૬૭૯ - સ્વામીશ્રીને યજ્ઞ માટે ભલામણ
બીજે દિવસ સવારમાં વહેલા ઊઠી બાપાશ્રી નિત્યવિધિ કરી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને મળ્યા. પછી ઠાકોરજીનાં દર્શન કરી સભામાં આવ્યા. એ વખતે સંતો પરસ્પર યજ્ઞ સંબંધી વાતો કરતા હતા. તે સાંભળીને પોતે બોલ્યા જે, ‘સ્વામી! આપણે આ યજ્ઞ કરવો છે તેમાં જે કોઈ આવે તેને મૂર્તિમાં મૂકી દેવા, એવી શ્રીજીમહારાજની મરજી છે. તમે ટાણે આવી ગયા તે બહુ સારું કર્યું. તમે મહારાજના સંકલ્પથી દર્શન આપો છો, તેથી બધુંય જાણો, પણ તમે તમારું સામર્થ્ય ઢાંકીને ફરો છો. મોટા મોટા અક્ષરાદિક અવતારોને આ સભા દુર્લભ છે. આ સભામાં તમે ન આવ્યા હો ત્યાં સુધી સહુ વાટ જુએ. અમે જ્યારે આ યજ્ઞ કરવાની વાત સર્વે હરિભક્તોને ભેળા કરી જણાવી, ત્યારે ઝીણોભાઈ તથા મૂળજીભાઈ આદિ સૌ કહે કે, ‘બાપા! તમે સંકલ્પ કરશો એટલે ધારશો એવો યજ્ઞ થશે, પણ સ્વામી વૃંદાવનદાસજી તથા ઈશ્વરચરણદાસજી આદિ મંડળને બોલાવો તો ઠીક, કેમ જે, એ સદ્ગુરુઓ વિના કોઈની એવી નજર નહિ પહોંચે, -એમ કહ્યું એટલે અમે તમને તેડાવ્યા. હવે યજ્ઞની સામગ્રી સર્વે તૈયાર કરાવો, અને જે જે માલ ખપે તે બધો આગળથી મગાવી લ્યો. ગોદડાંનું તથા તાલપત્રીના કોસનું નક્કી કરો. ગોળ, ઘી તો અમે લઈ રાખ્યાં છે, ઘઉં તથા ચોખા, દાળ વગેરે બધુંય તૈયાર છે. ઉતારાની સગવડ પણ કરી છે, તોપણ જે જે વધુ કરાવવા જેવું લાગે તે કરાવીએ. શીરાના હોજ કરવાનું અને રસોડામાં બીજી કાંઈ ગોઠવણ કરાવવી હોય તે બધું તમે કરવો. અમારે તો તમે આવ્યા એટલે બધુંય કામ પૂરું થયું. હવે તમે મહારાજને સંભારીને આ યજ્ઞમાં સૌને સુખિયા કરો. અમે તો જે જે હરિભક્તો આવશે તેને મૂર્તિના સુખની વાતો કરશું. અમારા છોકરા કહે, ‘બાપા! સ્વામીને પહેલા તેડાવજો. પણ અમને ખાતરી હતી કે તમને એક કાગળ લખશું એટલે તમે આવી પહોંચશો, તેથી તમને વહેલા તેડાવ્યા નહોતા,’ કેમ જે તમારે મંદિરનાં કામકાજ હોય તે ઉપરાંત જે જે ગામમાં જાઓ ત્યાં હરિભક્તોને મહારાજની વાતો કરી મૂર્તિના સુખે સુખિયા કરો, તેથી ટાણે તેડાવ્યા. આ યજ્ઞમાં આપણે કોઈ વાતની કસર રાખવી નથી.’ એમ કહી સદ્ગુરુઓ પર પ્રસન્નતા જણાવતા થોડી વાર વચનામૃતની કથા કરાવ્યા પછી સંતોએ થાળ તૈયાર કર્યા, એટલે પંક્તિ થઈ, ત્યારે પોતે સંતોને દંડવત્ કરવા લાગ્યા. એ જોઈ સ્વામી વૃંદાવનદાસજી કહે, ‘બાપા! હવે તમે આ રીત બદલાવો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘અમે તો મહારાજને દંડવત્ કરીએ છીએ,’ એમ કહી ત્રણચાર દંડવત્ કરી ઢીંચણીઆભર થઈ પંક્તિની સામે બેઠા ને પીરસનાર સંતોને કહે, ‘પંક્તિમાં સૌને સારી રીતે પીરસીને જમાડજો.’ – એમ કહી પોતે ઘેર જઈ ઠાકોરજીને જમાડી પાછા મંદિરમાં આવ્યા.
