મહિમા સમજાય, તેને બીજું કાંઈ નજરમાંજ ન આવે.’
આવી રીતે ચમત્કારી વાતો થતાં સંત-હરિભક્તો બહુ જ આનંદ પામતા. વળી મોડેથી બાપાશ્રી મંદિર દર્શન કરવા પધારે ત્યારે સંધ્યા-આરતી તથા કથાવાર્તા કરી પાછા મિલમાં આવે. ગામડેથી હરિભક્તો આવી આવીને દર્શન કરી જાય. કોઈ મંદવાડવાળાને તેડીને લાવે, તો કોઈ બાળકોને લાવી વર્તમાન ધરાવે. કેટલાક મુમુક્ષુઓ હાથ જોડી પ્રાર્થના કરે તેને પોતે પ્રસાદી આપે, કોઈને મોક્ષ થવાનું વચન આપે, કેટલાક તો વ્યાવહારિક દુઃખ મટાડવા માગણી કરે, -એ સહુને પોતે કૃપાદૃષ્ટિએ સુખિયા કરતા હતા પણ આ સર્વેને લાભ અપાવવામાં શેઠ બળદેવભાઈની સેવા પણ એવી જ હતી. જ્યાં કોઈએ કાંઈ પ્રાર્થના કરી કે તુરત તેમની વતી પોતે જ તેમનું ઉપરાણું કરી કહે, ‘બાપા! આ બિચારા દુઃખી છે, તેમના પર દયા કરો, માથે હાથ મૂકી આશીર્વાદ આપો, એટલે સુખિયા થઈ જાય: કેટલાય વખતના આ દુઃખી હશે.’ વળી સંતોને પણ એમ કહે જે, ‘આવા ગરીબ જેવાને તો તુરત રાજી કરી દેવા.’ આવાં તેમનાં વચન સાંભળી કેટલાક તો શેઠ બળદેવભાઈનાં પણ વખાણ કરે જે, ‘શેઠ છે, પણ દયાળુ બહુ જ છે. આવા મોટા પુરુષ જેને ઘેર આવીને રહેતા હોય, તે એવા જ હોય ને! આ પ્રકારે કેટલાય મુમુક્ષુજનોને બાપાશ્રીની કૃપાદૃષ્ટિનો લાભ અપાવવામાં તેમની મદદ હોવાથી બાપાશ્રી પણ તેમના પર બહુ જ રાજી થતા.
આવી રીતે તેમના પર બાપાશ્રીની પ્રસન્નતા હોવાથી તેમણે પ્રાર્થના કરી, સભાએ સહિત સંત-હરિભક્તોની સ્મૃતિ રહેવા મિલમાં ફોટોગ્રાફવાળાને બોલાવી ત્રણ-ચાર વખત છબીઓ પડાવી લીધી. એક વખત તો પોતાના ભાણેજ સોમાભાઈ તથા બાપાશ્રીના પૌત્ર જાદવજી બાપાશ્રી પાસે ઊભેલા છે, તેવી પણ છબી પડાવી, પણ બાપાશ્રીએ તેમને કાંઈ કહ્યું નહિ, પણ ઊલટી વધુ પ્રસન્નતા જણાવી.
એક દિવસ બપોરના પોતાની પાસે સંત-હરિભક્તો બેઠા હતા ને વચનામૃતની કથા થતી હતી, તેમાં મહારાજના મહિમાની વાત આવી ત્યારે પોતે વાત કરવા લાગ્યા જે, ‘શ્રીજીમહારાજની મૂર્તિ સદાય દિવ્ય તેજોમય છે અને તેજરૂપ અક્ષરધામનો પ્રકાશ શીતળ, શાંત છે. તેને કોની ઉપમા દેવાય? અગ્નિ જડ છે તોય કેવો પ્રકાશ કરે છે! સૂર્ય-ચંદ્રનો કેવો પ્રકાશ છે! તેથી વળી માયાથી પર પુરુષકોટિ, બ્રહ્મકોટિ, અક્ષરકોટિ આદિ ઐશ્વર્યાર્થીમાં તો અનંતગણો પ્રકાશ છે પણ શ્રીજીમહારાજની મૂર્તિ આગળ એ બધાયના પ્રકાશ શું લેખમાં? એવા અલૌકિક મહારાજ તે આપણને દયા કરી પ્રત્યક્ષ મળ્યા છે. આવો મહિમા સમજ્યા વિના અવતાર-અવતારી એક જ છે, એમ કેટલાક કહે છે, પણ તેમને મોટા મુક્તોનાં સિદ્ધાંત વચનો સમજવામાં જ નથી આવ્યાં. નહિ તો એમ કહે જ નહિ.’
