૩૩૨ - વૃષપુરમાં પારાયણ-યજ્ઞ
બાપાશ્રી તો એ પારાયણની સમાપ્તિના દિવસે જ સૌને પંક્તિમાં દર્શન દઈ આશીર્વાદ આપી સંતોએ સહિત વૃષપુરમાં આવી પહોંચ્યાં; કેમ કે પોતાને ત્યાં વદ એકાદશીથી મોટો યજ્ઞ આદરેલો હતો, તેમ તેની કંકોત્રીઓ પણ આગળથી મોકલાવી દીધી હતી, જેથી સંત-હરિભક્તોનો સમૂહ હળવે હળવે વૃષપુરમાં આવવા લાગ્યો. હરિભક્તોને એમ જે, ‘મોડા જઈએ તો ઘણી ભીડ થાય, એટલે ઉતારા છેટા મળે.’ બાપાશ્રીએ તો ગામના મોટા મોટા હરિભક્તોને માથે યજ્ઞનો કારભાર બધો રાખેલ હોવાથી તેમને સહુ સહુને જુદાં જુદાં કામ સોંપી દીધેલાં, તેથી પોતાને એ કામની જરાય ચિંતા નહોતી, સંતોમાં સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી તથા અમદાવાદ, મૂળી અને ભૂજના સંતો મળી કામ સંભાળતા ને હરિભક્તો જે કાંઈ પૂછે તેનો જવાબ આપતા, તેથી યજ્ઞનું કામ તો ચાલ્યા જ કરતું. એમ કરતાં વદ દસમનો દિવસ આવ્યો, ત્યાં તો ઘણા સંત-હરિભક્તો આવી પહોંચ્યા. બહારના હરિભક્તોનો ઘણો ભરાવો જોઈ, ગામના હરિભક્તો પોતપોતાનાં ઘર હરિભક્તોને સોંપી વાડીઓમાં રહેવા લાગ્યા ને પાકશાળામાં તથા કોઠારમાં પણ કામ ચાલતાં થયાં. હજારો મણ ઘીની માતર (સુખડી) તથા શીરા કરવાના હોવાથી સૌ ઉંમંગભર્યા સેવા કરવા લાગ્યા. કોઈ ઘી ગાળે, કોઈ ગોળ ભાંગે, કોઈ ગામડેથી ઘઉંનાં ગાડાં ભરી લોટ દળાવી લાવે, કોઈ સીધાં-સામાનની સંભાળ રાખે. રસોડે પણ એવી જ ગોઠવણ થઈ ગઈ. શીરાના હોજ તૈયાર કરાવ્યા. સાંખ્યયોગી બાઈઓમાં મુક્તરાજ ધનબાનું મંડળ આવેલ તેમ જ ગુજરાતી બાઈઓ કંકુબા તથા કશળબા, કાશીબા, મોંઘીબા, ચંચળબા, હરખાબા, કરાંચીવાળા લીરુબા, ડાહીબા વગેરે ઘણાં બાઈઓ આવેલ હોવાથી, તેઓ પણ બાઈઓના મંદિરમાં જ સીધાં-સામગ્રી તૈયાર કરાવવાની, જેનાથી જે જે સેવાઓ બને તે કરવા લાગ્યાં.
આગલે દિવસે કથામંડપ તૈયાર કરી રાખ્યો હતો, એટલે એકાદશીને દિવસે તો સવારથી જ મંદિરને દરવાજે શરણાઈ, ત્રાંસાં આદિ વાગવા મંડ્યાં. વિપ્રે વેદોક્તમંત્રથી બાપાશ્રી તથા તેમના પુત્રાદિક પાસે વિધિ કરાવી પૂજા કરી આરતી ઊતરાવી; તે વખતે સંત-હરિભક્તોની ભીડથી મંદિરના વિશાળ ચોકમાં જગ્યા જ ન મળે. આ પારાયણમાં પણ વક્તા બ્રહ્મચારી મુનીશ્વરાનંદજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી હોવાથી એમની બાપાશ્રીએ ચંદન, પુષ્પથી પૂજા કરી અને તેમણે પણ બાપાશ્રીને ભાલે ચંદન ચર્ચી હાર પહેરાવ્યા; પછી તો બ્રહ્મયજ્ઞ ચાલતો થયો. પોતાને સહજ સ્વભાવે એવી જ પ્રકૃતિ હોવાથી પોતે પાધરા ચંદનનો કટોરો હાથમાં લઈ સભામાં સહુની પૂજા કરવા લાગ્યા. સંત-હરિભક્તોને પણ એમ જે, ‘આવા ચંદન ચર્ચનારા ક્યાંથી મળે?’ થોડી વારે બાપાશ્રીના નાના પુત્રે આ અનાદિ મુક્તરાજના હાથમાંથી ચંદનનો કટોરો લઈ લીધો એટલે પોતે સભામાં આવીને બેઠા. બાપાશ્રીનું આસન મહારાજની સન્મુખ હોવાથી સૌની નજર તેમના સામી સ્વાભાવિક રહેતી; કેમ કે પોતાનું શરીર પૃષ્ટ, ભરાવદાર, તેમ હરિભક્તો દર્શન કરવા આવે તે કંઠમાં હાર પહેરાવી જાય, તેથી ઘણા ફૂલહારથી શોભતા. કેડિયું પહેરેલું હોય તો તે પણ એવું જ જાડું ને ઘેરાળું. ગામડેથી હરિભક્તો આવે તે પુરાણીને ચંદન ચર્ચી હાર પહેરાવે, તેમ આ અનાદિ મુક્તરાજની પણ એ જ રીતે પૂજા કરે. એ વખતે પોતે પણ કંઠમાંથી ઉતારી ઉતારી હરિભક્તોને હાર પહેરાવે, એટલે ઘડી ઘડી સૌને નવીન નવીન દર્શન થાય. પોતે સભામાં ધ્યાને યુક્ત બેઠા હોય, પણ જ્યારે નેત્ર ઉઘાડી સભા સામું જુએ ત્યારે તો લાલવર્ણાં નેત્રોથી જાણે સુખ વરસાવતા હોય તેવી પ્રસન્નતા જણાતી. આ રીતે સભામાં અલૌકિક દિવ્યભાવે દર્શન થતાં ને કથા સંભાળતાં સૌને હર્ષ ઊભરતો હતો. નવ વાગ્યા એટલે સમાપ્તિ થઈ ને કીર્તન બોલાણાં, પ્રસાદી વહેંચાણી; પછી હરિભક્તોને જમવાનો સાદ થયો, તેથી વાડીમાં સહુ જમવા ગયા. એ જ રીતે બપોરે પાછી પારાયણ ચાલુ થઈ ને સાંજે સમાપ્તિ પછી ‘હરે’ થયા.
આ પ્રકારે દિનપ્રતિદિન બ્રહ્મયજ્ઞ થતાં સહુ ઉમંગભર્યા પારાયણ સંભાળતા હતા. વક્તા બેય મહારાજના કૃપાપાત્ર હોવાથી બાપાશ્રી તેમના પર ઘણી પ્રસન્નતા જણાવતા. બે દિવસ વચમાં પુરાણી મુનીશ્વરાનંદજીનો સ્વર બેસી જવાથી પોતે તેમના આસને જઈને સમાચાર પૂછતા, દૂધ પીવાની ભલામણ કરતા, પ્રસાદીના હાર પહેરાવી રાજી કરતા. આમ સવાર-સાંજ કથાયજ્ઞ ચાલતો. બપોરે સંતો વાડીએ નાહવા જાય ત્યારે શેરીઓમાં ઊભા રહી નાનામોટા સહુ દર્શન કરે, બાપાશ્રી પણ સાથે જાય. આ યજ્ઞમાં સંતો ચારસોથી વધુ આવેલા ને હરિભક્તો તો પચીસ-ત્રીસ હજાર જેટલા હોવાથી શેરીએ, બજારે કે વાડીઓમાં ક્યાંય ખાલી જગ્યા જણાતી નહિ, પંક્તિ વખતે પણ વાડીઓમાં હરિભક્તો ઊભરાય. સહુ હારબંધ બેસી જાય, એટલે સોએ સો સારથિયા હરિભક્તો તેમને પીરસવા માંડે, તે ટાણે ધૂન્ય થાય, ‘જય’ બોલાય ને હજારો હરિભક્તો એ દિવ્યસમૂહનાં દર્શન કરે. બાપાશ્રી પણ કંઠમાં હજારી ફૂલહારથી શોભતા, મોટા મોટા હરિભક્તોને સાથે લઈ ધીરે ધીરે ચાલ્યા આવતા સૌને દર્શન આપે. પછી સંતની પંક્તિઓનાં દર્શન કરે. સંતો ના પાડે તોય પોતે દંડવત્ કર્યા વિના ક્યારેય રહે નહિ. પછી પોતે ઘેર જમવા પધારે, ત્યારે દીકરીઓએ ઠાકોરજીના થાળમાં કાંઈ શીરો વગેરે કરેલ હોય તે પીરસે ત્યારે બહુ જ થોડું લે, ખીચડી વધુ જમે, છાશ પીએ, બહુ તાણ કરે તો કહે, ‘મને આ રુચિ નથી, આ ફાવતું નથી, આ વાયુ કરે છે.’ –આમ પોતે ઘણી સાદાઈ જણાવતા.