૭૦૮ - ભૂજમાં પારાયણ અને માધાપુરમાં મૂર્તિપ્રતિષ્ઠા

0:000:00

ત્યાર પછી જેઠ સુદ બીજથી ભૂજના મંદિરમાં 'સત્સંગિજીવન' ની પારાયણ બેઠી હતી, તે પ્રસંગે બાપાશ્રી પાંચમને દિવસે સવારમાં ત્યાં પધાર્યા ને ઠાકોરજીનાં દર્શન કરી સંતોને મળ્યા. તે દિવસે માઘાપુરમાં મૂર્તિપ્રતિષ્ઠાનો ઉત્સવ હોવાથી સંત-હરિભક્તો ત્યાં જવા બાપાશ્રીની વાટ જોઈ રહ્યા હતા, ત્યાં પોતે આવ્યા, તેથી સૌ રાજી થયા અને એ સૌની સાથે ગાડીમાં બેસી પોતે માધાપુર પધાર્યા. ત્યાં સંતો મહારાજની ચંદન-પુષ્પથી પૂજા કરતા, અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા સંતો આવવાની વાટ જોતા હતા. ત્યાં આ દિવ્ય સમૂહને જોઈ સહુને આનંદ થયો. બાપાશ્રી આવ્યા પહેલાં સમય થઈ ગયો જાણી આગળથી ગયેલા સંતોએ સિહાંસનમાં મૂર્તિ પધરાવવા ઉતાવળ કરેલી, પણ મૂર્તિ બરાબર બંધ બેસેલ નહિ, તે બાપાશ્રી આવતાં તુરત જ હાથ અડાડી બોલ્યા જે, 'અહીં જરા છેડે અટકતું હશે,' -એમ કહી એ જ વખતે 'સહજાનંદ સ્વામી મહારાજની જય' બોલી પ્રતિષ્ઠા કરી આરતી ઊતારી. પછી એવી જ રીતે બાઈઓના મંદિરમાં પણ મૂર્તિઓ પધરાવી સૌને પ્રસાદી વહેંચી. એ રીતે ત્યાંના હરિભક્તોને રાજી કરતા બાપાશ્રી નારાયણભાઈના ઘેર આવી તેમની મેડી પર થોડી વાર સૂતા. પછી જાગીને હરિભક્તોએ સહિત પાછા ભૂજ પઘાર્યા.