અનાદિ મુક્તરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે જે, ‘અમે મહારાજને શ્રીકૃષ્ણ જેવા કેમ કહીએ! કેમ કે એ બધા અહીં મહારાજ પાસે આવે છે, દર્શન કરી જાય છે, મહારાજની ચરણરજ મસ્તકે ચડાવે છે, મુગટ ઉતારી પ્રાર્થના કરે છે, તે માટે એમને કેવી રીતે મહારાજ જેવા કહેવાય?’ એવી જ રીતે અનાદિ મુક્તરાજ સદ્ગુરુ ગુણાતીનાનંદ સ્વામીએ પણ શ્રીજીમહારાજ પાસે બીજા અવતારોની બહુ જ ન્યૂનતા વર્ણવી છે.
વળી સ્વામીશ્રીએ એમ પણ કહ્યું છે કે, ‘સદ્ગુરુ વ્યાપકાનંદ સ્વામી કે સ્વરૂપાનંદ સ્વામી જેવાને તો એક શબ્દે જ્ઞાન થાય પણ બીજાને તો લાખો શબ્દ પડે ત્યારે જેમ છે તેમ સમજાય. આવા મોટા સંતોએ તો મહારાજનાં દર્શન કર્યાં એટલામાં જ તેમની દૃષ્ટિ મૂર્તિ આકારે થઈ ગઈ, એમ મોટા મુક્તની તો વાત જ જુદી છે.’
આવી રીતે પ્રસંગે પ્રસંગે બાપાશ્રી અલૌકિક વાતો કરતા હોવાથી સંત-હરિભક્તોને અત્યંત આનંદ થતો. શેઠ બળદેવભાઈ તો જાણે આમ ને આમ બાપાશ્રી ઝાઝા દિવસ રોકાશે, તેથી સૌની ઘણા દિવસની તાણ પૂરી થશે. ત્યાં તો વળી નળકંઠાના હરિભક્તોએ આવી પ્રાર્થના કરવા માંડી જે, ‘બાપા! દયા કરી અમારાં ગામોમાં દર્શન દેવા પધારો. ઘણા હરિભક્તો વાટ જોઈ રહ્યા છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘અમે તો આ ફેરે સહુને રાજી કરવાનો ઠરાવ રાખ્યો છે, તેથી કોઈને ના પાડતા નથી, તેથી તમો જ્યાં કહો ત્યાં આવીએ.’ આવાં પ્રસન્નતાનાં વચનોથી હરિભક્તો બીજે દિવસ મોટર ભાડે કરીને લાવ્યા, એટલે પોતે તૈયાર થઈ સેવક આશાભાઈ, દલસુખભાઈ, મોહનભાઈ વગેરે સાથે ગામ કુંડલ, નાનોદરા, દેવધોલેરા, કેશરડી, ઝાંપ, વનાળિયું, મેંટાળ, રેથળ, વાસણ વગેરે ગામોમાં હેતવાળા હરિભક્તોને દર્શન દઈ ઘેર ઘેર પધારી સૌને મોક્ષના આશીર્વાદ આપતા તથા ચંદન-પુષ્પાદિથી પૂજાઓ થાય તે અંગીકાર કરતા ને કેટલેક ઠેકાણે મહારાજના મહિમાની વાતો કરતા ગામ વાંસવા પધાર્યા. ત્યાં શામજીભાઈ આદિ હરિભક્તો સામા આવી ગાજતેવાજતે બાપાશ્રીને મંદિરમાં તેડી ગયા ને પ્રાર્થના કરી જે, ‘બાપા! બાઈઓના મંદિરમાં મૂર્તિ પધરાવવાની છે, તેથી આપની અમો સૌ વાટ જોઈ રહ્યા છીએ. માટે દયા કરી ત્યાં પધારો.’ આવી પ્રાર્થનાથી હરિભક્તોએ સહિત પોતે ત્યાં જઈ મૂર્તિ પધરાવી ને આરતી ઉતારી, થાળ જમાડ્યો. પછી સૌને પ્રસાદી વહેંચી શામજીભાઈને ઘેર થાળ કરાવેલ હોવાથી ત્યાં ઠાકોરજીને જમાડ્યા. પછી ચાલવાની ઇચ્છા જણાવી, પણ હરિભક્તોની તાણે ત્યાં જ રાત રહી સૌને રાજી કર્યા. ત્યાં વીરમગામથી ડૉક્ટર મણિલાલભાઈ બાપાશ્રીને તેડવા આવ્યા, તેમની સાથે સેવકોએ સહિત પોતે વીરમગામ પધાર્યા. ત્યાં પણ હરિભક્તો સામા આવી બાપાશ્રીને ધામધૂમથી મંદિરમાં તેડી ગયા. પછી ડૉક્ટર નાગરદાસભાઈને ઘેર થાળ તૈયાર કરાવેલ હોવાથી તેમને ઘેર ઠાકોરજીને જમાડી ઘરના સહુને રાજી કરી વળી મંદિરમાં આવી આસન કર્યું. પછી સાંજના આરતી, ધૂન્ય ને કથાવાર્તા કરતા, હરિભક્તોને મહારાજના મહિમાની વાતો કરી રાજી કર્યા. ત્યાંથી બીજે દિવસ ચાલ્યા તે ડાંગરવા, જરવલા, બામણવા આદિ ગામોના હરિભક્તોને દર્શન દઈ પાટડી પધાર્યાં. ત્યાં દિવ્ય દૃષ્ટિવાળા મુક્તરાજ નાગજીભાઈ રહેતા હોવાથી તે તો ઘણા હરિભક્તોને સાથે લઈ સ્ટેશને સામા આવેલા, તે સહુએ બાપાશ્રીને ચંદન ચર્ચી કુંકુમના ચાંદલા કર્યા ને ફૂલના હાર પહેરાવી રાજી કર્યા. પછી સૌ હેતે સહિત મંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી મુક્તરાજ નાગજીભાઈને ઘેર થાળ તૈયાર કરાવેલ હોવાથી થોડી વારે તેમને ઘેર ઠાકોરજીને જમાડવા પધાર્યા. ત્યાંથી પાછા મંદિરમાં આવી જરા વાર આસન કર્યું ત્યાં તો હરિભક્તો સૌ વહેલા પરવારી આવ્યા ને સેવા કરતા પાસે બેઠા. પોતાને અહીં એક રાત રહેવાનું હતું તેથી હરિભક્તોને રાજી કરવા બાપાશ્રી નાગજીભાઈને કહેવા લાગ્યા જે, ‘આ સહુને વાતો કરો.’ ત્યારે નાગજીભાઈ કહે, ‘બાપા! આજ્ઞા કરનારા ને બોલનારા કોણ હશે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘અવરભાવમાં બેય જોઈએ. પરભાવમાંતો મુક્તને એક મહારાજની મૂર્તિ જ છે. જ્યાં સુધી બીજું દેખાય ત્યાં સુધી આ બધો વિધિ રાખવો પડે.’ એમ કહીને પછી કહ્યું જે, ‘ચલાવો!’ એમ આજ્ઞા થતાં મુક્તરાજ નાગજીભાઈએ ઘણી વાર મહારાજના દિવ્ય સુખની વાતો કરી. પછી બાપાશ્રી હરિભક્તોને કહેવા લાગ્યા જે, ’આવા દિવ્ય મુક્ત તમારા ગામમાં દર્શન દે છે, માટે સહુ જોગ કરી લેજો. આ દેખાવમાં સાવ દૂબળા જણાય છે, પણ ખજીનો બધોય હાથ રાખ્યો છે. ખજીનો શું? તો શ્રીજીમહારાજની મૂર્તિ, ‘-એમ તેમની પ્રશંસા કરતા રાત્રે પણ કથાવાર્તા ને દર્શન-સેવાનો લાભ આપી સવારે પાછા રેલે બેસી બાપાશ્રી અમદાવાદ પધાર્યા.
