૫૯૩ - ફૂલના હિંડોળે મહારાજનાં દર્શન
આ વખતે અષાઢ માસ સુધીમાં પોતાથી ભૂજમાં હિંડોળાનાં દર્શને જવાણું નહોતું, તેથી બે દિવસ પછી પોતે ભૂજ દર્શને ગયા. ત્યાં તે દિવસ ફૂલનો હિંડોળો બાંધેલો, તેમાં મહારાજ ઝૂલતા હતા. ત્યાં બાપાશ્રીએ આવી દર્શન કર્યાં. એ જોઈ સહુને આનંદ આનંદ થઈ રહ્યો. પછી સંત-હરિભક્તોને મળી બાપાશ્રી મહારાજનાં દર્શન કરી સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી સભામાં બેઠા. એ વખતે કથા વંચાતી હતી. થોડી વાર થઈ ત્યાં વળી કચ્છના નામદાર યુવરાજશ્રી માધુભા સાહેબ મંદિરમાં દર્શને પધાર્યા, તેથી હર્ષભર્યા સંતોએ સભામાં આસન નખાવ્યું. એક પડખે બાપાશ્રી આસન પર બેઠા હતા. ત્યાં નામદાર યુવરાજશ્રી ઠાકોરજીનાં દર્શન કરી સભામાં આસન પર આવી બેઠા. અને સંત-હરિભક્તોની સભા જોઈ બહુ રાજી થયા. પછી બાપાશ્રીને ધ્યાને યુક્ત બેઠેલા જોઈને પૂછ્યું જે, ‘આપ સુખિયા છો ને?’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘સુખે ભગવાન ભજીએ છઈએ ને આપને આશીર્વાદ આપીએ છીએ.’ આ વચનથી નામદાર યુવરાજશ્રી બહુ રાજી થયા. થોડી વારે એ ઊઠ્યા ત્યારે બાપાશ્રી મેડા પર આસને ગયા તે આરતી વખતે સભામંડપમાં આવ્યા.
ત્યાં આરતી-ધૂન્ય થયા પછી કથાવાર્તા થઈ રહી એટલે ઠાકોરજીનાં શયન વખતનાં દર્શન કરી, છેલ્લી સભામાં થોડા સંત-હરિભક્તો બેઠા હતા ત્યારે પોતે વાત કરી જે, ‘આપણે એમ જાણવું જે, મહારાજ ને મોટા મુક્ત સદાય આપણા ભેળા છે અને મોટાએ દયા કરી ચૈતન્યમાં મૂર્તિ પધરાવી દીધી છે એમ સમજીને મહારાજનું ધ્યાન કરવું અને સર્વે ક્રિયામાં મૂર્તિમાં અખંડવૃત્તિ રાખીને મૂર્તિ સિદ્ધ કરવી. સત્સંગ બધોય દિવ્ય સમજવો. તેમ નાનામોટા કોઈ ભગવાનના ભક્તનો અવગુણ ન આવે તેવી નિર્દોષ બુદ્ધિ રાખવી, તો સત્સંગ દિવ્ય સમજાય અને કોઈનો અભાવ આવે નહિ.’ આ રીતે વાતો કરતા સંત-હરિભક્તોને રાજી કરી મોડેથી આસને પધાર્યા. પછી સવારમાં વહેલા ઊઠી નાહી, પૂજા કરી ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી સભામાં આવી બેઠા તે કથાવાર્તા થઈ રહી ત્યાં સુધી સૌને દર્શન દઈ, સંતોને મળી પોતે વૃષપુર પધાર્યા.