૭૦૬ - માવજીભાઈનાં લગ્નમાં સંભારણું
સદ્ગુરુઓ ગુજરાતમાં ગયા પછી બાપાશ્રી સવાર-સાંજ મંદિરમાં હરિભક્તોને કથાવાર્તા કરી સુખિયા કરતા તેમ જ બપોરના વાડીએ જાય તે સાંજે ઘેર આવે. રાત્રે આસનમાં સૂતા હોય ત્યારે પણ પાસે બેઠેલા હરિભક્તોને મહારાજના મહિમાની વાતો કરે. એમ કરતાં દસબાર દિવસ થયા ત્યાં નારાયણપુરથી ધનજીભાઈના દીકરા લાલજીભાઈ તેડવા આવ્યા કે, 'બાપા! આજ સહકુટુંબ ને લઈને આપણે ઘેર પધારો, કેમ કે આપણા હરજીનો મોટો દીકરો માવજી પરણે છે ને તમે માવિત્ર છો તે સૌથી આગળ જોઈએ, માટે વહેલા પધારો,' ત્યારે બાપાશ્રી થોડી વાર વિચાર કરવા લાગ્યા, પણ લાલજીભાઈએ એવાં વિનયવચનો કહ્યાં કે, બાપાશ્રી તુરત રાજી થઈ ગાડી જોડાવી પોતાના પૌત્ર માવજી, જાદવજી તથા સેવક પ્રેમજી આદિને સાથે લઈ તેમને જુને ઘેર ગયા, ત્યાં તો બાપાશ્રીને જમાડવા થાળ તૈયાર કરી રાખ્યો હતો, તેથી આગ્રહ કરવાથી પહેલાં ત્યાં ઠાકોરજીને જમાડ્યા, પછી લાલજીભાઈ તથા હરજીભાઈ વગેરે બાપાશ્રીને પોતાના નવા ઘેર તેડી લાવ્યા. ત્યાં આગળથી ઢોલિયો ઢાળી રાખેલ તે પર બહુ તાણ કરી બેસાર્યા. તે વખતે સગાંવહાલાં સૌ દર્શન કરવા લાગ્યાં, ત્યારે રામજીભાઈ કહે, 'બાપા! બહુ દયા કરી.' ત્યારે પોતે એમ બોલ્યા જે, 'દીકરાના લગ્નમાં તો આવવું જ ખપેને!' પછી થોડી વારે ઢોલ, ત્રાંસા ને શરણાઈ આદિ વાગતાં બાઈઓ આવ્યાં, તે કીર્તન ગાવા મંડ્યાં, પછી તો લગ્ન વધાવવાનો વિધિ થવા લાગ્યો, તેમાં ગણપતિસ્થાપન અને માણેકસ્થંભારોપણ વગેરે કામ બાપાશ્રીએ પોતાને હાથે કર્યું. પછી બાઈઓ માણેકસ્થંભ વધાવવા લાગ્યાં, તે જોઈ પોતે લાલજીભાઈને કહે, લાલજી! આ બઘાંય લાકડાંને વધાવે છે તે મહારાજ જોઈ રહ્યા છે, તે તમે બાઈઓને કહોને કે, મહારાજને વધાવો એટલે એમાં બધુંય આવી જાય.' આવાં વચનથી લાલજીભાઈએ એ વાત બાઈઓને કરી, એટલે તુરત સહુ કુંકુમ, અક્ષત, ફૂલ વગેરેથી મહારાજને વધાવતાં કીર્તન બોલવા લાગ્યાં, તે જોઈ પોતે રાજી થયા. થોડી વાર એ રીતે બાઈઓ હર્ષભર્યા કીર્તન બોલી રહ્યાં, ત્યારે બાપાશ્રીના હાથે સૌને ખારેકું આપવા લાલજીભાઈએ પ્રાર્થના કરી, ત્યારે પોતે જે આવે તેને ખોબા ભરી ભરીને આપવા મંડ્યા. તે સત્તાવીશ મણ ખારેકું તે ટાણે વહેંચવામાં વાપરી. પછી ત્યાંથી જૂને ઘેર આવી બાપાશ્રી ધનજીભાઈના ત્રણેય દીકરાઓને કહેવા લાગ્યા જે, 'બચ્ચા! તમારે સૌને હવે સત્સંગમાં ને વ્યવહારમાં સારી રીતે વર્તવાનું છે. કેમ કે તમે હવે ધનજીને ઠેકાણે છો, તે એની રીતભાત પ્રમાણે તમારે ચાલવું જોઈએ. જેમ એણે સત્સંગ માથા સાટે રાખ્યો હતો, તેમ તમે સહુ રાખજો, ઘરમાં નાનામોટાએ એકબીજાના દાબમાં રહેવું. તમારી મા ખરેખરાં મુક્ત છે, તેને તમો સહુ રાજી રાખજો,' -એમ કહી પોતે વૃષપુર જવાનું જણાવ્યું, પણ એ વખતે દહીંસરાથી મનજીભાઈ દર્શન કરવા આવેલા, તેમણે પ્રાર્થના કરી જે, 'બાપા! તમને દહીંસરાના હરિભક્તો બહુ સંભારે છે, અને ખીમજીભાઈએ કહ્યું છે કે, મારી વતી પ્રાર્થના કરી બાપાને અહીં તેડતા આવજો.' આવાં વચનથી બાપાશ્રી તેમની સાથે દહીંસરે પધાર્યા.