આ રીતે જ્યાં જ્યાં હરિભક્તો તેડવા આવે ત્યાં ત્યાં દર્શન દઈ આવીને બાપાશ્રી પાછા શેઠ બળદેવભાઈની મિલમાં આવે. એમ કરતાં અડખેપડખેનાં ગામડાંઓ વેલાલ, બાકરોલ, કુજાડ, કણભા, કાળી વગેરે ગામોમાં પણ ત્યાંના હરિભક્તોના આગ્રહથી પોતે દર્શન દઈ આવ્યા હતા.
અહીં અમદાવાદમાં પણ પોતાના પૌત્ર જાદવજીની આંખે દવા કરતા હળવે હળવે ઘણો ફાયદો જણાવા લાગ્યો અને એ આંખના નિમિત્તે હજારો હરિભક્તો તથા મુમુક્ષુઓને બાપાશ્રીનાં દર્શન અને પ્રસન્નતાનો મહા મોટો લાભ મળતો હોવાથી સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો તથા શેઠ બળદેવભાઈ આદિ હરિભક્તો ઘણા રાજી થયા.
અસારવા મિલમાં તો જાણે આ અનાદિ મુક્તરાજનું ઘર હોય તેમ અમદાવાદમાં આવ્યાની ખબર પડે એટલે ત્યાં સહુ દર્શન કરવા ઊલટે. બાપાશ્રી પણ આ વખતે સમુદ્ર રેલે તેમ દયાનો સમુદ્ર રેલાવતા હોય તે રીતે સંત હરિભક્તો જે પ્રકારે રાજી થાય તેમ કરતા હતા અને શેઠ બળદેવભાઈ પર પણ અત્યંત રાજીપો જણાવતા હતા. આનું કારણ આ વખતે તેમણે બાપાશ્રીની સેવા કરવામાં પાછું વાળી જોયું નહોતું. આથી બાપાશ્રી પણ તેમના પ્રેમને વશ થઈ ગયા હોય તેમ એ જેમ કહે તેમ કરતા. આવી પ્રસન્નતા તેમણે બાપાશ્રીની મેળવી હતી.
શેઠ બળદેવભાઈને પ્રથમથી જ સદ્ગુરુઓના જોગ-સમાગમથી સત્સંગને વિષે આત્મબુદ્ધિ તેમ જ ધ્યાન-ભજન અને સેવાનું અંગ સારું, વળી જ્ઞાની, ભોળા ને વિશ્વાસુ પણ એવા, જેથી સદ્ગુરુઓ તથા બાપાશ્રીની સહેજે કૃપા થતી હતી. ઉપરાંત મૂળીના પાટોત્સવનો મનાઈહુકમ આવ્યા પછી તેમણે ઠાકોર સાહેબ આદિને મળીને મંજૂરી મેળવી. એ સેવામાં તો બાપાશ્રી તેમના પર અત્યંત રાજી થઈ ગયા તેમ જ આચાર્યશ્રીએ કોર્ટમાં તમામ મંદિરો પોતાની ખાનગી માલિકીનાં છે એમ જણાવ્યું તેના સામે સત્સંગનો દૃઢ પક્ષ રાખી એ શેઠ દરેક કામમાં ઊભા રહ્યા. જેથી નિયમ, નિશ્ચય ને પક્ષ એ ત્રણે અંગ દૃઢ જોઈ બાપાશ્રી તથા સદ્ગુરુઓનો તેમના પર પૂર્ણ રાજીપો થયો.
