૬૭૦ - ભૂજમાં ફૂલડોલનો ઉત્સવ
ત્યાર પછી ફૂલડોલના સમૈયા પર બાપાશ્રી ભૂજ દર્શને ગયા, ત્યારે સંત-હરિભક્તો ઘણા રાજી થયા ને પરસ્પર મળ્યા. પછી આસન કરાવ્યું. થોડી વારે પોતે ઠાકોરજીનાં દર્શન કરવા આવ્યા ત્યારે ઠાકોરજીના સેવકે બાપાશ્રી પર રંગ-ગુલાલ નાખ્યો, એ જોઈ હરિભક્તો બહુ જ આનંદ પામ્યા. પછી રંગવાળાં વસ્ત્રોએ સહિત બાપાશ્રીએ સભામાં આવીને વાત કરી જે, ‘આજ શ્રીજીમહારાજ સૌને રંગ-ગુલાલે સહિત દર્શન દે છે, એ ગુલાલ ને રંગ બધો દિવ્ય જાણવો; જેમ મહારાજ અને મુક્ત દિવ્ય છે, તેમ તેમના સંબંધને પામે એ વસ્તુ પણ દિવ્ય થઈ જાય. આ લોકમાં શ્રીજીમહારાજ તથા એ મૂર્તિમાં રહેનારા મુક્ત મળવા દુર્લભ છે, તે આજ દયા કરીને સુલભ થયા છે, નહિ તો આવો જોગ ક્યાંથી મળે! હવે તો ચકોર પક્ષીની પેઠે એ મૂર્તિ સામું જોઈ રહેવું.’ એમ કહી ઠાકોરજીને જમાડવા ઊઠ્યા.