૫૭૭ - તરબૂચ તથા લાડુ-પૂરીનો યજ્ઞ

0:000:00

એક દિવસ ભૂજથી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી અને ભોગીલાલભાઈ, ધનજીભાઈ, સોની મોતીભાઈ વગેરે દર્શન કરવા આવ્યા, પણ બાપાશ્રીને શરીરમાં ગરમી વધુ જણાતાં પોતે બપોરના વાડીએ રહેતા હોવાથી સંત-હરિભક્તો ત્યાં આવીને દંડવત્ કરી મળ્યા ને કેવુંક લાગ્યું છે વગેરે સમાચાર પૂછ્યા. તે સૌના માથે હાથ મૂકી વાત કરવા લાગ્યા જે, ‘આપણે કાંઈક થાય ત્યારે દેહનું અનુસંધાન રાખીએ તો દુ:ખ જણાય પણ મૂર્તિમાં જોડાઈ જઈએ તો જાણે કાંઈ છે જ નહિ. મૂર્તિમાં તો નકરું સુખ જ ભર્યું છે, દુ:ખનો ગંધેય નથી. બધાય કહે છે કે, તમને ઘોડીએ પાડ્યા એટલે અમે કહીએ છીએ કે, પાડ્યા. પણ ખાટલામાં સૂતા સૂતા મૂર્તિના સુખમાં જતા રહીએ છીએ.’ એમ વાત કરી તેથી સહુ રાજી થયા.

પછી બ્રહ્મચારી એક પાકું તરબૂચ તથા દૂધના લાડુ અને પૂરી સાથે લાવેલા તે પાસે મૂકીને કહ્યું જે, ‘બાપા! આ થાળ મહારાજને સૂતા સૂતા જમાડો તો બધુંય ઠીક થઈ જાય. હું મહારાજને જમાડીને લાવ્યો છું.’ ત્યારે બાપાશ્રી કહે ‘ભલે! કરો યજ્ઞ.’ એમ કહી લાડુ તથા પૂરીમાં હાથ ફેરવી સૌને વહેંચવા મંડ્યા. ત્યારે બ્રહ્મચારી કહે, ‘એમ નહિ, મહારાજને તમે જમાડો તો અમે રાજી થઈએ’ –એમ કહેવાથી પોતે લાડુ, પૂરીમાંથી થોડુંક જમ્યા. પછી હરિભક્તોને તથા વાડીમાં કામ કરનારા માણસોને બોલાવીને એ પ્રસાદી પોતાને હાથે સૌને વહેંચી દીધી. એવી જ રીતે તરબૂચ પણ ઠાકોરજીને જમાડી સહુને વહેંચ્યું. પછી પોતે ઘોડી પર બેસી સૌની સાથે હળવા હળવા વાતો કરતા મંદિરમાં આવ્યા, ત્યાં સંતોએ દર્શન કરી કથા વાંચવા માંડી. રાત્રે પણ બ્રહ્મચારી નિર્ગુણાનંદજી પાસે સભામાં મહારાજના મહિમાની વાતો કરાવી ઘણો રાજીપો જણાવ્યો ને ઠાકોરજીના પ્રસાદીહાર પહેરાવી મળ્યા. વળી રાત્રે પોતાના આસન પાસે બેસારી સૂતા સૂતા ઘણી વાર મૂર્તિના સુખની વાતો કરીને પાછલી રાત્રે એ સહુને વિદાય કર્યા.

હવે કૂવો ગાળવાનું કામ છત્રીએ ચાલતું હતું ત્યાં પાણી સારું થયું ને ઉપરથી વરસાદ પણ ઘણો થયો, તેથી કાળીતલાવડીમાં પણ પાણી ભરાઈ ગયું. પછી અષાઢી અમાસના દિવસે બાપાશ્રીએ વર્ષોવર્ષની પેઠે ધામધૂમથી સમૈયો કરી ગામનાં બાળકોને જમાડી રાજી કર્યાં.