૫૩૮ - મુહૂર્તમાં ગોળઘાણાની પ્રસાદી
બાપાશ્રી વૃષપુરમાં આવીને થોડા દિવસ રહ્યા ને હજી પૂરો થાક ઊતર્યો નહિ હોય ત્યાં ધનજીભાઈએ પોતાની રહેણાકની જગ્યામાં ડેલીનું નવું બારણું મૂકવા ટાણે બાપાશ્રીને પૂછી તેના મુહૂર્ત વખતે ત્યાં પધારવા પ્રાર્થના કરી હતી જેથી સમાચાર આવતાં એ મુહૂર્તના દિવસે સવારમાં વહેલા નિત્યવિધિ કરી બાપાશ્રી બે હરિભક્ત સાથે નારાયણપુર પધાર્યા ને પોતાને હાથે મુહૂર્ત કરીને કડિયા, સુતાર તથા બીજા કામ કરનારા માણસને ગોળઘાણાની પ્રસાદી આપવા અર્ધો મણ ગોળ વહેંચ્યો. એવી જ રીતે રાજીપો જણાવી એ બારણા ઉપરનું ચાપણું ચડાવવા વખતે ઘણા માણસોએ બળ કરવા છતાં ન ચડતાં પોતે ઓચિંતાના ત્યાં જઈને કહેવા લાગ્યા કે, 'આટલા બધા ભેળા થઈને શું કરી રહ્યા છો?' એમ કહી 'મહારાજ! સ્વામિનારાયણ!' કહેતાં પોતે સહુની સાથે હાથ દીધો કે એ ચાપણું ચડી ગયું, તેથી સહુ આશ્ચર્ય પામી ગયા; પછી ધનજીભાઈ તથા તેમના પુત્રોએ ચંદન ચર્ચી, ફૂલના હાર પહેરાવી રાજી કર્યા.