૧૪૮ - મહિમા જાણતાં મોક્ષપ્રાપ્તિ
પછી હરજીભાઈને દસ દિવસ થયા ત્યારે ફરી વાર સ્વામી ઈશ્વરચરણદાસજીને ભાઈશ્રીએ કહ્યું જે, ‘અમારે હરજીભાઈની લોકાઈએ જવું છે ને તેમની માને કંઠી બંધાવવી છે, તે કંઠી આપો.’ એમ કહી કંઠી લઈને કુંભારીએ પધાર્યા. ત્યાં જઈ હરજીભાઈનો ખરખરો કર્યો, ધીરજ દીધી ને મહારાજના પ્રતાપની વાતો કરી, ત્યારે તેમની માતુશ્રી બોલ્યાં જે, ‘ભાઈ! તમે આ લોકના મનુષ્ય નથી, બહુ મોટા છો ને અક્ષરધામમાંથી જીવ ઉદ્ધારવા આવ્યા છો. તમે મારા દીકરા હરજીને તથા ગોવામલભાઈની દીકરીને તેડવા આવ્યા હતા, તે મારી નજરે જોયું છે, માટે તમે તો મોક્ષ કરો એવા સમર્થ ને મહાપ્રતાપી છો. હવે મને કંઠી બાંધો.’ પછી ભાઈશ્રીએ તેમને કંઠી આપી ને રામપુરવાળાં મુક્તરાજ ધનબા પાસે જઈ એક મહિનો વાતો સંભાળવાની આજ્ઞા કરી ને કહ્યું જે, ‘એ બહુ મોટા મુક્ત છે, તેમની વાતોથી તમને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાશે, પછી તમને પણ હરજીભાઈની પાસે અમે તેડી જઈશું,’ -એમ બોલ્યા. આ વચન પ્રમાણે તેમણે પણ મુક્તરાજ ધનબાનો જોગ-સમાગમ કરી રાજી કર્યા ને ધામમાં ગયા. આ રીતે ભાઈશ્રીએ હરજીભાઈના સંબંધે કરી તેમની માનો પણ સહજમાં મોક્ષ કર્યો. .