૯૭ - અમારા પાસે શ્રીજીમહારાજની મૂર્તિ છે

0:000:00

ત્યાર પછી એક દિવસ સવારમાં વહેલા ભાઈશ્રી પોતાના ખેતર પાસે ટેકરા ઉપર જઈને એકલા બેઠા હતા તે પડખે ખેતરવાળા હરિભક્તે જોયું. પછી વિચાર કર્યો જે ભાઈ આજ વહેલા આવીને અહીં કેમ બેઠા હશે? થોડી વાર થઈ ત્યાં તો કેટલાંક નાનાં નાનાં બાળકો ત્યાં જોવામાં આવ્યાં. તેથી તેના મનમાં એમ થયું જે, આટલાં બધાં છોકરાં ઘડીકમાં અહીં ક્યાંથી આવ્યાં? એમ આશ્ચર્ય પામતો ઉતાવળો ઉતાવળો એ ત્યાં ગયો. ત્યાં તો એકલા ભાઈશ્રીને દીઠા. ત્યારે પૂછ્યું જે, ‘ભાઈ! હમણાં કેટલાંક બાળક તમારા પાસે દેખાતાં હતાં ને હું અહી આવ્યો એટલામાં કોઈ નથી એ શું?’ ત્યારે ભાઈશ્રીને તેને એમ કહ્યું જે, ‘અમે તો ભગત માણસ કહેવાઈએ, તે અમારા પાસે શ્રીજીમહારાજની મૂર્તિ છે તેથી કોઈ દર્શન કરવા આવે ખરા. તે અહીંનાયે આવે ને કોઈ વાર બીજાં લોકમાંથીયે આવે. પણ જે આવે તેનાં કલ્યાણ થાય. મહારાજ પાસે ને મોટા પાસે બીજું શું હોય?’ એમ બોલ્યા તેથી તે હરિભક્તને ઘણું આશ્ચર્ય થયું.