૬૬૪ - યજ્ઞ નિમિત્તે મર્મવચન
એક વખત પુરાણી કેશવપ્રિયદાસજીને પાસે બોલાવીને કહ્યું જે, ‘પુરાણી! સંત-હરિભક્તો મંદિરની સેવા બહુ કરે છે અને જગ્યા સારી થાય છે. આ જગ્યાનું કામ પૂરું થઈ રહેશે ત્યારે આપણે યજ્ઞ કરશું. આ ફેરે છેલ્લો યજ્ઞ કરીને પછી અમારે પરવારવું છે.’ આવાં વચન સાંભળી પુરાણી કેશવપ્રિયદાસજીએ ઘણી પ્રાર્થના કરી જે, ‘બાપા! આપ છેલ્લો યજ્ઞ કરવાનું કહો છો, તેમાં અમને કાંઈ સમજણ પડતી નથી. આ ફેરે સંતો ગુજરાતમાં ગયા, ત્યારે પણ આપે તેમને ઘણાંક મર્મવચનો કહ્યાં હતાં.’ પુરાણીનાં આવાં વચનથી એ વાતને ભુલાવી દેવા પોતે વાત કરવા લાગ્યા જે, ‘પુરાણી! છેલ્લો યજ્ઞ એટલે છેલ્લી અનાદિની સ્થિતિ કરવાનો બ્રહ્મયજ્ઞ. એ યજ્ઞમાં તમામ હેતવાળા સંત-હરિભક્તોને તેડાવી મૂર્તિના સુખની વાતો કરશું તથા સહુને મૂર્તિના સુખમાં રહેવાની છેલ્લી પ્રાપ્તિ કરાવીશું. ઘેર-ઘેર જઈશું, ઉતારે-ઉતારે ફરશું, સહુને દિવ્ય ભોજન જમાડશું, સભામાં બેઠા હશું અને જે સંભારશે તેના મનોરથ પૂરા કરશું, એમ સહુને રાજી કરવા છે; આ ફેરે કોઈને તાણ રહેવા દેવી નથી.’