૩૩૪ - મંડળીઓ આવતાં ફુલેકામાં ધામધૂમ
આવી રીતે યજ્ઞમાં આનંદ-ઉત્સવ થતાં સમાપ્તિને બે દિવસ બાકી રહ્યા ત્યારે કચ્છનાં ગામડાંઓમાં ફરી વાર કંકોત્રીઓ મોકલાવી; એટલે કચ્છી હરિભક્તોની મંડળીઓ આવતાં વૃષપુર ગાજવા માંડ્યું. છત્રીસ્થાને જંગલ જેવું હોવાથી ત્યાંથી જ ઉત્સવની ઝીક વગાડતા હરિભક્તો આવે ને દોકડ ને ઝાંઝની ધ્રોંસ પડે, એટલે ગામના હરિભક્તો સામા જાય; એ ટાણે જંગલમાં મંગલ જેવું લાગે. એક તરફથી એક ગામની મંડળીઓ આવે અને બીજી તરફથી બીજા ગામની મંડળીઓ આવે, એ સૌ હર્ષભર્યા કીર્તન બોલે, એમ આનંદ-ઉત્સવ કરતાં મંદિરમાં આવી મહારાજ તથા બાપાશ્રી અને સંત-હરિભક્તોનાં દર્શન કરે, કથા સાંભળે. કથાસમાપ્તિ પછી સાદ પડે ત્યારે જમવા જાય. એમ કરતાં રાત્રે ઠાકોરજીની પાલખી ગામમાં ફરવા નીકળી ત્યારે પણ ગુલાબ અને હજારી ફૂલહારથી ગરકાવ શ્રીજીમહારાજની મનોહર મૂર્તિ પાલખીમાં પધરાવી; આગળ મોટા મોટા વીજળીના દીવાઓ, નેજા, નિશાન, છત્ર, ચમર, આરતી, ડંકા અને આગળ ઉત્સવીઆ હરિભક્તોની મંડળીઓ કીર્તનની ઝીક મચાવતા શેરીએ શેરીએ ફરતા હોવાથી, એ શોભા જોઈ કોઈ તૃપ્ત જ ન થાય. વચમાં હરિભક્તોનાં ઘર આવે ત્યાં પાલખી ઊભી રહે, એટલે બાઈઓ શ્રીફળ, રૂપામહોર આદિ ભેટો મૂકી મહારાજને અક્ષતકુંકુમથી વધાવે. કોઈ કોઈ તો પાલખી ઘરમાં લઈ જઈને મહારાજને વધાવે, પ્રાર્થના કરે. છડીદાર ઊંચે સ્વરે છડી બોલે, ચમર થાય, વચમાં ગુલાલ ઊડે, ભડાકા થાય. એમ ગાજતેવાજતે ઠાકોરજીનું ફુલેકું ફરતું હતું તે વખતે આ જામનગરના હરિભક્તોએ પણ પોતાની મંડળી કરી બહુ જ હર્ષભર્યા કીર્તન ગાયાં, તેથી કચ્છી હરિભક્તો તથા ગામોગામના હરિભક્તો રાજી રાજી થઈ ગયા. તે મંડળીમાં આ રતિલાલભાઈએ ત્રણ દીવાવાળી મોટી બત્તી ઝાલી હતી. આ રીતે ધામધૂમથી આખા ગામમાં ગાજતેવાજતે ફુલેકું ફરી સલોખા બોલતા ને કીર્તન ગાતા સહુ બાર વાગ્યે મંદિરમાં આવ્યા.
બીજે દિવસે સવારમાં સમાપ્તિ હોવાથી બાપાશ્રીના ઘેરથી ઠાકોરજીને અર્પણ કરવા વસ્ત્રો તથા પાંચિયાની છાબો ભરાવા માંડી. મંડળીના હરિભક્તો પણ નાહીધોઈ, પૂજા કરી તૈયાર થઈ ગયા. એટલે એમણે તો બાપાશ્રીના ઘરને આંગણે આવી ઉત્સવ કરવા માંડ્યો. એ રીતે ઘણી વાર ધામધૂમ થતી હતી ત્યાં છાબો તૈયાર થઈ, ત્યારે બાપાશ્રીના પુત્ર, પૌત્રાદિ એ છાબો ઉપાડી આગળ ચાલ્યા ને સહુ કીર્તન બોલતા બોલતા મંદિરમાં આવી ઠાકોરજી પાસે એ છાબો મૂકી. પછી થોડી વારે કથા વંચાઈ રહી ને સમાપ્તિ થઈ એટલે અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ ઠાકોરજી, પુસ્તક અને બંને પુરાણીઓની ચંદન, પુષ્પાદિથી પૂજા કરી આરતી પ્રગટાવી; તે વખતે સહુ ઊભા થયા, પણ ઓશરી પરથી જોતાં હરિભક્તોની વચમાં જરાય ખાલી જગ્યા જોવામાં ન આવે. જેમ અક્ષરધામમાં મુક્તોની ઠઠ્ઠ કહેવાય છે, તેમ આ ઠેકાણે પણ એવી જ ઠઠ્ઠ થઈ રહી હતી. જ્યારે આરતી થઈ રહી ત્યારે સહુ ‘જય’ બોલ્યા. પછી સંતો કીર્તન બોલવા લાગ્યા ને બાપાશ્રીએ તથા પુત્ર, પૌત્રાદિકે મળી બંને પુરાણી તથા સંતોને વસ્ત્રો ઓઢાડવા માંડ્યાં. એમ ઘણી વાર સભામાં પૂજા ચાલતી રહી. એ વખતે ભૂજમંદિર તરફથી તથા ઘણા હરિભક્તોએ બાપાશ્રીને પાઘડીઓ બંધાવી. પછી મોટા મોટા સંતોએ પણ બાપાશ્રીને ચંદન ચર્ચી ફૂલના હાર પહેરાવી રાજી કર્યા.