ત્યાર પછી વચનામૃતની કથા થઈ રહી એટલે સંતોએ હરિભક્તોને બોલાવી ગામડેથી ગોદડાં, બળતણ વગેરે મગાવવાની ગોઠવણ કરાવી. બાપાશ્રી પણ ઉતારા માટે ગામમાં કેટલાંક ખાલી કરેલાં ઘરો જોવા ગયા. સંતોએ ભલામણ કરવાથી આગેવાન હરિભક્તોએ ખીચડી માટે દાળ કરાવવી, ચોખા જોવરાવવા, ઘઉં દળાવવા વગેરે સીધાનો સામાન તૈયાર કરાવવા માંડ્યો ને કેટલાક હરિભક્તોને શીરાના હોજ કરાવવાનું કામ સોંપ્યું. આવા દરેક કામમાં બાપાશ્રીની તો ફક્ત સલાહ લેવી કે દૃષ્ટિ કરાવવી એટલું જ કામ. ઉપરાંત આ યજ્ઞમાં બાપાશ્રી વધુ પ્રસન્નતા જણાવતા હોવાથી સહુ પોતપોતાથી બનતી સેવા કર્યા કરતા.
વળી આ યજ્ઞપ્રસંગે ગામ-પરગામથી સાંખ્યયોગી બાઈઓ પણ ઘણાં આવી પહોંચ્યાં હતાં. તેમાં મુક્તરાજ કંકુબાનાં શિષ્ય મોંઘીબા તથા કસળબાનાં શિષ્ય નાથીબા, સંતોકબા, હરખાબા, ચંચળબા અને બોનજીબા તથા કરાંચીવાળાં લીરુબા, ડાહીબા, મીઠાંબા, દેવાંબા આદિ તથા કચ્છનાં બાઈઓ હોંશભર્યાં બાઈઓના મંદિરમાં કથાવાર્તા કરવા ઉપરાંત બનતી સેવાઓ કરતાં.
બાપાશ્રીના ઘરમાં તો સહુ સાદા, ભોળા ને મહેમાન જેવા, કેમ કે કાંઈક કામ હોય તો ઊલટા હરિભક્તો બાપાશ્રીના દીકરાને બતાવે જે, ‘કાનજીભાઈ! આ કરવું છે! મનજીભાઈ, તમે આ હરિભક્તોને આટલી ભલામણ કરજો.’ આવી તેમની સાદાઈ જોઈને કેટલાક બહારગામથી અજાણ્યા હરિભક્તો આવ્યા હોય તે તો એમ પૂછે જે, ‘આમાં બાપાના દીકરા કયા?’ પછી આ બન્ને ભાઈનું ભોળપણ જોઈને આનંદ પામે ને કહે જે, ‘મુક્તને ઘેર તો મુક્ત જ હોય!’ દીકરી વાલબાને પણ વ્યાવહારિક ઊંડી ખાંચખૂંચ નહિ. બાપાશ્રીનો થાળ કરે તોય સાદો. માંહી મીઠુંમરચું બરાબર ભળ્યું છે કે નહિ તેના પણ ઉચાટ એને નહિ. બાપાશ્રી પણ તે થાળનાં વખાણ કરે કે, ‘બાઈ! આજ તમારો થાળ મહારાજ હેતે સહિત જમ્યા છે.’ એટલામાં એ પણ રાજી રાજી થઈ જાય. સારા શાકમાં ભીંડા કે ગુવારની કઢી ને રતાળુ કે પીતાળુ(ગાજર)નાં શાક. મઠની ખીચડી તો ઘેર મોટો યજ્ઞ હોય તોય જોઈએ. વળી બાપાશ્રીના પૌત્રા માવજી, હરજી તથા રામજીની પણ એવી જ સાદાઈ. પૌત્ર જાદવજીને તો બાપાશ્રી ‘આ અમારો સાધુ છે’ એમ જ કહેતા. આમ બાપાશ્રીનું કુટુંબ સાદું, ભોળું ને દિવ્યભાવવાળું હોવાથી મહારાજ પણ તેમની દરેક સેવા સ્વીકારતા હોય તેમ ટાણે ટાણે તેમના દરેક કામમાં પ્રસન્નતા જણાવતા. આ પ્રકારે ઘરમાં સહુને સાદાઈ હોવાથી બાપાશ્રી જ્યારે ઘેર જાય ત્યારે જરાય ખોટીપો થાય તેવું નહિ; ને અહીં મંદિરમાં તો સદ્ગુરુઓ આવ્યા એટલે પોતાને કાંઈ પૂછવાનું જ નહિ. હરિભક્તોને પણ મહિમા