હવે બાપાશ્રી પાસે સુરતના હરિભક્તો આવ્યા, તેમણે પોતાના ગામ લઈ જવા પ્રાર્થના કરવા માંડી, ત્યારે પણ પોતે એમ બોલ્યા જે, ‘ભલે! મારી ના નથી. આ અમારો જાદવજી અહીં દવા કરાવે છે, ત્યાં સુધી તમો જ્યાં કહો ત્યાં આવીએ. અમારે તો હરિભક્તોનાં દર્શને આંનદ છે અને હરિભક્તો અમને જોઈને રાજી થાય છે. કોઈ હાથ જોડે કે પ્રાર્થના કરે, ને કોઈ સેવાએ રાજી કરવા આગ્રહ કરે, ત્યારે અમે પણ જે કોઈ અમારી દૃષ્ટિમાં આવે તેને મહારાજના દિવ્ય સુખમાં લઈ જવાના સંકલ્પ કરીએ છીએ પણ તેમાં અમે અમારી ઇચ્છાથી કાંઈ કરતા નથી. આ ફેરે તો જ્યાં મહારાજ લઈ જાય ત્યાં જવું ને સૌને રાજી કરવા એવો ઠરાવ રાખ્યો છે.’ એમ કહી પ્રસન્નતા જણાવી તે હરિભક્તો સાથે આશાભાઈ આદિને ભેળા લઈ પોતે સુરત પધાર્યા. ત્યાં તાપી નદીમાં નાહ્યા, પછી મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી અરદેશર પારસીને ઘેર શ્રીજીમહારાજની પાઘનાં દર્શન કરવા ગયા. ત્યાં ઘણા હરિભક્તો દર્શન કરવા સાથે આવેલા હોવાથી તેમણે ત્યાં ઉત્સવ કર્યો. પછી હરિભક્તો સાકર લાવ્યા તે મહારાજને જમાડી બાપાશ્રીના હાથે સહુને પ્રસાદી વહેંચાવી. ત્યાંથી હરિભક્તોએ બાપાશ્રીને માટે થાળ તૈયાર કરાવેલ હોવાથી ત્યાં જઈ ઠાકોરજી જમાડ્યા. પછી હેતવાળા હરિભક્તો પોતપોતાને ઘેર તેડી જવા આગ્રહ કરવા મંડ્યા, તેમને રાજી કરવા બાપાશ્રી તેમને ઘેર જઈ દર્શન આપી સહુને રાજી કરતા પાછા અમદાવાદ આવ્યા, ત્યાં તો આગલે દિવસ ભાત, ને રનોડા ગામના હરિભક્તો પોતાને ગામ તેડી જવા વાટ જોઈ રહ્યા હતા તેથી બીજે દિવસ ત્યાં પણ દર્શન દઈ આવ્યા.
આમ ગામોગામ હરિભક્તોની તાણે પોતે ત્યાં જઈ દર્શન આપતા હોવાથી નાનાંમોટાં બાઈ-ભાઈ સર્વે રાજી રાજી થઈ જતાં ને અહીં પૌત્ર જાદવજીની આંખે રોજ નિયમસર દવા ચાલતી હોવાથી તેની આખો પણ ઘણી સારી થઈ ગઈ તેથી બાપાશ્રી હવે કચ્છમાં જવાનો વિચાર કરવા લાગ્યા, પણ ઝાલાવાડ દેશના હરિભક્તો પોતાના દેશમાં લઈ જવાની તાણે કેટલાક અમદાવાદમાં જ રોકાઈ રહેલા, તેમણે હવે પ્રાર્થના કરવા માંડી, તેથી બાપાશ્રીએ સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને પૂછ્યું જે, ‘સ્વામી! હવે મારે કેમ કરવું? આ ફેરે આજ દિવસ સુધી જેમ સહુ રાજી થયા તેમ કર્યું. પણ આ હરિભક્તો હવે ઝાલાવાડ તેડી જવાની તાણ કરે છે.’ ત્યારે સ્વામીશ્રી કહે, ’ત્યારે હવે એ હરિભક્તોને પણ ભેળા ભેળા રાજી કરો, તમારે બીજું શું કામ ખોટી થાય છે?’ આવો ઉત્તર મળતાં બાપાશ્રી કહે, ‘અમારે ગઢડે દર્શન કરવા જવાનો વિચાર છે, તેનું કેમ થાય?’ ત્યારે સ્વામી કહે, ‘પહેલા તો ઝાલાવાડના હરિભક્તોને રાજી કરો તો સારું, કેમ કે એ ઘણા દિવસ થયા લલચાય છે. જો આપને ગઢડે દર્શન કરવાની ઇચ્છા હશે, તો કચ્છમાં જતી વખતે એ બાજુથી જવાનું કરશું.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે!’ એમ ઝાલાવાડ દેશની અરજી પણ મંજૂર થઈ ગઈ. પછી શેઠ બળદેવભાઈ પર ઘણી પ્રસન્નતા જણાવી, તેમને તથા અમદાવાદના હરિભક્તોને રાજી કરી બાપાશ્રી સંતો તથા પાર્ષદોએ સહિત પ્રથમ વીરમગામ આવ્યા ને ત્યાંથી માંડળ ને ત્રેંટ વગેરે ગામોમાં દર્શન દઈ રામગ્રી આવ્યા. ત્યાં એ ગામના હરિભક્તો હર્ષભર્યા સામા આવ્યા ને બાપાશ્રી તથા સંતોને અતિ હેતે સહિત કીર્તન બોલતાં બોલતાં મંદિરમાં તેડી ગયા. ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી સહુ બેઠા. પછી હરિભક્તોએ મગજ, પૂરી, શાક વગેરે થાળ આગળથી તૈયાર કરાવેલ હોવાથી બાપાશ્રી તથા સંતોને તાણ કરી જમાડ્યા ને ગામના હરિભક્તોને પ્રસાદી આપી. પછી મલુભાઈ આગ્રહ કરી પોતાને ઘેર સૌને તેડી ગયા ત્યાં ગામના હરિભક્તો પણ એકોએક ભેળા થઈ ગયેલ હોવાથી બાપાશ્રીએ થોડી વાર વાતો કરી સૌને રાજી કર્યા.
ત્યાં સેડલાના હરિભક્તો દર્શન કરવા આવેલા તેમની તાણે ત્યાંના મંદિરમાં જઈ ઠાકોરજીનાં દર્શન કર્યાં. ત્યાં પણ નાહી ઠાકોરજીને જમાડી ઘેર ઘેર પધારી હરિભક્તોને રાજી કર્યા. ત્યાંથી વળતાં ગેંડિયા થઈ લીલાપુર આવ્યા. હરિભક્તોને ખબર પડી જે, બાપાશ્રી તથા સ્વામી આદિ સંતો પધારે છે, તેથી એ સહુ રાજી રાજી થઈ ગયા. તે દિવસ હુતાસણીનો હોવાથી હરિભક્તોને ઉમંગ હતો ત્યાં આ દિવ્ય મુક્તો પધાર્યા પછી શું ખામી રહે? પટેલ જીવાભાઈ ઠાકોરજીના થાળની ઉતાવળ કરાવવા માંડ્યા ને બાપાશ્રીએ સભામાં વાતો કરવા માંડી, તેથી થોડી વારમાં તો હરિભક્તોને આંનદ આનંદ થઈ ગયો. પણ બાપાશ્રીને હજામત વધેલી જોઈ જીવાભાઈએ સ્વામીશ્રીને કહ્યું કે, બાપા તમારા ભેળા ફરે છે તે તેમને પણ મહિને વતું કરાવવાનો ઠરાવ તો નથી ને?’ ત્યારે સ્વામી કહે, ‘એમ કાંઈ હોય! પણ ગામડાંમાં ફરતાં નિવૃત્તિ ન મળે, તેથી એમ થયું છે.’ ત્યારે જીવાભાઈ કહે, ‘સ્વામી! ઘડીક આપ સભામાં વાતો કરો તો હું આજ ને આજ એ સેવાનો લાભ લઉં.’ પછી એ બાપાશ્રી પાસે આવી કહેવા લાગ્યા જે, ‘બાપા! અહીં એક વાળંદ છે તેના કલ્યાણનો આજ વારો આવી ગયો છે. તે એની સેવા અંગીકાર કરીને કલ્યાણ કરો તો ઠીક.’ ત્યારે બાપાશ્રી કહે, ‘એ વાળંદ કોણ છે?’ આ સાંભળી બીજા હરિભક્તો કહે, ‘બાપા! આપણે હજામત વધી છે, તે સારુ જીવાભાઈ આમ રમૂજ કરીને હજામત કરાવવા પ્રાર્થના કરે છે.’ ત્યારે પોતે કહ્યું જે, ‘ભલે! બોલાવો વાળંદને, આવશે તો બેસશું.’ આ રીતે આજ્ઞા લઈને વાળંદને બોલાવી લાવ્યા. તેથી બાપાશ્રીએ ત્યાં વતું કરાવ્યું. પછી થાળ તૈયાર થયા હતા એટલે નાહીને બાપાશ્રી તથા સંતો ઠાકોરજીને જમાડવા બેઠા. ત્યાં સહુ દર્શન કરતા હતા, પણ હરિભક્તોને અંતરમાં એવી તાણ જે, બાપાશ્રી ઉપર આજ આપણે રંગ નાખીએ અને બાપા આપણા ઉપર રંગ નાખે એવો વખત સહેજે આવ્યો છે, એમ જાણી માંહોમાંહી સૌએ નિર્ણય કરી રંગ તૈયાર કર્યો ને ગુલાલ લાવ્યા. પછી બાપાશ્રી જમી રહ્યા ત્યારે હરિભક્તોએ પ્રાર્થના કરી પ્રસાદીનો રંગ કરાવી થોડાં થોડાં છાંટણાં બાપાશ્રીનાં વસ્ત્રો પર નાખી ઉપર ગુલાલ નાખ્યો. એટલે બાપાશ્રીએ પણ થોડો થોડો રંગ, ગુલાલ હરિભક્તો પણ નાખવા માંડ્યો. પછી તો સૌ આગળ આવતા જાય ને કીર્તન બોલતા રંગ-ગુલાલની પ્રસાદી લેતા જાય, એ રીતે ત્યાં રંગ-ઉત્સવ કર્યો; પછી પાછા નાહીને બીજાં વસ્ત્રો પહેરી સ્વામીશ્રીને કહેવા લાગ્યા જે, ‘આપણે ઠાકોરજી જમાડતા હતા ત્યારના હરિભક્તો પરસ્પર રંગની વાતો કરતા હતા, તેને થોડી થોડી પ્રસાદી આપીને રાજી કર્યા. અમને પણ હરિભક્તોએ સંભારણું કરી દીધું. લૂગડાં ઉપરથી કાંઈ ઘડીકમાં રંગ જાય છે! આ તો એમને રાજી કર્યા. આપણે તો ચૈતન્યમાં મૂર્તિનો રંગ ચડાવી દેવો તે કોઈ દિવસ ઊતરે જ નહી. જેમ મહારાજ રંગભીના કહેવાય છે તેમ મુક્ત પણ મહારાજના રંગમાં રસબસ છે, એને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહી; આ તો અવરભાવની લીલા છે, તે મોટાં મંદિરોમાં મહારાજ સન્મુખ રંગ-ઉત્સવ થયા કરે છે,’ –એમ વાત કરતા હતા ત્યાં જીવાભાઈએ હરિભક્તોની વતી પ્રાર્થના કરી જે, ‘બાપા! આપે જેમ સંતોને સાથે લાવીને અહીં પધારવાની દયા કરી, તેમ આજ મોટો દિવસ છે તેથી હરિભક્તોને ઘેર પગલાં કરવાની દયા કરો તો અમને મોટું સંભારણું થાય.’ આવાં તેમનાં હેતભરેલાં વચનોથી બાપાશ્રી તથા સંતોએ ગામમાં ઘેર ઘેર પધારી સહુને રાજી કર્યા; પછી ત્યાંથી સંતોએ સહિત રેલે બેસી ગામ ધાંગધ્રા જવા નીકળ્યા.