ત્યાં મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કર્યા પછી પુસ્તક તથા પુરાણીની ચંદન-પુષ્પથી પૂજા કરી સભામાં કથા સાંભળવા બેઠા. સમય થયો ત્યારે કથાની સમાપ્તિ થઈ. એ વખતે પોતાને ગરમી બહુ જણાતી હોવાથી ઠાકોરજીને જમાડીને થોડા હરિભક્તો સાથે મંદિરની વાડીએ પધાર્યા અને રાત્રે આસન પણ ત્યાં જ કર્યું. ત્યાં પણ જે તરફ પોતાને પવન ઠીક જણાય તે તરફ આસન કરાવતા, ક્યારેક વચલે ઓરડે તો ક્યારેક માંદા સંતોને રહેવાની જગ્યાએ ખાટલો ફેરવાવે. સવારે નાહી પૂજા કરી છત્રીને ઓટે થોડી વાર વચનામૃત વંચાવી ત્યાંથી મંદિરમાં આવી કથા સાંભળતા અને કથાની સમાપ્તિ થયે ઠાકોરજીને જમાડી પાછા વાડીએ આવે ત્યાં વાંસડાના થૂંબડા પાસે ખાટલો ઢળાવી સૂવે, ત્યારે ઠંડી હવા માટે હરિભક્તો ચારે તરફ પાણી છાંટે. વળી સોની મોતીભાઈ તથા વિઠ્ઠલજીભાઈ આદિ હરિભક્તો તરબૂચ લાવે, ત્યારે તેનું પાણી કઢાવી પોતે પીએ. ક્યારેક સંતો આગ્રહ કરી સાકરનું પાણી પાય, તો કોઈ વાર પોતે દહીં પીએ. સભામાં બેય વખત આવીને પોતે બેઠા હોય, તેથી સહુને દર્શન-સેવાનો લાભ ઠીક મળતો. એક વાર કથા થઈ રહી ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીને પાસે બોલાવીને કહ્યું, 'પુરાણી! તમે સભામાં 'સત્સંગિજીવન' ની કથા વાંચો છો ને અમો સવારમાં વાડીએ 'સુધાસિંધુ' વાંચીએ છીએ, તે એમાં કારણમૂર્તિ શ્રીજીમહારાજનાં વચન છે તે બધાયથી સર્વોપરી છે. એ વચનામૃતનું રહસ્ય જીવમાં ઉતારી ચૈતન્યમાં મૂર્તિ પધરાવી એટલે કારણશરીર બળે.' એ વખતે પુરાણી કેશવપ્રિયદાસજીએ કારણશરીર બાળવા પ્રાર્થના કરી, ત્યારે પોતે એમ બોલ્યા જે, 'પુરાણી! તમારું કારણશરીર તો બળી ગયું છે, અને તમને અતિ મોટા કર્યા છે ને મૂર્તિમાં જ રાખ્યા છે.' પછી એમ બોલ્યા જે, 'મહારાજના જે સંત-હરિજન છે એ તો મૂર્તિને સન્મુખ રમે છે. જેમ ભમરો પુષ્પ ઉપર ગુંજારવ કરે છે ને સુગંધ લે છે, તેમ જો મૂર્તિ સન્મુખ રમે તો કારણશરીર બળી જાય, પણ કાર્યમાં અથમગથમ કર્યા કરે તો કારણશરીર બળે નહિ ને મૂર્તિનું સુખ પણ ન આવે માટે મૂર્તિને બાઝી રહેવું. અમે તો વનમાં કે ડુંગરામાં હોઈએ અથવા ઝાડ હેઠે બેઠા હોઈએ, પણ મૂર્તિ વિના લૂખા ન રહીએ. એ મૂર્તિ વિના અણુમાત્ર ક્યાંય ખાલી નથી.' પછી ભૂજના ભોગીલાલભાઈ પાસે બેઠા હતા તેમને કહ્યું જે, 'કેમ ભોગીલાલભાઈ! અમે કહીએ છીએ તે બરાબર છે ને?' ત્યારે તે કહે, 'હા બાપા! બરાબર છે. તમે તો આ ફેરે અમને ન્યાલ કર્યા.' ત્યારે બાપાશ્રી કહે, 'શ્રીજીમહારાજ ન્યાલકરણ છે, તેથી તેમને આશરે આવે તે ન્યાલ થાય. જુઓને! સત્સંગમાં સંત-હરિભક્ત બાઈ-ભાઈ એ કારણમૂર્તિને પ્રતાપે એ મૂર્તિનું સુખ ભોગવે છે, માટે એ મૂર્તિને મૂકીને કાર્યમાં એટલે હલરવલરમાં ભળવું નહિ.' એમ કહી મહારાજના મહિમાની બહુ વાતો કરી. પછી એમ બોલ્યા જે, 'તમારા દાદા માધવજીભાઈ અને તમારા પિતા પુરુષોત્તમભાઈ તે અમારા હતા, તે અક્ષરધામમાં જઈને મહારાજની મૂર્તિમાં બેઠા ને તમને પણ મૂર્તિમાં રાખ્યા છે અને હવે અમે પણ અક્ષરધામ જઈને બેસશું; પછી કેડે રહ્યા તેને એવું સુગમ કેમ થાશે, એમ કોઈ સમજશો નહિ. અમે તો અક્ષરધામમાં બેઠા થકા પણ જે મહારાજને સંભારતા હશે તેની ખબર રાખશું.' પછી દેવરાજભાઈ તથા ધનજીભાઈના દીકરાઓ દર્શન કરવા આવ્યા, તેની બહુ પ્રશંસા કરી.