એવો કે બાપાશ્રી કે સદ્ગુરુઓ બોલ્યા એટલે એમાં જરાય શંકા નહિ. આ રીતે ગામડાના હરિભક્તો તથા ધનજીભાઈનું કુટુંબ અને બાપાશ્રીની સેવા કરનારા હરિભક્તો એ બધોય સમાજ બાપાશ્રી જાણે અક્ષરધામમાંથી ભેળો લાવ્યા હોય ને શું? તેમ સહુ વચનમાં તત્પર થઈ રહેતા. લોકમાં કહેવાય છે કે, ‘ઝાઝો સહવાસ હોય ત્યાં સદાય એવું ને એવું માહાત્મ્ય ન રહે, પણ આ ગામમાં તો બાપાશ્રીએ સંવત ૧૯૦૧થી દર્શન આપ્યાં ત્યારથી સંવત ૧૯૮૪ના આ છેલ્લા યજ્ઞ સુધી સૌને એવો ને એવો જ દિવ્યભાવ, કેમ કે મોટા મોટા સંત-હરિભક્તો બાપાશ્રી પાસે વખતોવખત આવતાં કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ તો ચાલ્યા જ કરતો હોય તેથી કોઈ સહેજ ઢીલા હોય તોય આ દિવ્ય સમૂહના જોગે બળિયા થઈ જાય, આ બધાયમાં વધુ તો બાપાશ્રીની કૃપાદૃષ્ટિનો પ્રતાપ.
આ રીતનો સર્વે દિવ્ય સમૂહ તથા બહારગામથી આવેલા હેતવાળા સંત-હરિભક્તો જાણે આ યજ્ઞમાં બાપાશ્રીને રાજી કરી લેવા માટે જ તત્પર થઈ રહ્યા હોય, તેમ ચૈત્ર સુદ દસમ સુધીમાં તો રાતદિવસ સૌએ સેવામાં ખબડદાર થઈ યજ્ઞપ્રસંગે જે જે સામાનની જરૂરિયાત હતી, તે સર્વે સામાન તૈયાર કરાવ્યો. ઉપરાંત સવારે, બપોરે, સાંજે ને રાત્રે સૌ કથાવાર્તા કરે, સંત-હરિભક્તોની પંક્તિઓ થાય, સહુને નાહવાનું તો બહુધા વાડીઓમાં જ, એટલે સવારમાં ચાર વાગે ત્યાં તો જ્યાં જોઈએ ત્યાં સંત-હરિભક્તો જતાં-આવતાં કે નાહતાં-ધોતાં ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ કરતા જ હોય. કેટલાક મંદિરના કૂવે પણ નાહી લે, મંગળાઆરતી થયા પછી પૂજા વખતે પણ મંદિર તથા ઓશરીમાં ક્યાંય જગ્યા ન મળે, બહારગામના કણબી હરિભક્તો વાડીઓમાં પૂજાઓ સાથે લઈ જાય તે નાહતા આવે ને પૂજા કરતા આવે, તેમાં કેટલાક સભામાં બેસે ને કેટલાક તો હરિભક્તોને જમાડવાના થાળ કરવાની સેવાઓ કરવા માંડે. એ ટાણે અડખેપડખેનાં ગામથી હરિભક્તો આવે તે ગુલાબ તથા હજારી ફૂલના હાર લેતા આવે તે ઠાકોરજી તથા બાપાશ્રી અને સંતોને પહેરાવે; પછી દંડવત્ કરી કહે જે, ‘બાપા! અમારા ગામના આટલા હરિભક્તો સેવા કરવા આવશે.’ ત્યારે બાપાશ્રી તેઓને એમ કહે જે, ‘એ વાત સ્વામી ઈશ્વરચરણદાસજીને કહેજો, યજ્ઞનું કામ એમને માથે છે, એ બહુ જબરા છે. સદ્ગુરુઓ બધાય મહા સમર્થ છે, એમણે તો સહુને કારણમૂર્તિમાં જોડવારૂપ યજ્ઞ ચાલતો જ રાખ્યો છે.’ એમ પ્રશંસા કરે. વળી હરિભક્તોને ઉતારાની કે જમવાની કાંઈ અડચણ ન થાય તે માટે પણ સંતોને ખટકો રખાવવાની પોતે વારે વારે ભલામણ કરતા, રોજ બહારગામથી સંત-હરિભક્તો આવતા જ હોય, તેમાં કોઈ રેલથી આવે તો કોઈ ગાડાં ને ગાડીએ બેસીને આવે, કેટલાક ગામડાંના હરિભક્તો તો માર્ગમાં મહારાજને સંભારતા ને વાતો કરતા કે માળા ફેરવતા ચાલ્યા આવે. એ સૌ દિવ્ય મુક્તોનાં દર્શનથી રાજી થાય, કણબી હરિભક્તોની પંક્તિઓ થાય, તેમાં તો સાધુના જેવી જ રીત, સૌને પીરસાય ત્યાં સુધી ધૂન્ય થાય, પછી એકસાથે સૌ જમે ને એકસાથે ઊઠે, તેમને માટે પાગરણ કે ઉતારાની ગોઠવણ કરવાની ન હોય, એ તો જ્યાં બેઠા હોય ત્યાં જ પાઘડી ઓશીકે મૂકે ને પછેડી માથે ઓઢી સૂઈ જાય, વાડીઓમાં નાહીને પૂજા કરી લે તેમ લૂગડાં પણ ત્યાં જ સૂકવતા આવે. આમ નિર્ગુણ મુક્તની ક્રિયા પણ નિર્ગુણ. આ રીતે સવાર-સાંજ અલૌકિક ભાવે સહુ યજ્ઞના કામમાં સેવા કરતા જોઈ સંતો પણ ઘણા રાજી થતા. આમ સંત-હરિભક્તોમાં સૌને એકસરખો જ આનંદ જણાતો.
ત્યાર પછી એકાદશીને દિવસે સવારે સભામાં કથાવાર્તા થઈ રહ્યા પછી ઘણા હરિભક્તો બેઠા હતા ત્યારે બાપાશ્રી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને કહેવા લાગ્યા જે, ‘સ્વામી! આજ ગામડેથી કેટલાક હરિભક્તો આવ્યા છે ને ઘણાખરા અહીંના પણ છે, તે સહુ યજ્ઞમાં ખબડદાર થઈને સેવા કરે એવી તમે ભલામણ કરો અને તમારાથી થાય તે બધી સેવા તમે કરજો. આ યજ્ઞમાં શ્રીજીમહારાજની ઘણી પ્રસન્નતા છે, પરમ દિવસે પારાયણનો આરંભ થશે, તેથી આજે ચોકમાં ચંદની બંધાવી લ્યો, ઘણા હરિભક્તો હોય ત્યારે એ કામ સહેલું પડે, કથામંડપ પણ સારો શણગારી વચ્ચે મહારાજને પધરાવજો, પુરાણી તો આપણા કેશવપ્રિયદાસજી તથા ઉત્તમપ્રિયદાસજી એ બે છે, તે મૂર્તિ ધારીને કથા કરશે અને સભામાં દિવ્યરૂપે શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત બિરાજશે, માટે તેમને રાજી કરવાનું સહુ તાન રાખજો.’ આવી આજ્ઞા થતાં સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ હરિભક્તોને પાસે બોલાવીને જે જે કામમાં જે જે હરિભક્તો યોગ્ય હતા તેની તે તે કામમાં ગોઠવણ કરી તથા બહારગામથી આવનારા હરિભક્તો માટે પણ ઉતારા-પાગરણની અને ટાણે ટાણે સંભાળ લેવાની તથા જમાડવા વગેરેની બરાબર ખબર રાખવા ભલામણ કરી. એ રીતે સહુને જુદાં જુદાં કામો વહેંચી દીધાં, પછી ચોકમાં ચંદની બંધાવી ને રાત્રે થોડી વાર કથાવાર્તા થયા પછી હરિભક્તોએ ધામધૂમથી ઠાકોરજી પાસે ઉત્સવ કર્યો. એ વખતે અજાણ્યા હોય તેને એમ લાગે જે, આજથી જ યજ્ઞ ચાલતો થયો લાગે છે. પછી બીજે દિવસ સવારમાં કથાવાર્તા થઈ રહ્યા પછી સંતોએ કથામંડપ તૈયાર કરવાનું કામ ચલાવ્યું.